ગ્રામ્ય વિસ્તારોની હોસ્પિટલો માટે ગુજરાત સરકારની મહત્ત્વની જાહેરાત

PC: khabarchhe.com

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્ય સરકારના સંવેદના સ્પર્શી જનઆરોગ્યના નિર્ણયોની ફળશ્રુતિ જણાવતા કહ્યુ કે, ભારત આયુષ્માન પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના અને મા અમૃતમ્-વાત્સલ્ય યોજનાને સંયોજિત કરી રાજ્યના 70 લાખ પરિવારોને પ્રાથમિક તબક્કાએ આરોગ્ય કવચથી રક્ષિત કરવાની દિશામા સરકાર આગળ વધી રહી છે.

જૂનાગઢના વડાલમા વતન પ્રેમી કોરાટ તબીબ દંપતિ દ્વારા સેવાભાવથી નિર્મિત હિમાલયા કેન્સર હોસ્પિટલનુ ઉદ્ઘાટન કરતા મુખ્યમંત્રીએ કહયુ કે, છેવાડાની મોટી હોસ્પિટલોને આરોગ્ય યોજનાઓમા રજીસ્ટરર્ડ કરીને ગરીબોથી માંડીને વંચિતો એમ તમામ નાગરિકોનુ તંદુરસ્ત આરોગ્ય જળવાય તેવી સરકારની નેમ છે.

મુખ્યમંત્રીએ આ સંદર્ભમા વધુમાં કહ્યુ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સંકલ્પ છે કે દેશના દરેક જિલ્લામાં મેડીકલ કોલેજ બને. રાજ્ય સરકાર તંદુરસ્ત સમાજના નિર્માણમા હર હંમેશ કાર્યરત છે ત્યારે હવે નવા જિલ્લાઓમાં પણ મેડીકલ કોલેજ શરૂ કરીને વડાપ્રધાનની આ સંકલ્પના સાકાર કરાશે. ગુજરાતના યુવાનોને રાજ્યમાં જ મેડિકલ શિક્ષણ મળી રહે તે માટે મેડિકલ કોલેજીસમાં બેઠકો વધારવાની 5400 કરવામાં આવી છે એમ પણ તેમણે જણાવ્યું હતું.

મુખ્યમંત્રીએ ગ્રામ્ય વિસ્તારમા પણ અદ્યતન અને સુપર સ્પેશ્યાલીસ્ટ હોસ્પિટલ બને તે માટે ગ્રીન ફીલ્ડ અને બ્રાઉન ફીલ્ડ બને તે માટે મેડીકલ પોલીસીની હિમાયત કરતા કહ્યુ કે, આ યોજનામાં હોસ્પિટલોને પ્રોત્સાહિત કરવા વીજ બીલથી માંડીને વ્યાજ માફીના લાભ અપાશે. વડાલ જેવી આવી હોસ્પિટલમાં સંકલન કરીને ગરીબ દર્દી જો પૈસા વગર હોસ્પિટલમા દાખલ થાય તો તેમને એકપણ પૈસાનો ખર્ચ ન થાય તે દિશામાં અમારી સરકાર કામ કરી રહી છે તેમ મુખ્યમંત્રીએ કહ્યુ હતુ.

મુખ્યમંત્રીએ વડાલમાં દક્ષિણ સૌરાષ્ટ્રની પ્રથમ કેન્સર હોસ્પિટલ શરૂ કરીને દર્દીઓ અને સગાઓ માટે રહેવા જમવાની નિઃશુલ્ક સુવિધા આપવાની પ્રતિબદ્ધતા બદલ ડૉ.રાજેશ કોરાટને અભિનંદન આપ્યા હતા. આ હોસ્પિટલમા દેશમા બહુ જુજ પ્રમાણમા છે તેવા તબીબી સાધનો વસાવવા બદલ પ્રશંસા કરી હતી.

મુખ્યમંત્રીએ ફીટ ઇન્ડીયા જન આંદોલનમા જોડાવા, દરીદ્ર નારાયણની સેવામા સરકાર અને સામાજિક સંસ્થાઓ સાથે મળીને નોધારાનો આધાર બને તે માટે અનુરોધ કરી ગુજરાત જન આરોગ્ય અને તંદુરસ્ત સમાજના નિર્માણ માટે નવા આયામો પ્રસ્થાપિત કરી રહ્યુ છે તેની સાથે આરોગ્ય ક્ષેત્રે રૂ. 1500 કરોડના બજેટની ફળશ્રુતિ કહી હતી.

પ્રવાસન અને મત્સ્યોદ્યોગ મંત્રી જવાહર ચાવડાએ જણાવ્યુ હતુ કે, માણાવદર, કુતિયાણા થી લઇને ધોરાજી અને સોરઠનુ કેન્દ્ર બીંદુ જૂનાગઢ જિલ્લો છે. તેમણે સૌ કોઇને વ્યસન છોડવા અપીલ કરી હતી. હોસ્પિટલ નજીકના વિસ્તારના લોકો માટે ઉપયોગી બનશે. વડાલમાં હોસ્પિટલ શરૂ કરવા બદલ કોરાટ દંપતિને અભિનંદન પાઠવ્યા હતા.

ભેસાણ તાલુકાના વતની અને વડોદરા સ્થિત તથા હોસ્પિટલ શરૂ કરનાર ડૉ.રાજેશ કોરાટે જણાવ્યુ હતુ કે, સોરઠના 7 જિલ્લા અને 70 લાખની વસતી ધરાવતા આ પ્રદેશના લોકોને કેન્સર જવી અસાધ્ય બીમારી માટે માદરે વતનથી દુર ના જવુ પડે એ આશય હિમાલયા કેન્સર હોસ્પિટલની સ્થાપનાનો છે. તેમણે ઉમેર્યુ હતુ કે, 160 બેડ ધરાવતી આ અતિઆધુનિક સુવિધા ધરાવે છે. દર્દી તથા તેની સાથે આવનાર સ્વજનોને પણ હોસ્પિટલમાં નિઃશુલ્ક રહેવા-જમવાની સુવિધા મળનાર છે.

આ તકે શાબ્દિક સ્વાગત કરતા જિલ્લા અગ્રણી કિરીટ પટેલે જણાવ્યુ હતુ કે, સોરઠની આ પ્રથમ કેન્સર હોસ્પિટલ સોરઠવાસીઓ માટે દર્દીઓ માટે ઉપયોગી નિવડશે. આ તકે કિરીટ પટેલે ગુજરાતની વિવિધ યોજનાઓ સુજલામ સુફલામ યોજના, કરૂણા અભિયાન, તમાકુ મુક્ત ગુજરાત, પ્લાસ્ટીક ફ્રિ ગુજરાત સહિતની યોજનાઓનો ઉલ્લેખ કરી સંવેદનશીલ મુખ્યમંત્રીના નિર્ણયોથી થયેલા ફાયદાની રૂપરેખા આપી હતી.

આ પ્રસંગે મહંત શેરનાથબાપુ, જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા, પોરબંદરના સાંસદ રમેશ ધડુક, જૂનાગઢના મેયર ધીરૂ ગોહેલ, મુખ્યમંત્રીના ધર્મપત્ની અંજલીબેન રૂપાણી, જિલ્લા પંચાયતના પ્રમુખ સેજા કરમટા,શશીકાંત ભીમાણી,ધારાસભ્ય દેવા માલમ, કલેક્ટર ડૉ.સૌરભ પારઘી, એસ.પી. સૌરભસિંઘ,દાતા રંજનબેન કોરાટ તેમજ જિલ્લાના અગ્રણીઓ, કાર્યકરો, મેડીકલ કોલેજના વિદ્યાર્થીઓ અને વડાલના ગ્રામજનો, શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp