ચંદની પડવાએ સુરતમાં વેચાતી આશરે 10 કરોડની ઘારીમાં 70 ટકા ભાગ આ ખેડૂત મંડળીનો

PC: sumul.com

સોમવારે સુરતીઓનો પ્રિય તહેવાર ચંદની પડવો આવી રહ્યો છે. એક જ દિવસમાં સુરતમાં રૂપિયા 10 કરોડની ઘારી અને ભુંસુ ખવાઇ જશે.એક અંદાજ મુજબ 1.40 લાખ કિલો ઘારીનું વેચાણ થાય છે. મંદી મદીની બુમરાણ વચ્ચે પણ આ વખતે ગયા વર્ષની સરખામણીએ ઘારીનું વેચાણ વધ્યું છે. આ વખતે ઘારીનો ભાવ કિલો દીઠ 520થી 600 રૂપિયા સુધીનો છે. પરંતુ આ સ્ટોરીમાં એક મોટું ટિવસ્ટ એ છે કે આ 10 કરોડની ઘારીના માર્કેટમાં 70 ટકા હિસ્સો એક માત્ર સુરત ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લિમિટેડ એટલે કે સુમુલનો છે. 

સુરતનો જાણીતો, માનીતો, મનગમતો અને લોકપ્રિય તહેવાર ચંદની પડવો આવી ગયો છે અને મોંમાં પાણી આવી જાય તેવી શુધ્ધ ઘીની બદામ કેસર વાળી ઘારી તૈયાર થઇ ચુકી છે. 14 ઓકટોબર,સોમવારે સુરતમાં ચંદની પડવાનો તહેવાર ધામધુમથી મનાવાશે અને સુરતીઓ અંદાજે 10 કરોડથી વધુની ઘારી અને ભુસાની જયાફત ઉડાવશે.સુરતની ઘારી હવે માત્ર સુરતીઓ પુરતી મર્યાદિત રહી નથી દેશ વિદેશમાં પણ 25000 કિલોથી વધારે ઘારી સુરતથી જાય છે. આ અંગે વાતચીત કરતા સુમુલના માર્કેટિંગ એન્ડ સેલ્સના આસિ. જનરલ મેનેજર મનીષ ભટ્ટે જણાવ્યું કે સુમુલ એક એવી બ્રાન્ડ છે જેમાં લોકોને વિશ્વાસ છે. ઘારી એવી વસ્તુ છે જેમાં માવો, ડ્રાયફ્રૂટ, ઘી જેવી વસ્તુઓ આવે છે. તેમાં ભેળસેળની પૂરેપૂરી શક્યતા રહે છે. એટલે વર્ષો વર્ષ ઘારીના માર્કેટમાં સુમુલનો શેર વધતો રહ્યો છે. આ એક કોઓપરેટિવ મંડળીની મોટી સફળતા છે. હાલમાં ઘારી માર્કેટનો 70 ટકા હિસ્સો સુમુલ ધરાવે છે. યુએસ કે યુકેથી પહેલા ઓર્ડર આવતા હતા પરંતુ આ વખતે દુબાઇથી પણ ઓર્ડર આવ્યા છે.  

ઘારી હવે એક મિઠાઇને બદલે સુરતની સંસ્કૃતિ તરીકે જાણીતી થઇ ગઇ છે.દુબઇથી પણ પહેલીવાર આ વખતે ઘારીના ઓર્ડર આવ્યા છે.ચંદની પડવાના દિવસે સુરત માટે સ્પેશિયલ છે. આ દિવસે સુરતનો ગૌરવ પથ, યુનિવર્સિટી રોડ પર જાહેર રસ્તા પર સપરિવાર ઘારીની જયાફત ઉડે છે અને ફાર્મ હાઉસ, ટેરેસ અને ઘરમાં પણ સેલિબ્રેશન થાય છે. ખમણ, લોચા, ધોકડા, ડાયમંડ અને ટેક્સટાઇલની નગરી સુરતમાં ઘારી કયારથી જાણીતી બની તેનો ઇતિહાસ જાણવા જેવો છે.

ઘારીનો ઇતિહાસ 200 વર્ષ જુનો છે

ઘારીનો ઇતિહાસ લગભગ 200 વર્ષ જૂનો હોવાનું માનવામાં આવે છે. ઘારી માટે એમ કહેવાય છે કે સુરતનાં દેવશંકર શુક્લ નામના બ્રાહ્મણે સંત નિર્મળદાસજીને પહેલી વખત માવા અને ઘીમાંથી ઘારી બનાવીને ખવડાવી હતી. સંત નિર્મળદાસજીને દેવશંકર શુક્લની ઘારી એટલી બધી ભાવી કે તેમણે આ મીઠાઇ ખાતા ખાતા દેવશંકરને આશીર્વાદ આપ્યાં હતાં કે તમારા દ્વારા બનાવાયેલી આ ઘારી દેશ વિદેશમાં અત્યંત લોકપ્રિય બનશે. અને થયું પણ એવું જ. આજે ચંદની પડવાના દિવસે સુરતની ઘારીની દેશ વિદેશમાં માગ વધી છે. દેવશંકર શુક્લાએ 1838માં સુરતનાં લાલગેટ પાસે ‘દેવશંકર ઘારીવાળા’નાં ટ્રેડમાર્ક હેઠળ ઘારી અને ફરસાણની દુકાન શરૂ કરી. હતી ઘારીનાં ઇતિહાસ સાથે એક બીજો પણ રસપ્રદ કિસ્સો સંકળાયેલો છે. 1857નાં આપણાં પહેલા વિપ્લવ વખતે તાત્યા ટોપે તેમનાં સૈન્ય સાથે થોડાં દિવસ સુધી સુરત ખાતે રોકાયા હતાં. આ દરમિયાન દેવશંકર શુક્લએ તાત્યા ટોપેની મહેમાનનવાજી કરતા તેમને ઘારી ખવડાવી હતી. તાત્યા ટોપેને દેવશંકર શુક્લાની ઘારી એટલી બધી ભાવી કે તેમણે દેવશંકરને તેમનાં સૈન્યને પણ ઘારી ખવડાવવાની વિનંતી કરી. ખાવા કરતા ખવડાવવાનાં શોખીન અને મહેમાન નવાજીમાં અવ્વલ એવાં સુરતી મિજાજના દેવશંકર શુક્લાએ બીજા દિવસે તેમનાં સૈન્યને પણ ઘારી ખવડાવી. આ દિવસ હતો આશો વદ પડવાનો એટલેકે ચંદની પડવાનો. આથી ત્યારથી સુરતમાં ઘારી ખાઇને ચંદી પડવાનો ઉત્સવ ઉજવવાની શરૂઆત થઇ હતી.
.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp