કોમનવેલ્થના સેક્રેટરી જનરલ ગુજરાત મુલાકાતે, ગાંધીજી-સરદારના કર્યા ભરપેટ વખાણ

PC: khabarchhe.com

ભારત દેશને અહિંસક સત્યાગ્રહથી સ્વતંત્રતા અપાવી એકતા અખંડિતતા સાથે વિકાસ પથ કંડારનારા ગુજરાતના બે સપૂત રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઇ પટેલનું વિશ્વ ગૌરવ કોમનવેલ્થ રાષ્ટ્રોએ કરવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. ગુજરાત માટે આ ગૌરવપૂર્ણ જાહેરાત ગુજરાતની મુલાકાતે આવેલા કોમનવેલ્થ રાષ્ટ્રના સેક્રેટરી જનરલ બેરોનીસ પેટ્રિકા (Ms. Baroness Patricia)એ ઊર્જામંત્રી સૌરભ પટેલ અને મુખ્ય સચિવ અનિલ મૂકીમ તથા મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન સાથે અમદાવાદમાં યોજેલી બેઠકમાં કરી હતી.

કોમનવેલ્થ સેક્રેટરી જનરલે આ ઘોષણા કરતાં કહ્યું કે, કોમનવેલ્થ કન્ટ્રીઝના 53 રાષ્ટ્રોમાં 2.4 બિલીયન યુવા વસ્તી છે. આ યુવાઓને શાંતિ-અહિંસાના મસિહા ભારતના અને ગુજરાતના સપૂત રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના શાશ્વત વિચારો, અહિંસા, એકતા-શાંતિ અને તેના થકી વિકાસની સંકલ્પબદ્ધતા માટે પ્રેરણા-પ્રોત્સાહન મળે તેવી કોમનવેલ્થ રાષ્ટ્રોની નેમ છે.

આ હેતુસર ગાંધી દોઢસોમી જન્મજ્યંતિના આ વર્ષે કોમનવેલ્થ પીસ પ્રાઇઝ ઓન મહાત્મા ગાંધી જાહેર કરવામાં આવ્યું છે. બેરોનિસે ગુજરાતના આ પનોતાપુત્રએ વિશ્વને જે શાંતિ-સદભાવનો પથ બતાવ્યો છે તે જ માર્ગ આજની વૈશ્વિક સમસ્યાઓના શાંતિપૂર્ણ સમાધાનનો માર્ગ છે તેમ પણ આ પ્રાઇઝ જાહેર કરતા ઉમેર્યુ હતું.

કોમનવેલ્થ સેક્રેટરી જનરલે લોહપુરૂષ સરદાર વલ્લભ પટેલે દેશની એકતા અખંડિતતા સાથે સુશાસન ગુડ ગવર્નન્સ ક્ષેત્રે આપેલા ઉત્કૃષ્ટ યોગદાનને વિશ્વસ્તરે ઊજાગર કરવા કોમનવેલ્થ ફંડ ફોર ગુડ ગવર્નન્સ જાહેર કરવાની પણ ગૌરવ ઘોષણા કરી હતી. તેમણે ઉમેર્યુ કે, ગુજરાતની ભૂમિના આ બે સપૂતોએ ભારત અને ગુજરાતને વિશ્વમાં જે સન્માન પોતાના અદકેરા પ્રદાનથી અપાવ્યા છે તેને સદાકાળ જીવંત રાખવાનો કોમનવેલ્થ રાષ્ટ્રનો આ એક સ્તુત્ય પ્રયાસ છે.

કોમનવેલ્થના સેક્રેટરી જનરલ અને પ્રતિનિધિમંડળ ગુજરાતના તેમના પ્રવાસ દરમિયાન આ બેય વિભૂતિની સ્મૃતિ સાથે જોડાયેલા દર્શનીય સ્થાનો સાબરમતી આશ્રમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની પણ મુલાકાત લઇ ગાંધીજી અને સરદાર સાહેબને આદર સન્માન અંજિલ અર્પણ કરવાના છે. ઊર્જા મંત્રી સૌરભ પટેલે ગુજરાત માટે સિમાચિન્હ રૂપ આ ગૌરવ જાહેરાતો માટે કોમનવેલ્થ સેક્રેટરી જનરલનો સૌ ગુજરાતીઓ વતી આભાર પ્રગટ કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp