નવરાત્રી થશે કે નહીં? નીતિન પટેલે જાણો શું કહ્યું

PC: khabarchhe.com

ગુજરાતમાં 17મી ઓક્ટોબરથી શરૂ થનારી નવરાત્રીના આયોજન માટે રાજ્ય સરકારે હજી સુધી કોઇ નિર્ણય કર્યો નહીં હોવાથી ગરબાના સંચાલકોએ મુખ્યમંત્રી વિજય રૂપાણી પર દબાણ વધારી દીધું છે. તેઓએ ખાત્રી આપી છે કે સોશ્યલ ડિસ્ટન્સિંગ સાથે નવરાત્રી કાર્યક્રમ કરવા દેવા જોઇએ, કે જેથી આ ક્ષેત્રના લોકોની રોજગારી જળવાઇ રહે. અનલોક-4માં ઘણી બધી રાહતો આપવામાં આવી છે ત્યારે સરકારે પણ આ મહિનાના અંત સુધીમાં કોઇ નિર્ણય લેવો જોઇએ.

એક તરફ ગરબા એસોસિયેશનના પ્રમુખ રાજ ગઢવીએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી કહ્યું છે કે કોવિડની હોસ્પિટલોમાં દર્દીઓ માટે ગરબા ગવડાવામાં આવે છે. રાજ્યમાં બધી જ સંસ્થાઓ ખૂલી ચૂકી છે ત્યારે ગરબાના ક્લાસ તેમજ નવરાત્રીના આયોજનને મંજૂરી આપવી જોઇએ. બીજી તરફ ઇવેન્ટ સંચાલકોએ પણ સરકાર પર દબાણ વધાર્યું છે છતાં સરકારે કોઇ સ્પષ્ટતા હજી સુધી કરી નથી. ગયા મહિને જ્યારે ઇવેન્ટ સંચાલકો મુખ્યમંત્રી વિજય રૂપાણીને મળવા આવ્યા હતા ત્યારે રૂપાણીએ કહ્યું હતું કે સપ્ટેમ્બરના અંત સુધીમાં સરકાર નવરાત્રી અંગે નિર્ણય લેશે. હવે આ સંચાલકોએ દબાણ શરૂ કર્યું છે.

મહત્વની બાબત એવી છે કે નવરાત્રીના આયોજનને મંજૂરી મળે તે માટે રાજ્યના ચાર શહેરોમાં ગાયકો અને મ્યુઝીક આર્ટિસ્ટ તરફથી અખંડ મંત્ર જાપ શરૂ કરવામાં આવ્યા છે. આ કાર્યક્રમમાં 72 ગાયકો અને 48 મ્યુઝિક આર્ટિસ્ટ જોડાયા હતા. અમદાવાદ, વડોદરા, પાટણ અને મહેસાણામાં 12 કલાક સુધી સંગીત સાથે મંત્રજાપ કરવામાં આવ્યા હતા. જો સરકાર નવરાત્રી મહોત્સવ માટે શરતી મંજૂરી નહીં આપે તો કલાવૃંદ, મ્યુઝિશિયન્સ, ગરબા સંચાલકો, પાર્ટીપ્લોટના સંચાલકો અને નવરાત્રી સાથે સંકળાયેલી સંસ્થાઓમાં ગંભીર બેરોજગારી તોળાઇ રહી છે.

રાજ્યના યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગના એક અધિકારીએ કહ્યું હતું કે મુખ્યમંત્રી વિજય રૂપાણી મંજૂરી આપે તે પછી વિભાગ દ્વારા નિર્ણય કરવામાં આવશે. અમારી પાસે કેટલાય સંચાલકોની રજૂઆત આવે છે પરંતુ કોરોના સંક્રમણ હજી ચાલુ હોવાથી તેમજ સંક્રમણ વધતું હોવાથી અત્યારના તબક્કે સરકાર કોઇ નિર્ણય લઇ શકે તેમ નથી.

દરમ્યાન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે એવો ઇશારો કર્યો હતો કે સરકાર નવરાત્રીના આયોજન અંગે વિચારી રહી છે. કેટલાક નિયંત્રણો સાથે નવરાત્રી મહોત્સવ શરૂ થાય તેવી સરકારની ગણતરી છે પરંતુ હજી સરકારમાં તેની ચર્ચા બાકી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp