26th January selfie contest

ચંદની પડવાની ઘારીનો છે 180 વર્ષનો ઈતિહાસ, તાત્યા ટોપેએ ખાદ્યી હતી ઘારી

PC: bhavnaskitchen.com

સુરતનું જમણ અને કાશીનું મરણ આ વાક્ય કેવી રીતે પ્રખ્યાત બન્યું છે, તે જાણવું હોય તો સુરતમાં ચંદી પડવાના દિવસે જ સારી રીતે જાણી શકાય છે. કારણ કે, આ દિવસે સુરતીલાલાઓ કરોડો રૂપિયાની ઘારી એક જ દિવસમાં ઝાપટી જતાં હોય છે. સુરતમાં બનતી ઘારી આખા દેશમાં જ નહીં, પરંતુ વિદેશોમાં પણ પ્રખ્યાત છે. ચંદી પડવા નિમિત્તે સુરતથી અન્ય રાજ્યો સહીત વિદેશમાં પણ વિશેષ પ્રકારના પેકિંગમાં પેક કરી ઘારી મોકલવામાં આવે છે. ઘારી સુરતીઓ માટે ખાસ મીઠાઈ છે. જે લોકો ઘારી વિશે નથી જાણતા તેઓને જણાવવું રહ્યું કે સુરતમાં બનાવવામાં આવતી ઘારી એક જાતની મિઠાઈ છે. ઘારીને મુખ્યત્વે કરીને સુરતી મિઠાઈ તરીકે ઓળખવામાં આવે છે. ઘારી સર્વપ્રથમ સુરતમાં બનાવવામાં આવી હતી અને તેનો પ્રચાર પ્રસાર સુરતમાંથી થયો હતો. ચંદની પડવાની રાત્રીએ લોકો ચંદ્રના પ્રકાશમાં બેસીને પરિવાર સાથે ઘારી ખાતા હોય છે.

અનેક વેરાઇટી સાથે સુગર ફ્રી ઘારી પણ છે

ઘારી નામ પડતા જ સુરતીઓ જ નહીં, પરંતુ અન્ય શહેરના લોકોના મોંઢામાં પણ પાણી આવી જતું હોય છે. ઘારી દૂધનાં માવામાંથી બનતી એક વિશેષ પ્રકારની મિઠાઈ છે. જેમાં રવો, મેંદો તેમજ ભરપૂર માત્રામાં સુકો મેવાને મેળવીને બનાવવામાં આવે છે. માવો અને સુકા મેવાના આ મિશ્રણને કચોરીની જેમ પેક કરવામાં આવે છે. આ તૈયાર થયેલી કાચોરીને શુદ્ધ ઘીમાં જબોળવામાં આવે છે. આ ઘારીની ફરતે ઘીનું થર જામી ગયા બાદ સુરતીઓ તેને આરોગતા હોય છે. ઘારી ખાવા ઘણા સમયથી તલપાપડ બની રહેલા સુરતીઓ ચંદી પડવાના દિવસે કોઈ પણ ડાઈટ પ્લાનનું પાલન કરતા નથી, તે દિવસે બધું ભૂલીને માત્રને માત્ર ઘારીમય બની જાય છે. સમયની સાથે ઘારીમાં પણ અનેક પ્રકારના ફ્લેવર જોવા મળી રહ્યા છે. સુરતની જ વાત કરીએ તો સુરતમાં ઘારીનું વેચાણ કરતા મીઠાઈ વિક્રેતાઓ પાસે ઘારીઓમાં પણ વેરાઇટીઓ જોવા મળી રહી છે. જેમા પાઈનેપલ ,સ્ટ્રોબેરી, કેસર પીસ્તા, કેસર એલચી, બદામ એલચીનો સમાવેશ થાય છે. જયારે ડાયાબીટીસના દર્દીઓ માટે સુગર ફ્રી ઘારી પણ બનાવવામાં આવી છે.

ઘારી એ સુરતીઓની અતિ પ્રિય કહી શકાય તેવી એક મીઠાઈ છે. જયારે વાત ઘારી અને ચંદી પડવાની આવે છે, ત્યારે દર વર્ષે ચંદ્રના પ્રકાશમાં સુરતીલાલાઓ સેંકડો ટનથી પણ વધુ ઘારી સફાચટ કરી જતા હોય છે. ચંદની પડવાના પંદર દિવસ પહેલાથી જ મીઠાઈ વિક્રેતા અન્ય મીઠાઈ કરતા ઘારી બનાવવવા પર વિશેષ ધ્યાન આપે છે. કારણ કે, સુરત જ નહીં પરંતુ વિદેશોમાં પણ ઘારીની વિશેષ માંગ હોય છે. આ સાથે જ ઘારીના અનેક ફ્લેવર પર વિશેષ કાળજી રાખવામાં આવે છે.

ઘારીનો ઈતિહાસ

ઇ.સ 1836માં સુરતમાં નિર્મળદાસજી નામના સંત દ્વારા કોટસફીલ રોડ પર આવેલા શેષનારાયણ મંદિરમાં એક મઠની સ્થાપના કરવામાં આવી હતી. જ્યાં દેવશંકરભાઇ શુકલ નામના વ્યક્તિ દ્વારા તેમને મળેલા અનાજમાંથી સંત નિર્મળદાસજીના મઠમાં રસોઇ કરી જમાડતા હતા. સંત નિર્મળદાસજીએ દેવશંકરભાઇને વિશિષ્ટ પ્રકારની મીઠાઇ બનાવવાની રીત શીખવાડી હતી. આ મિઠાઇને ઘારી નામ આપ્યુ હતું. ત્યાર બાદ દેવશંકરભાઇએ ગુરુ દ્વારા શીખવવામાં આવેલા મીઠાઈની પદ્ધતિ બાદ ઇ.સ. 1838માં લાલગેટ ખાતે સૌ પ્રથમ ઘારી અને ફરસાણની દુકાન શરૂ કરી હતી. તે સમયે આઝાદીની ચળવળ ચાલી રહી હતી. ઈ.સ.1857ના અંગ્રેજો સામે મોરચો ખોલનાર વીપ્લવ અને તાત્યા ટોપે અને તેમના સૈન્યે પણ ઘારી ખાધી હતી અને તે દિવસ આસો વદ પડવો હતો અને ત્યારથી જ ચંદની પડવાના દિવસે ઘારી ખાવાની પ્રથા શરુ થઇ હતી.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp