SMCએ આ ઉંમરના લોકોને હોમ આઈશોલેશનમાં રહેવાની અપીલ કરી

PC: wordpress.com

સુરતમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે કોરોનાની મહામારી વચ્ચે સુરત મહાનગરપાલિકા દ્વારા લોકોને સામાજિક અંતર અને માસ્કના નિયમોનું પાલન કરવાનું કહેવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ હાઈપરટેન્શન, બ્લડપ્રેશર, ડાયાબિટીસ, હાર્ટની બીમારી, કિડનીની તકલીફ જેવા કો-મોર્બિડ કંડીશન ધરાવતા અને 60 વર્ષથી વધુ વયના લોકોને કોરોના વાયરસની અસર વધુ થઈ રહી છે. સુરતમાં કો-મોર્બિડ કંડીશન ધરાવતા વ્યક્તિઓમાં કોરોના વાયરસના કારણે મૃત્યુ વધારે પ્રમાણમાં થતું હોવાથી સુરત મહાનગરપાલિકા દ્વારા કો-મોર્બિડ કંડીશન ધરાવતા લોકોને અને 60 વર્ષથી વધુ વયના લોકોને તેમના ઘરમાં હોમ આઈશોલેશન રહેવા માટે અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત આ તમામ લોકોએ સામાજિક અંતરનું પાલન, માસ્ક પહેરવું, વારંવાર સાબુથી હાથ ધોવા જેવી તકેદારી રાખવાનું પણ સુરત મહાનગરપાલિકા દ્વારા કહેવામાં આવી રહ્યું છે.

સુરતમાં 25 સપ્ટેમ્બરના રોજ કોરોનાના નવા 184 પોઝિટિવ કેસ નોંધાયા હતા. સુરતમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 20,627 પોઝિટિવ કેસ નોંધાય ચુક્યા છે. 25 સપ્ટેમ્બરે સુરત મહાનગરપાલિકાની 2,424 સર્વેલન્સ ટીમ દ્વારા 9,63,325 લોકોની તપાસ કરવામાં આવી હતી અને સુરતના અલગ-અલગ વિસ્તારમાં રસ્તા પર ગેરકાયદેસર રીતે વસ્તુનું વેચાણ કરતા 162 પાથરણાવાળાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા 2,023 સ્થળોને સેનિટાઈઝ કરવાની કામગીરી કરવામાં આવી હતી.

સુરતમાં લોકોના આરોગ્યની તપાસ કરવામાં અને કોરોના પોઝિટિવ દર્દીઓને શોધી કાઢવામાં ધનવંતરી રથનો સિંહફાળો છે. ધનવંતરી રથના માધ્યમથી શહેરીજનોને ઘરઆંગણે આરોગ્યલક્ષી સારવાર સરળતાથી મળી રહે છે. 25 સપ્ટેમ્બરના રોજ શહેરના 108 ધનવંતરી રથ દ્વારા 426 વિસ્તારમાં રહેલા 2,30,296 વ્યકિતઓનો સર્વે કરવામાં આવ્યો હતો. સર્વે દરમિયાન 27,419 વ્યકિતઓની OPD અને તાવના 142 કેસ મળી આવ્યા હતા. આ ઉપરાંત અન્ય બિમારીના 25,305 કેસો મળ્યા હતા અને 1,33,548 લોકોની SPO2ની ચકાસણી કરવામાં આવી હતી. તો બીજી તરફ શહેરમાં 13,900 લોકોને હોમિયોપેથી દવાઓ અને 16,154 લોકોને આયુર્વેદિક દવા આપવામાં આવી હતી. આ ઉપરાંત 18,338 વ્યકિતઓને ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

સુરતમાં કોરોના વાયરસનું સંક્રમણ ઓછું કરવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા સુરતના અલગ-અલગ વિસ્તારમાં શાકભાજીનું વેચાણ કરતાં લોકો, કરિયાણાના દુકાનદાર, ફરસાણની દુકાનવાળા, રિક્ષાવાળા અને ગેરેજ ચલાવતા લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. આ ટેસ્ટ દરમિયાન જે લોકો સંક્રમિત મળી આવે છે, તેમની સારવાર શરૂ કરવામાં આવે છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp