ગણેશ વિસર્જન રોકવા માટે AMCએ આ જગ્યા પર પતરા લગાવી રસ્તો બંધ કર્યો

PC: zeenews.com

રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસો વધી રહ્યા છે, ત્યારે કોરોનાની મહામારી વચ્ચે રાજ્ય સરકાર દ્વારા જાહેર આયોજનો કરવા પર મનાઈ ફરમાવવામાં આવી છે. જેના કારણે મંદિરોમાં ઉત્સવ પણ ધામધૂમથી થઇ શકતા નથી. દર વર્ષે રાજ્યમાં ગણેશ મહોત્સવ ધામધુમથી ઉજવવામાં આવે છે અને સોસાયટીએ-સોસાયટીએ મોટા-મોટા આયોજનો કરવામાં આવે છે પરંતુ આ વર્ષે તંત્ર દ્વારા ગણેશજીની બે ફૂટની પ્રતિમા ઘરમાં સ્થાપિત કરવા માટે લોકોને અપીલ કરી હતી અને જાહેર આયોજન પર પ્રતિબંધ ફરમાવ્યો હતો. જેના કારણે લોકોએ તેમના ઘરમાં જ બે ફૂટની ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરી છે અને લોકો ગણેશજીની પ્રતિમાનું વિસર્જન ઘરે જ કરે તેવી પણ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

અમદાવાદમાં સાબરમતી નદીમાં ગણેશજીની પ્રતિમાનું વિસર્જન થતું રોકવા માટે અમદાવાદ મહાનગરપાલિકા એક્શનમાં આવી છે. AMC દ્વારા ઇન્દિરા બ્રિજ પાસે છઠ્ઠપૂજા ઘાટ તરફ જવાના રસ્તા પર પતરા મારીને રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. દર વર્ષે લોકો આ જગ્યા પર મોટી સંખ્યામાં ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરતા હોય છે પરંતુ આ વર્ષે છઠ્ઠપૂજા ઘાટ પર જવાનો રસ્તો બંધ કરી દેવામાં આવતા લોકોને ઘર આંગણે જ ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવું પડશે. તંત્ર દ્વારા કેમ્પ હનુમાનથી લઈને ઇન્દિરા બ્રિજ સુધીમાં અનેક જગ્યાએ પતરાં મારવામાં આવ્યા છે. 

તો બીજી તરફ અમદાવાદમાં ગણેશ મહોત્સવ એસોસિએશન, ખોખરા ગણેશ મંદિર, ભદ્ર ગણેશ મંદિર, નરોડા ગણેશ મંદિર અને મહેમદાબાદ સિદ્ધિવિનાયક મંદિરે ભક્તોને અપીલ કરી છે કે, તેઓ ગણેશજીની પ્રતિમાનું નદી કે, તળાવની જગ્યા પર સ્થળ પર જ વિસર્જન કરે. કોરોનાની મહામારી વચ્ચે મેઘાણીનગર ગણેશ મંદિરમાં 56 વર્ષ જૂની પરંપરા તૂટી છે. ગણેશ મંદિર દ્વારા માત્ર 2 દિવસ જ ગણેશજીની સ્થાપના કર્યા બાદ મંદિરમાં જ ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત અમદાવાદના વિરાટનગરમાં આવેલા શિરોમણી બંગ્લોઝના 40 મકાનમાં રહેતા લોકોએ નિર્ણય કર્યો છે કે, તેઓ રીવર ફ્રન્ટ કે, તળાવમાં વિસર્જન નહીં કરીને સ્થળ પર ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરશે. સરકાર દ્વારા કોરોનાની મહામારી વચ્ચે ગણેશ મહોત્સવ પહેલા રાજ્યના અલગ-અલગ શહેરોમાં લોકોમાં જાગૃતિ આવે તે માટેના બેનરો લગાવવામાં આવ્યા હતા. આ બેનરોમાં લોકોને ઘરમાં જ ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવા અને ગણેશજીની પ્રતિમાનું વિસર્જન ઘર આંગણે જ કરવા માટે અપીલ કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp