સાંસદની સારવાર માટે સુરતના યુવાન ડોક્ટરને ચાર્ટર્ડ ફલાઇટથી રાજકોટ કેમ બોલાવાયા

PC: Khabarchhe.com

 

રાજકોટથી રાજ્યસભા સાંસદ અભય ભારદ્વાજને કોવિડ-19નું સંક્રમણ થતા તેમને દાખલ કરાયા હતા. તેઓ વેન્ટિલેટર પર હતા. પરંતુ તેમની હાલતમાં કોઇ સુધારો દેખાતો ન હતો. તેમને શ્વાસ લેવામાં ભારે તકલીફ થતી હતી. ત્યારે એવા સમાચાર આવ્યા કે સુરતથી એક યુવાન તબીબ ડો. સમીર ગામીને રાતોરાત ચાર્ટર્ડ ફ્લાઇટથી રાજકોટ બોલાવાય છે. તેમની સાથે કોરોનાકાળમાં સતત સક્રિય રહેલા યુવાન ધારાસભ્ય હર્ષ સંઘવી પણ હતા. તેમણે રાજકોટ જઇને સાસંદની સારવાર કરીને અને તેમની હાલત સ્થિર બની. તેઓ ખતરામાંથી બહાર આવ્યા. અહીં સવાલ એ હતો કે આખા ગુજરાતમાંથી સુરતના ડો. સમીર ગામીને જ કેમ બોલાવાયા. તેઓ લગભગ 40 વર્ષની ઉંમરના છે. તેમના કરતા ઘણા અનુભવી ચેસ્ટ ફિઝિશિયન ગુજરાતમાં હશે. તો ડોક્ટર ગામીને જ કેમ ગયા. આ સવાલનો જવાબ મેળવવા અમે તેમને કેટલાક સવાલો કર્યા.

ડો. ગામીએ અમને જણાવ્યુ કે સાસંદને કોવિડ-19ના કારણે ફેફસા પર મોટી અસર થઇ હતી. આપણા શરીરમાં ઓક્સિજન પહોંચાડવાનું કામ ફેફસા જ કરે છે. જો તે કામ કરતા બંધ થઇ જાય તો શ્વાસ લઇ શકાય નહીં. પરંતુ ફેફસા કામ કરતા બંધ કેમ થાય છે. અભયભાઇના કેસમાં શું થયું હતું. તે સવાલના જવાબમાં ડો. ગામીએ કહ્યું કે આપણા ફેફસા સ્પન્જ જેવા હોય છે. તેને દબાવો તો દબાઇ જાય અને પાછા પોતાની સ્વાભાવિક સ્થિતિમાં આવી જાય. પરંતુ કોરોનાના સંક્રમણના કારણે તે કડક થઇ જાય. દાખલા તરીકે આપણે બ્રેડ લાવીએ ત્યારે તે સોફ્ટ હોય છે પરંતુ સૂકાઇ જતા તે કડક થઇ જાય છે. આ કેસમાં તેમના ફેફસા કડક થઇ જવાને કારણે શરીરની અંદર ઓક્સિજન ખૂબ ઓછું જતું હતું.

તો પછી તેમના શરીરને ઓક્સિજન પહોંચાડવા વેન્ટીલેટર કેમ કામ ન આવે. તેવા સવાલના જવાબમાં ડો. ગામીએ કહ્યું કે વેન્ટીલેટર એક સીમા સુધી જ કામ કરે. આવા કિસ્સામાં વેન્ટીલેટર કામ કરે નહીં.

આવા કેસમાં શું સારવાર કરાય છે, તેવો પ્રશ્ન કરતા તેમણે કહ્યું કે ત્યારે ECMO (Extracorporeal Membrane Oxygenation)ની સારવાર આપી શકાય છે.

ઇસીએમઓ સારવાર અંગે ડો. ગામીએ કહ્યું કે આ સારવારમાં દર્દીના શરીરમાં એક કાણુ પાડવામાં આવે છે અને શરીરનું લોહી એક મશીનમાં જાય છે. મશીન ફેફસાની જેમ કામ કરે છે. લોહીમાં ઓક્સિજન ભેળવીને તે ફરી શરીરમાં ચડાવી દે છે. સામાન્ય રીતે ફેફસાનું 80 ટકા કામ મશીન કરે છે અને 20 ટકા ફેફસા એક્ટિવ હોય છે. દર મિનિટે 4થી 5 લીટર લોહી આ મશીનમાંથી પસાર થઇને પાછું શરીરમાં જાય છે. પછી ધીરે ધીરે દર્દીના ફેફસાની સમસ્યા દૂર થતા મશીનની જરૂર પડતી નથી.

તો શું ગુજરાતમાં બીજે ક્યાંય આ સારવાર મળતી નથી. ડો ગામી કહે છે કે અમદાવાદમાં એક હોસ્પિટલ આ સારવાર આપે છે પરંતુ તેઓ બીજા શહેરમાં જતા નથી. જ્યારે ડો. ગામીની ટીમ આખા ગુજરાતમાં કોઇ પણ શહેરમાં જઇને આ સારવાર આપે છે. તેમની ટીમે આવા 190 દર્દીઓને સારવાર આપી છે. તેઓ કાર દ્વારા પણ કોઇપણ શહેરમાં જઇને સારવાર આપે છે. સારવારનો ખર્ચ થોડો મોંધો હોય છે. સારવાર અઠવાડિયા સુધી આપવી પડે તો રૂ. 7 લાખથી વધુનો ખર્ચ થઇ શકે છે.

અમે જ્યારે દુનિયાના બીજા દેશોમાં કોવિડના પેશેન્ટની આ પદ્ધતિથી સારવાર અંગેની જાણકારી મેળવવાનો પ્રયાસ કર્યો તો જાણવા મળ્યું કે 400થી વધુ કેસોમાં આનો ઉપયોગ થઇ ચૂક્યો છે. સૌથી વધુ આનો ઉપયોગ અમેરિકામાં થયો છે. ભારતમાં આનો ઉપયોગ 10 વર્ષ પહેલા જ શરૂ થયો હતો. ડો. ગામી છેલ્લા 4 વર્ષથી આ સારવાર કરે છે. તેમું કહેવું છે કે આ સારવાર એક ટીમ વર્ક છે. આખી ટીમ કામ કરતી હોય છે. તેમની ટીમ હવે ગુજરાતની ફ્લાઇંગ એકમો ટીમ કહેવાઇ રહી છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp