26th January selfie contest

નવરાત્રી થવી જોઇએ કે નહીં? જુઓ શું કહે છે ઐશ્વર્યા, ગીતા રબારી, કિંજલ દવે

PC: facebook.com/kinjaldavemusic

કોરોનાની મહામારી વચ્ચે ગરબા કરવા કે, નહીં તે એક મોટો પ્રશ્ન સર્જાયો છે. ઘણા કલાકારો ગરબાને મંજૂરી મળવી જોઈએ તેવો મત વ્યક્ત કરી રહ્યા છે. તો ઘણા કલાકારો ગરબા ન થવો જોઈએ તેવો મત વ્યક્ત કરે છે. આ ઉપરાંત રાજ્યના ડૉક્ટરોએ પણ ગરબા ન થાય તેવી રજૂઆત કરી છે. કારણ કે, ડૉક્ટરોના મતે ગરબા થશે તો ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યામાં ખૂબ જ વધારો થશે. ત્યારે ગુજરાતમાં 20 જેટલા મોટા આયોજકોએ નવરાત્રી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. કોરોનાની મહામારી વચ્ચે ખરેખર નવરાત્રીનું આયોજન થવું જોઈએ કે, નહીં તે બાબતે એશ્વર્યા મજમુદાર, કિંજલ દવે અને ગીતા રબારીએ એક ઇન્ટરવ્યૂમાં તેમનો મત વ્યક્ત કર્યો હતો.

એશ્વર્યા મજમુદાર જણાવ્યું હતું કે, નવરાત્રીમાં આપણે સ્મિત વેરીને નાચીએ છીએ પણ જો મોઢા પર માસ્ક હશે તો? એક સિંગર તરીકે લાખો રૂપિયા નહીં મળે તો ચાલશે પરંતુ લોકોના જીવ બચે તે જરૂરી છે. એટલે નાના પાયે લોકોએ ગરબા કરવા જોઈએ.

ગીતા રબારી જણાવ્યું હતું કે, મારૂ એવું માનવું છે કે, નવરાત્રીમાં સરકારની ગાઈડલાઈનનું બરાબર પાલન થવું જોઈએ. આજે માત્ર અમને ગાયકોને જ નહીં અમારી સાથે મંજીરાવાળા, તબલાવાળા અને સાઉન્ડવાળા આ બધાને નુકસાન થઈ રહ્યું છે પરંતુ જીવથી મોટુ કંઈ નથી.

કિંજલ દવેએ જણાવ્યું હતું કે, મને જેટલી ચિંતા કોરોના અને તેની સ્થિતિની છે, તેટલી જ ચિંતા મારી ઇન્ડસ્ટ્રી સાથે સંકડાયેલાના નાના કલાકારોની પણ છે. વચ્ચેનો રસ્તો અપનાવીને નાના પાયા ચોક્કસ નિયમો સાથે ગરબા કરી શકાય. જેથી નાના કલાકારોને પણ રોજીરોટી મળે.

કલાકાર અને ડૉક્ટર પાર્થ ઓઝાએ જણાવ્યું હતું કે, હું એક ગાયક અને ડૉક્ટર છું. સિંગર તરીકે નુકસાનીના આંકડામાં નહીં પડીને પણ ડૉક્ટર તરીકે ચોક્કસ એવું કહીશ કે, લોકોનું જીવન ખૂબ જ મૂલ્યવાન છે. આ વખતે નાના પ્લેટફોર્મ પર કે, ડિજિટલ પ્લેટફોર્મ પર ગરબાની મજા લઈ શકાય.

ગાયક સૌમિલ મુન્સીએ જણાવ્યું હતું કે, હું એવું માનું છું કે, મોટાભાગે ગરબાનું આયોજન ન થવું જોઈએ. કારણ કે કોરોના ગમે તેને ભરડામાં લઈ લે છે. પછી ભલે વ્યક્તિગત રીતે મને નુકસાન થાય. નવરાત્રીમાં યુવાધન હિલોળે ચઢે છે અને ફિયાસ્કો થાય તો આપણે તેની નુકસાની ન ચૂકવી શકે.

કોરોનાની મહામારી વચ્ચે મોટા કલાકારો અને ગાયકોના મતે મોટા આયોજન ન થાય તો કંઈ નહી પરંતુ નાના આયોજકોને અને નાના કલાકારોને રોજગારી મળી રહે તે માટે નાના પાયે ગરબાનું આયોજન થાય તેવું ઇચ્છી રહ્યા છે. તો બીજી તરફ કેટલીક જગ્યાઓ પર ખેલૈયાઓએ શેરી અને પોળમાં નવરાત્રીની પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. ખેલૈયાઓ હાથમાં મોજા, માસ્ક અને સામાજિક અંતરના નિયમોનું પાલન કરીને ગરબાની પ્રેક્ટિસ કરી રહ્યા છે. ખેલૈયાઓનું કહેવું છે કે, મોટા પાયે આયોજનને મંજૂરી નહીં મળે તો કંઈ નહીં અમે અમારા ઘર આંગણે પોળમાં ગરબા કરીશું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp