ભારતમાં સૌથી વધુ કોલેજો ધરાવતા ટોચના સાત રાજ્યોમાં ગુજરાતને સ્થાન

PC: deshgujarat.com

રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએે જણાવ્યું છે કે, રાજ્યમાં ઉચ્ચ શિક્ષણની તકોનો વ્યાપ વધે એ માટે રાજ્ય સરકારે ‘સ્ટડી ઇન ગુજરાત’ કાર્યક્રમની શરૂઆત કરી છે જે હેઠળ દેશ-વિદેશમાં રોડ શોનું આયોજન થઇ રહ્યું છે. જેના ભાગરૂપે કુવૈત ખાતે યોજાયેલ રોડ શોમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએે કહ્યું કે, શિક્ષણના માધ્યમ દ્વારા ભારત અને કુવૈત વચ્ચેના પારસ્પરિક સંબંધો વધુ સુદ્રઢ બનશે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કુવૈતના ઉચ્ચ શિક્ષણ મંત્રી ડૉ.સાઉદ અલ-હરબીનીની મુલાકાત લઇને ભારત અને ગુજરાતમાં શિક્ષણની વધુ ઉજ્જવળ તકો અંગે પણ પરામર્શ કર્યો હતો.

ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કહ્યું કે, “સ્ટડી ઇન ગુજરાત” એ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા યોજવામાં આવેલ એક નવીનત્તમ પહેલ છે, જેનો ઉદ્દેશ ગુજરાત રાજ્યને ભારતમાં શિક્ષણના કેન્દ્ર તરીકે વધુ વિકસાવવાનો અને વિદેશના તેમજ ભારતના અન્ય રાજ્યના વિદ્યાર્થીઓને ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે આમંત્રિત કરવાનો છે.

શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શિક્ષણ પર ભાર મૂક્યો છે. આ પ્રેરણાને સાર્થક કરતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના માર્ગદર્શનથી, અમે ભારત અને વિશ્વ સમક્ષ શિક્ષણ ક્ષેત્રે ગુજરાતની સિદ્ધિઓ દર્શાવવા માટે ‘સ્ટડી ઇન ગુજરાત’ કાર્યક્રમની શરૂઆત કરી છે.” અગ્ર સચિવ મતી અંજુ શર્માની આગેવાની હેઠળના શિક્ષણ વિભાગ તેમજ ગુજરાતની 19 યુનિવર્સિટીઓના પ્રતિનિધિઓ, જેમાં ગણપત યુનિવર્સિટી મુખ્ય ભાગીદાર છે, તેમજ કુવૈત સ્થિત ભારતીય દૂતાવાસના સંયુક્ત ઉપક્રમે ‘સ્ટડી ઇન ગુજરાત’ અભિયાન અંતર્ગત પ્રથમ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. કુવૈતમાં ભારતના રાજદૂત કે. જીવા સાગર સહિત મોટી સંખ્યામાં શિક્ષણવિદો, આચાર્ય, શિક્ષકો, વાલીઓ, વિદ્યાર્થીઓ અને કુવૈતની યુનિવર્સિટીઓના પ્રતિનિધિઓ આ રોડ શૉ દરમિયાન ઉપસ્થિત રહ્યાં હતાં.

મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ શિક્ષણ ક્ષેત્રને અત્યંત મહત્વ આપવા માટેના કુવૈતના પ્રયત્નોને બિરદાવતા ઉમેર્યું હતું કે, કુવૈત શિક્ષણ પર ખૂબ ભાર મૂકે છે જે ભારત અને કુવૈત વચ્ચેના પરસ્પરના સંબંધને વધુ મજબૂત બનાવશે. અત્યાધુનિક માળખાગત સુવિધા સાથે વિશ્વની કેટલીક ઉત્તમ શૈક્ષણિક સંસ્થાઓ ગુજરાતમાં આવેલી છે. તેના દ્વારા કુવૈત અને ગુજરાત વિશ્વને જ્ઞાન આધારિત રોજગારી અને બંને દેશોના અર્થતંત્રને વધુ સુદ્રઢ બનાવવામાં મહત્વનું બળ પુરૂ પાડશે.

શિક્ષણ મંત્રીએ કહ્યું કે, શિક્ષણ અંગે 2018-19માં કરવામાં આવેલા ઓલ ઇન્ડિયા સર્વે અનુસાર, ગુજરાત ભારતના ટોચના સાત રાજ્યોમાં સ્થાન ધરાવે છે જ્યાં, દર એક લાખ લોકોની વસ્તીએ 28 કે તેથી વધુ કોલેજો ગુજરાતમાં કાર્યરત છે. ભારતમાં સૌથી વધુ કોલેજો ધરાવતા ટોચના સાત રાજ્યોમાં પણ ગુજરાતે સ્થાન મેળવ્યું છે. રાજ્યનું સુરક્ષિત, શિક્ષણલક્ષી વાતાવરણ અને કાયદો-વ્યવસ્થાની વધુ સુદ્રઢ પરિસ્થિતિના પરિણામે ગુજરાત આજે પણ શિક્ષણ ક્ષેત્રે રોલ મોડેલ પ્રસ્થાપિત થયુ છે.

શિક્ષણ વિભાગના અગ્ર સચિવ મતી અંજુ શર્માએ જણાવ્યુ હતું કે, ભારતમાં નવાં ઉભરી રહેલા સ્ટાર્ટ-અપ્સમાં ગુજરાતનો હિસ્સો 46% છે. નાની, મધ્યમ અને મોટાં કદની કંપનીઓની સ્થાપનાને પ્રોત્સાહન આપવા માટે અનેક નીતિઓ ઘડવામાં આવી છે, પરિણામે ગુજરાતની યુનિવર્સિટીઓમાંથી ગ્રેજ્યુએટ બાદ અનેક વિદ્યાર્થીઓ હવે સ્ટાર્ટઅપનો માર્ગ અપનાવે છે. યુવાનોની ઉદ્યમશીલતા, પ્રતિભા ઉપરાંત રાજ્યમાં ઉદ્યોગોનો વિકાસ, શિક્ષણ અને વૃદ્ધિ માટેના સુરક્ષિત વાતાવરણ સહિતનો સમૃદ્ધ વારસો છે. સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી હેઠળ 493પેટન્ટ્સ ફાઇલ કરવામાં આવી છે. અત્યારે ગુજરાતની વિવિધ યુનિવર્સિટીઓ અને કોલેજોમાં 10 હજાર કરતાં પણ વધુ વિદેશી વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી રહ્યાં છે.

આ કાર્યક્ર્મ દરમિયન 6 એમઓયુ પર હસ્તાક્ષર થયા હતા. પ્રથમ એમઓયુ કુવૈત ખાતે સ્વર્ણિમ સ્ટાર્ટ અપ યુનિવર્સીટી અને બોક્સ હિલ કોલેજ વચ્ચે ડીઝાઇન અને ઇનોવેશન ક્ષેત્ર માટે, ડીઝાઇન અને આર્કિટેક્ચર ક્ષેત્રે બીજા એમઓયુ પર ગુજરાત ટેક્નિક્લ યુનિવર્સીટી અને બોક્સ હિલ કોલેજ વચ્ચે, ત્રીજો એમઓયુ CEPT અને બોક્સ હિલ કોલેજ વચ્ચે, ચોથો એમઓયુ GNLU અને બોક્સ હિલ કોલેજ વચ્ચે, પાંચમો એમઓયુ સાંકળચંદ પટેલ યુનિવર્સીટી અને બોક્સ હિલ કોલેજ વચ્ચે અને છઠ્ઠો એમઓયુ PDPU અને બોક્સ હિલ કોલેજ વચ્ચે થયો હતો. રોડ શૉ બાદ 19 પાર્ટનર યુનિવર્સિટીઓ દ્વારા એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. 500થી પણ વધુ વિદ્યાર્થીઓએ આ એક્ઝિબિશનની મુલાકાત લીધી હતી.

શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કુવૈત સરકારના ઉચ્ચ શિક્ષણમંત્રી ડૉ. સાઉદ અલ-હરબીની પણ મુલાકાત લીધી હતી. બંને નેતાઓએ ગુજરાત અને કુવૈત વચ્ચે શિક્ષણ ક્ષેત્રે સહયોગના સંબંધો મજબૂત બનાવવા અંગે સંમતિ દર્શાવી હતી. પેટ્રોલિયમ એન્જિનિયરિંગ અને રિસર્ચના ક્ષેત્રે ગુજરાતની પંડિત દીનદયાલ પેટ્રોલિયમ યુનિવર્સિટી સાથે જોડાણ કરવા માટે ડૉ. સાઉદ અલ-હરબીએ તત્પરતા દર્શાવી હતી. તેમણે ભારતીય ડાયસ્પોરા અને ગુજરાતી સમાજ સાથે પણ બેઠક કરી હતી. ઇન્ડિયા-કુવૈત બિઝનેસ કાઉન્સિલના પ્રેસિડેન્ટ આનંદ કાપડિયાએ ગુજરાત સરકારના પ્રયત્નોની પ્રશંસા કરી હતી અને સ્ટડી ઇન ગુજરાત કેમ્પેઇનમાં ઊંડો રસ દર્શાવ્યો હતો. ગુજરાતના પ્રતિનિધિમંડળે આ પ્રસંગે કુવૈત યુનિવર્સિટીની પણ મુલાકાત લીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp