ભુમાફિયાઓની શાન ઠેકાણે લાવવા લેન્ડ ગ્રેબિંગનો કાયદો આવશ્યકઃ પ્રદિપસિંહ જાડેજા

PC: Khabarchhe.com

લેન્ડ ગ્રેબિંગના આ કાયદામાં સમાવિષ્ટ પોલીસ વિષયક મુદ્દાઓ ઉપર વિગતો આપતા ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજય રુપાણીના ધ્યાને સામાન્ય ખેડુતોની જમીન હડપ કરી ભુમાફિયાઓએ તેમને રાતા પાણીએ રોવડાવ્યા હોવાની કેટલીક ઘટનાઓ આવી હતી. જેને અનુલક્ષીને રાજ્યના એકપણ ખેડૂતની કિંમતી જમીન કોઇ ભૂમાફિયો પચાવી ન પાડે તેવા હેતુથી તથા આવા ગુનેગારો-લેન્ડ ગ્રેબરો-ભુમાફિયાઓની શાન ઠેકાણે લાવવા તેમજ તેમને કડક પાઠ ભણાવવાના મક્કમ ઇરાદા સાથે મુખ્યમંત્રીએ આ સખતમાં સખત ક્રિમિનલ કાયદો લાવવાનો નિર્ધાર કરીને એક સાચા કર્મઠ અને પ્રજાવત્સલ આગેવાન તરીકે પોતાને સાબિત કરી છે.

વધુમાં પ્રદિપસિંહ જાડેજાએ જણાવેલ કે, ગુજરાતમાં ગુનેગારોને જેલ ભેગા કરવા તબક્કાવાર લાવવામાં આવેલા કડક કાયદાઓથી સ્પષ્ટ થાય છે કે કોઇ પણ ગુનાહિત પ્રવૃત્તિઓ કરતા ચમરબંધીઓને આ સરકાર છોડવા માંગતી નથી. રાજ્યમાં જમીન પચાવી પાડવાની પ્રવૃત્તિઓ ડામી દેવા રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ છે. ભૂમાફિયાઓને નાથવા માટે આ ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબીશન એક્ટ નવું સિમાચિન્હરૂપ બની રહેશે.

પ્રદિપસિંહ જાડેજાએ કહ્યુ કે રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દુરંદેશીના કારણે છેલ્લા બે દાયકામાં ગુજરાતનો સર્વાંગી વિકાસ થયો છે. પ્રોપર્ટી અને જમીનોના મૂલ્યમાં નોંધપાત્ર વૃધ્ધિ થઇ છે. રાજ્યની આ અભૂતપૂર્વ પ્રગતિની તકોનો ગેરલાભ લેવા માટે સંગઠીત ભુમાફિયાઓ હિંસા, ધાક-ધમકી, છેતરપીંડી કે વિશ્વાસઘાત એટલે કે સામ, દામ, દંડ અને ભેદની નીતિ અપનાવી રાજ્યની કિંમતી જમીનો પચાવી પાડવાની ગંભીર ઘટનાઓ ઘણી વધી રહી છે. હવે આ કાયદાને લીધે કિંમતી જમીનો પચાવી પાડવાની બનતી ગંભીર ઘટનાઓ પર રોક લાગશે અને ભુમાફિયાઓ આવી ગુનાહિત પ્રવૃત્તિઓ આચરતા ફફડશે.

તેમણે ઉમેર્યુ કે મુખ્યત્વે સામાન્ય ખેડુતો, વેપારીઓ, તેમજ વ્યવસાયીઓનું ભુમાફિયાઓ દ્વારા શોષણ કરવામાં આવે છે અને આ ભૂમાફિયા ભય, હિંસા, છેતરપીંડી, ખોટા પાવર ઓફ એટર્ની, બનાવટી દસ્‍તાવેજો ઉભા કરવા, અભણ વ્‍યક્તિને ભોળવીને તેમની સહી મેળવીને ખોટા દસ્‍તાવેજો ઉભા કરવા, આવી વ્યક્તિઓની જમીન, મકાન કે દુકાન જેવી સંપત્તિઓ પચાવી પાડવી વગેરે જેવી અલગ અલગ ક્રિમીનલ મેથોડોલોજીથી સરકારી કે કોઇ ગરીબ ખેડૂતની કિંમતી જમીનો પચાવી પાડતા હોય છે. આ પ્રકારના ગુનાઓ દિવાની કાર્યવાહીને પાત્ર હોવાથી ન્યાયની અપેક્ષામાં પેઢીઓ સુધી રાહ જોતા રહેવા છતાં આવા ખેડૂતોને કે વેપારીઓને ન્યાય કે વળતર સમયસર મળતું નથી ત્યારે આવા તત્વોને કડક સજા કરાવવા માટે લેન્‍ડ ગ્રેબિંગનો આ કાયદો ખુબ આવશ્યક છે.

તેમણે ઉમેર્યું હતું કે છેલ્‍લા ઘણા વર્ષોમાં અમદાવાદ તેમજ વડોદરા ખાતે રૂા. 25 કરોડથી રૂા. 100 કરોડની કિંમતી જમીનો પચાવી પાડવાના અત્‍યંત ગંભીર ગુનાઓ બનેલ છે જેમાં આ પ્રકારના કોઇ કડક કાયદાના અભાવે હાલની જોગવાઇઓ પ્રમાણે આરોપીઓ થોડોક સમય જેલમાં પસાર કરી પાછા બેલઆઉટ થઇ જતા હોય છે અને લેન્‍ડ ગ્રેબીંગનો ધંધો શરૂ કરી દેતા હોય છે ત્‍યારે હવે આ કડક કાયદો અમલમાં આવવાથી આ ભૂ-માફીયાની ખેર નથી.

તેમણે ઉમેર્યુ કે કાયદા મંત્રી તરીકેના વિશાળ અનુભવના કારણે હું આવા કેટલાય કેસો જોઇ ચુક્યો છે જેમાં અરજદારે તેની જમીન પરત મેળવવા રેવન્યુ ઓથોરિટી જેવી કે મામલતદાર (કૃષિ પંચ), કલેકટર, ગુજરાત રેવન્યુ ટ્રિબ્યુનલ, સ્પેશિયલ સેક્રેટરી (અપીલ), મહેસૂલ વિભાગ તેમજ સિવિલ કોર્ટ- ડિસ્ટ્રિક કોર્ટ, હાઇકોર્ટ અને છેક સુપ્રિમ કોર્ટ સુધી લડત આપવી પડતી હોય છે. ક્યારેક તો આવી જમીનોનું વેચાણ પણ કરી નાંખે છે. આવા કેસમાં મહેસૂલી કાયદાની લીમીટેશનના પરિણામે આવા અરજદારની આખી જીંદગી પૂરી થઇ જાય છે. અને જો તેની ફેવરમાં ચુકાદો ન આવે તો ‘દાઝ્યા ઉપર ડામ’ જેવી પરિસ્થિતિ નિર્માય છે. આવા પરિવારોને ભુમાફિયાઓથી રક્ષણ તથા ન્યાય અપાવવાના હેતુસર આ કાયદો અસરકારક સાબિત થશે.

તેમણે આ કાયદા અંતર્ગત સજાની જોગવાઇઓ સંદર્ભે જણાવ્યુ કે, કાયદા અન્વયે દોષિત ઠરે તેવી કોઇપણ વ્યક્તિ ઓછામાં ઓછી દસ વર્ષ અને વધુમાં વધુ ચૌદ વર્ષ સુધીની કેદ તેમજ મિલકતોની જંત્રીની કિંમત સુધીના દંડને પાત્ર રહેશે. આવી કડક જોગવાઇ કરવાની પાછળ સરકારનો સ્પષ્ટ હેતુ એ છે કે આવી કડક સજાની જોગવાઇના કારણે જમીન પચાવી પાડનાર ગુનેગારને તેના આવા કૃત્ય બદલ ભારે સજા તો થશે જ, સાથે સાથે સમાજમાં આવા પ્રકારના લેન્ડ ગ્રેબીંગના ગુનાઓ જો આચરવામાં આવશે તો ગુનેગારોની ખેર નથી તેવો સ્પષ્ટ મેસેજ પણ પહોંચશે.

તેમણે જણાવ્‍યું હતું કે આ કાયદાની અન્‍ય એક મહત્‍વની જોગવાઇ પ્રમાણે લેન્‍ડ ગ્રેબીંગના કેસમાં કોઇ ખેડૂતની કે સરકારની કિંમતી જમીન પોતે પચાવી પાડેલ નથી તે નામ. કોર્ટ સમક્ષ પૂરવાર કરવાની જવાબદારી એટલે કે બર્ડન ઓફ પ્રુફ આક્ષેપિત લેન્‍ડ ગ્રેબરના શીરે રહેશે જેના કારણે નામ. કોર્ટમાં કેસ ઝડપથી પુરવાર કરવામાં મદદ મળશે.

તેમણે ઉમેર્યુ કે જમીન પચાવી પાડવાના આવા કેસોમાં ગુનેગારને ઝડપી શિક્ષા થાય અને ન્યાય તોળાય તે આવશ્યક છે. આ હેતુસર આવા જમીન હડપ કરવાના કેસોની ઝડપી સૂનાવણી થાય તેમજ ભૂમાફિયાઓને કડક સજા થાય તે માટે રાજ્ય સરકાર વિશેષ અદાલતોની જરૂરિયાત મુજબ રચના કરશે તે મુજબની આ કાયદામાં જોગવાઇ કરવામાં આવી છે. આવી વિશેષ અદાલત કેસ અદાલતમાં દાખલ થયાના છ મહિનામાં આવા કેસનો નિકાલ કરશે તેવી વ્યવસ્થા પણ સુનિશ્ચિત કરવાની જોગવાઇ આ કાયદામાં કરવામાં આવી છે. હાલ જમીન હડપવાને લગતા કેસોમાં અન્ય કાયદાઓમાં સ્પષ્ટ જોગવાઇ ન હોવાના કારણે આવા ભૂમાફિયાઓ કાયદાની છટકબારીનો લાભ લઇને છૂટી જતા હોય છે. પરંતુ આ કાયદા હેઠળ આવા ભૂમાફિયાઓને નાથવા માટે જમીન પચાવી પાડનાર(લેન્ડ ગ્રેબર) તેમજ ગેરકાયદેસર રીતથી જમીન પચાવી પાડવાની પ્રવૃત્તિને સ્પષ્ટપણે વ્યાખ્યાયિત કરેલ હોઇ આ કાયદા હેઠળની આવી સ્પેશિયલ કોર્ટમાં આવા ગુનાની અદાલતી કાર્યવાહી અલાયદી અને ઝડપથી ચાલવાના કારણે આવા ભૂમાફિયાઓને ચોક્કસપણે સજા થશે તેવું મારું સ્પષ્ટ મંતવ્ય છે.

આવી વિશેષ અદાલત સુઓ મોટો (suomoto) જમીન હડપનારા સામે નિયમાનુસાર કડક કાનૂની કાર્યવાહી કરી શકશે. તેમ જ જિલ્લા કલેકટરે અધિકૃત કરે તે અધિકારી દ્વારા કરેલ અરજી પરથી દરેક કેસની ન્યાયિક નોંધ લઇને અદાલતી કાર્યવાહી કરી શકશે. આ પણ એક વિશેષ જોગવાઇ છે જે આ કાયદાને વધુ મજબૂત બનાવે છે.

તેમણે વધુમાં કહ્યુ કે સરકાર ફક્ત વિશેષ કોર્ટની સ્થાપના કરશે તેટલું જ નહીં પરંતુ આ કોર્ટોની કામગીરી અસરકારક રીતે ઝડપથી ચલાવી શકાય તે હેતુસર રાજ્ય સરકાર દરેક સ્પેશિયલ કોર્ટમાં આ હેતુસર એક સરકારી વકીલ (પબ્લીક પ્રોસિક્યુટર)ની નિમણુંક પણ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp