ભાજપ ધારાસભ્યની કમિશનરને લેખિત ધમકી- એક દિવસમાં દબાણ ન હટાવ્યા તો...

PC: khaberchhe.com

સુરત મજૂરા વિધાનસભાના યુવાન ધારાસભ્ય હર્ષ સંઘવીએ મહાનગરપાલિકા કમિશનર બંછાનિધિ પાનીને એક પત્ર લખીને ધમકી આપી છે કે જો એક દિવસ સુધીમાં ભટાર વિસ્તારમાં રોડ પર ગેરકાયદે દબાણો દૂર નહીં થાય તો હું લોકોને સાથે લઇ જાતે જ દબાણ દૂર કરાવી દઇશ.

સંઘવીએ આક્રોશ ઠાલવતા લખ્યું છે કે ભટાર ઉભા ભવન ખાતે રસ્તા પર થતા ગેરકાયદે દબાણો મામલે છેલ્લા 6 વર્ષમાં 27 વાર રજૂઆતો કરી પરંતુ એકનો એક જવાબ મળે છે. કામગીરી કરી રહ્યા છીએ. રજૂઆત પછી બે દિવસ દબાણો દૂર થાય પછી પાછા પરિસ્થિતિ જ્યાંને ત્યાં. હવે આવું નહીં ચલાવી લેવાય. આ વિસ્તારની સોસાયટીઓના પ્રમુખોને અમારે જવાબ આપવો પડે છે. પાલિકાના અધિકારીઓ માત્ર દેખાડવા પુરતું કામ કરીને ફરી દબાણ કરવા દે છે. સંઘવીએ ખબર છે સાથે વાત કરતા કહ્યું કે કરોડો રૂપિયા ખર્ચીને બનેલા ફૂટપાથોને સ્થાનિક દુકાનવાળા ભાડે આપી દઇ કમાણી કરે છે. આવું કરવામાં પાલિકાના અધિકારીઓનું પણ મેળાપીપણું લાગે છે. જો એક દિવસમાં આનો કોઇ કાયમી ઉકેલ નહીં આવો તો સ્થાનિક લોકોને સાથે લઇને અમે સોમવારે ગેરકાયદે દબાણો દૂર કરાવી દઇશું.

અત્રે ઉલ્લેખનીય છે કે આ એ જ ધારાસભ્ય છે જેમણે થોડા સમય અગાઉ સુરત સિવિલ હોસ્પિટલના સ્ટાફને પણ ખુલ્લેઆમ કહ્યું હતું કે જો તમે નહીં સુધરો તો ટાંટિયા તોડાવી નાંખીશ. લાગે છે કે સુરતમાં એક જ ધારાસભ્ય છે જેમને લોકોની સમસ્યા દેખાય છે અને લડવા તૈયાર હોય છે. બીજા ઘણા વિસ્તારોમાં પણ આવી સમસ્યાઓ છે પરંતુ એકપણ ધારાસભ્ય આ રીતે તંત્રને જગાડવા માટે આક્રમક વલણ લેતા હોય તેવું લાગતું નથી. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp