પરીક્ષા રદ્દ થતા ગૌણ સેવા પસંદગી મંડળની કચેરી બહાર વિદ્યાર્થીઓનો હોબાળો

PC: youtube.com

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ્દ કરવામાં આવતા વિદ્યાર્થીઓ રજૂઆત કરવા માટે ગૌણ સેવા મંડળની કચેરી પર ગયા હતા. વિદ્યાર્થીઓ આવેદન પત્ર લઇને રજૂઆત કરવા માટે ગયા હતા પરંતુ ગૌણ સેવા પસંદગી મંડળની કચેરી પર કોઈ ન મળતા વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા. રોષે ભરાયેલા વિદ્યાથીઓએ હોબાળો કર્યો હતો અને માગ કરી હતી કે, સરકારના કોઈ પણ પ્રતિનિધિ તેમની મુલાકાત કરે નહીં ત્યાં સુધી વિદ્યાર્થીઓ ગૌણ સેવા પસંદગી મંડળની ઓફિસની બહાર બેસી રહેશે.

આ સમગ્ર મામલે પોલીસ કાફલો પણ ગૌણ સેવા પસંદગી મંડળની કચેરીની બહાર ખડકી દેવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓ દ્વારા ગૌણ સેવા પસંદગી મંડળ હાય હાયના નારાઓ લગાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત વિદ્યાર્થીઓએ માગ કરી હતી કે, જે પરીક્ષા રદ્દ કરવામાં આવી છે, તેની નવી તારીખ જાહેર કરવામાં આવે અને ધોરણ 12 પાસના બેઝ પર જ ભરતી પ્રક્રિયા કરવામાં આવે. વિદ્યાર્થીઓના વિરોધને લઇને પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી અને વિદ્યાર્થીઓને કચેરીની બહાર કાઢવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓ શાંતિથી રજૂઆત કરવા આવ્યા છતા પણ ગૌણ સેવા પસંદગી મંડળના કોઈ પણ અધિકારીઓ વિદ્યાર્થીઓની રજૂઆત સાંભળવા માટે આવ્યા નહોતા. જેથી મામલો વધારે બીચક્યો હતો અને અંતે વિદ્યાર્થીઓના આવેદન પત્રનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. 

આ બાબતે વિદ્યાર્થીઓએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, અમે રજૂઆત કરવા માટે આવ્યા હતા. એ સમયે પોલીસ આવી હતી અને પોલીસે અમને એવું કહ્યું હતું કે, તમારા દસ લીડરને ઉપર કચેરીમાં આવેદન આપવા માટે મોકલી આપો અને તમે શાંતિથી નીચે જતા રહો. અમારી માગણી એ છે કે, સરકાર આ પરીક્ષાને લઇ તાત્કાલિક નિર્ણય કરે અને વિદ્યાર્થીઓનું ભવિષ્ય નક્કી કરે. સરકાર દ્વારા બે દિવસમાં તારીખ જાહેર નહીં કરવામાં આવે તો વિદ્યાર્થીઓ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે, મોટું આંદોલન થશે. વિદ્યાર્થીઓ દોઢ વર્ષથી તૈયારી કરતા હતા અને હવે એક અઠવાડિયા પહેલા પરીક્ષા રદ્દ કરવામાં આવે, તો જે વિદ્યાર્થીઓએ તૈયારી કરી છે તેનું શું? આ પ્રશ્ન પૂછવા માટે જ અમે અહીં એકઠાં થયા છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp