અમદાવાદમાં તોડબાજ PSI સામે ગુનો દાખલ, રેપ કેસના આરોપી પાસેથી લાખો પડાવ્યા

PC: dainikbhaskar.com

ભ્રષ્ટાચાર મૂક્ત ગુજરાતની વાતો કરતી સરકારના રાજમાં ભ્રષ્ટાચાર વધી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. અવારનવાર સરકારી અધિકારીઓ લાંચ લેતા રંગે હાથે ઝડપાયા હોવાના કિસ્સાઓ સામે આવે છે. ક્યારેક કર્મચારીઓના બિલ પાસ કરાવવા માટે સરકારી અધિકારી લાંચ માગે છે, તો ક્યારેક આરોપીને માર નહીં મારવા બાબતે પોલીસકર્મી દ્વારા લાંચ માંગવામાં આવે છે પરંતુ ACB દ્વારા લાંચિયા અધિકારીઓ સામે લાલ આંખ કરી તેઓને પકડી પાડવામાં આવે છે. ત્યારે વધુ એક લાંચિયા PSIનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક મહિલા PSIએ બળાત્કાર કેસના આરોપી પાસેથી 35 લાખ રૂપિયાની લાંચ માંગી હતી અને આરોપી પાસેથી કટકે-કટકે 20 લાખ રૂપિયા પડાવી લીધા હતા. અંતે આરોપીએ સમગ્ર મામલે મહિલા PSI સામે ક્રાઈમ બ્રાંચમાં અરજી કરી હતી અને પોલીસની તપાસ દરમિયાન મહિલા PSI સામે પુરાવા મળતા મહિલા PSI સામે ગુનો દાખલ કરી તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.

રિપોર્ટ અનુસાર અમદાવાદ રેપ કેસમાં સાક્ષીને ધમકાવવા બદલ વર્ષ 2017માં GSP ક્રોપ સાયન્સ પ્રાઈવેટ લિમિટેડ કંપનીના MD કેનલ શાહની સામે પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનના PI તરીકેનો ચાર્જ ધરાવતા PSI શ્વેતા જાડેજાને તપાસ સોંપવામાં આવી હતી. તપાસ દરમિયાન PSI શ્વેતા જાડેજાએ કેનલ શાહની પાસેથી 35 લાખ રૂપિયાની માગણી કરી હતી અને જો પૈસા ન આપે તો કેનલ શાહને પાસા હેઠળ જેલમાં નાખી દેવાની ધમકી આપી હતી.

આ સમગ્ર મામલે કેનલ શાહે PSI શ્વેતા જાડેજાને 20 લાખ રૂપિયા કટકે-કટકે ચૂકવી દીધા હતા અને 15 લાખ ચૂકવવાના બાકી હતા, ત્યારે રેપ કેસનો આરોપી કેનલ શાહ મહિલા PSIને વધારે પૈસા આપવા માગતો નહોતો. જેથી તેને સમગ્ર મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં PSI શ્વેતા જાડેજા સામે 35 લાખ રૂપિયાની માગણી કરવા બાબતે અરજી કરી હતી.

અમદાવાદ ક્રાઇમ બ્રાંચ દ્વારા રેપ કેસના આરોપી દ્વારા કરવામાં આવેલી PSI શ્વેતા જાડેજા સામેની અરજીની તપાસ કરતા PSIએ આરોપી પાસેથી 20 લાખ રૂપિયા મેળવ્યા હોવાનું સામે આવ્યું હતું. જેના કારણે હાલ સમગ્ર મામલે SOGએ PSI શ્વેતા જાડેજા સામે ગુનો દાખલ કરી તેમની પૂછપરછ શરૂ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp