સુરતનો અનોખો ગણેશ ઉત્સવ, શેરીના દરેક ઘરમાં એક જ સમયે એક સાથે થાય છે આરતી

PC: https://www.facebook.com/JJYuvakMandal

કોરોના વાયરસની અસર ધાર્મિક તહેવારો પર પડી છે. લોકો કોરોનાની મહામારી વચ્ચે પહેલાની જેમ તહેવારોની ઉજવણી ધામધૂમથી કરી શકતા નથી. દર વર્ષે સુરતમાં ગણેશ મહોત્સવમાં ખૂબ જ મોટા-મોટા આયોજનો થતા હતા પરંતુ, કોરોનાની મહામારી વચ્ચે રાજ્યમાં કોઈ પણ જગ્યા પર મોટા આયોજના કરવાની મનાઈ છે. સરકારે લોકોને ઘરમાં જ બે ફૂટ સુધીની ઉંચાઇ ધરાવતી ગણેશજીની પ્રતિમા સ્થાપિત કરવા અને ઘર આંગણે જ પ્રતિમાનું વિસર્જન કરવા વિનંતી કરે છે. ત્યારે કોરોનાની મહામારી વચ્ચે સુરતમાં એક શેરીમાં અનોખી રીતે ગણેશ ઉત્સવની ઉજવણી થઇ રહી છે.

રિપોર્ટ અનુસાર, સુરતના સલાબતપુરા વિસ્તારમાં આવેલી વલ્લભ જીવનની ચાલમાં લોકોના ઘરે-ઘરે ગણેશ મંડળ દ્વારા ગણેશજીના ફોટા આપીને ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ચાલમાં 1978થી ગણેશ મહોત્સવની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે અને શેરીમાં 30 પરિવારો રહે છે. દર વર્ષે ગણેશ ઉત્સવની ઉજવણીમાં રાત્રે છપ્પનભોગ, સાંસ્કૃતિક કાર્યક્રમો અને રમત-ગમતના કાર્યક્રમોનું આયોજન યુવક મંડળ દ્વારા કરવામાં આવે છે, પરંતુ કોરોનાની મહામારીને ધ્યાને લઈ વલ્લભ જીવનની ચાલમાં પણ ગણેશ મહોત્સવની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી નથી.

આ વર્ષે પણ વલ્લભ જીવનની ચાલમાં જે.જે. યુવક મંડળ દ્વારા અલગ પ્રકારે ગણેશ મહોત્સવની ઉજવણી કરવાનો વિચાર કરવામાં આવ્યો, કોઈ એક જગ્યાએ કે ઘરના પાર્કિંગમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવે અને લોકોના ટોળા ભેગા થવાથી સોશિયલ ડિસ્ટન્સના નિયમોનો ભંગ થતો હોવાથી જે.જે. યુવક મંડળ દ્વારા આ વર્ષે ગણપતિની મૂર્તિની સ્થાપના કરવામાં આવી નથી. માત્ર યુવક મંડળના તમામ સભ્યો દ્વારા મહોલ્લામાં દરેક ઘરના પરિવારને ગણેશજીના ફોટા આપવામાં આવ્યા છે અને દરેક ઘરમાં ગણેશજીના ફોટાની સવારે 8:30 વાગ્યે અને રાત્રે 8:30 આરતી કરવામાં આવે છે. સોસાયટીના દરેક ઘરમાં એક જ સમયે એક સાથે ગણેશજીના ફોટાની આરતી થાય છે. તે સમયે તમામ લોકો દ્વારા ગણપતિ બાપ્પાને દુનિયાને જલ્દીથી કોરોના મુક્ત કરવાની પ્રાર્થના પણ કરવામાં આવે છે.

મહત્ત્વની વાત એ છે કે, જે.જે. યુવક મંડળ દ્વારા દર વર્ષે લોકોને કંઇક ને કંઇક સંદેશો મળે તે પ્રકારે ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. ગત વર્ષે પ્લાસ્ટિક મુક્ત અભિયાન અંતર્ગત ગણેશોત્સવમાં યુવક મંડળ દ્વારા કોઈ પણ જગ્યા પર પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો અને છેલ્લા પાંચ વર્ષથી આ ગણેશ યુવક મંડળ દ્વારા દોઢથી બે ફૂટની માટીની પ્રતિમાની જ સ્થાપના કરવામાં આવે છે અને પ્રતિમાનું શેરીમાં હોજ બનાવીને વિસર્જન કરવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp