સોશિયલ મીડિયામાં ચાલતી અલગ-અલગ ચેલેન્જથી સાવધાન, મુકાઇ શકો છો મુશ્કેલીમાં

PC: indianexpress.com

સોશિયલ મીડિયામાં હાલ અલગ-અલગ ચેલેન્જ ચાલી રહી છે. જેમાં કપલ ચેલેન્જ, ફેમિલી ચેલેન્જ, ડોટર ચેલેન્જ, સિંગલ ચેલેન્જ, મધર ચેલેન્જ સહિતની ચેલેન્જમાં લોકો પોતાના અંગત ફોટા અપલોડ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં હજારો લોકોએ સોશિયલ મીડિયા પર પોતાના ફોટા અપલોડ કર્યા છે પરંતુ હવે પોલીસ લોકોને સોશિયલ મીડિયા પર ચાલતી ફેમિલી ચેલેન્જ, ડોટર ચેલેન્જ, કપલ ચેલેન્જ સહિતની અલગ-અલગ ચેલેન્જથી દૂર રહેવાની અપીલ કરી રહી છે. કારણ કે, આ પ્રકારની ચેલેન્જમાં લોકો પોતાના પરિવારના સભ્યોના ફોટા અપલોડ કરે છે પરંતુ અસામાજિક તત્ત્વો આ ફોટાનો ઉપયોગ કરીને ફોટાને મોર્ફ કરી શકે છે. જેના કારણે લોકોને મુશ્કેલીમાં મુકાવાનો વારો આવી શકે છે.

લોકો આવી ચેલેન્જમાંના આવીને સતર્કતા દાખવે તે માટે ગુજરાતના અલગ-અલગ જિલ્લાની પોલીસે લોકોને જાગૃત કરવા માટે તેમના ઓફિસિયલ એકાઉન્ટ પર અલગ-અલગ પોસ્ટ મૂકી છે અને લોકોને સાયબર સલામતીના નિયમો અંગે જાગૃત કર્યા છે. જેમાં ભરૂચ પોલીસ દ્વારા એક પોસ્ટ કરવામાં આવી છે અને તેમાં લખવામાં આવ્યું છે કે, જેમ પાણીમાં તરતા ન આવડે તો ડૂબી જવાય તે રીતે સોશિયલ મીડિયામાં ચાલતા ખોટા ટ્રેન્ડને સમજ્યા વગર તેમાં પડવાથી સાયબર ક્રાઇમનો ભોગ બની જવાય છે.

પોલીસે વધુમાં લખ્યું છે કે, હાલમાં ફેસબૂક પર જુદા-જુદા પ્રકારના ચેલેન્જ સાથે અલગ-અલગ પ્રકારના ફોટા મુકવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. જેમાં લોકો આડેધડ પોતાના ફોટા ફેસબૂકમાં અપલોડ કરી રહ્યા છે. તે ફોટાઓ મોર્ફિંગ કરી સોશિયલ મીડિયામાં વિવિધ પ્રકારના સાયબર ક્રાઇમના બનાવ બને છે. ફેસબૂકમાં આ પ્રકારના કોઈ ચેલેન્જના કોઈએ ભ્રમિત થઈને કપલ ફોટા કે, ક્યાંય પર્સનલ ફોટા અપલોડ કરશો નહીં. જો આપે કોઈ ફોટા અપલોડ કર્યા હોય તો તેને તાત્કાલિક ડીલીટ કરી દેજો આપના ફેસબૂક પ્રોફાઈલને હંમેશા લોક રાખો. આપની થોડી સાવચેતી આપને સુરક્ષિત રાખશે.

આ ઉપરાંત અમદાવાદ પોલીસે પણ પોસ્ટ કરીને કહ્યું છે કે, સોશિયલ મીડિયા પર આવેલા અજાણ્યા વ્યક્તિઓના મેસેજનો જવાબ ન આપો. ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં ફોટો મોર્ફ કરીને લોકોને બદનામ કરવામાં આવ્યા હોય તેવા અનેક કિસ્સા સામે આવ્યા છે. ત્યારે હવે સોશિયલ મીડિયા પર ચાલતી અલગ-અલગ ચેલેન્જમાં લોકો પોતાના પર્સનલ ફોટા અપલોડ કરી રહ્યા છે. તેને લઈને લોકો ક્યારેક મુશ્કેલીમાં મુકાઈ શકે છે. જેથી પોલીસ દ્વારા લોકોને આવી ચેલેન્જમાં ન પડીને પોતાના ફોટા સોશિયલ મીડિયા પર ન મુકવા માટે અપીલ કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp