નીતિનભાઇનું 2.17 લાખ કરોડનું આઠમું બજેટ, રાજ અને ધર્મ બંનેને આ રીતે સાચવી લેશે

PC: dainikbhaskar.com
ગુજરાતના નાણામંત્રી નીતિન પટેલે રાજ્ય વિધાનસભામાં આજે આઠમી વખત બજેટ રજૂ કર્યું છે. આ બજેટ એક નજરે આગામી ચૂંટણીઓમાં રાજ તો સાચવી રાખે સાથે ધર્મ પણ સચવાઇ જાય તેવું છે.નાણામંત્રીએ 2020-21ના વર્ષમાં બજેટનું કદ 2 કરોડ 17 લાખ રૂપિયા રાખ્યું છે. સામાન્ય રીતે આ બજેટ ખેડૂત, ગ્રામીણ અને કૃષિલક્ષી છાપ ધરાવે છે. બીજી તરફ રાજ્ય સરકારે જનતા પર કરભારણ વધારવાની જગ્યાએ વીજકરમાં 330 કરોડ 16 લાખ રૂપિયાની રાહતો આપી છે. રાજ્ય સરકારે બજેટમાં સૌનો સાથ સૌનો વિકાસ સૂત્રને અનુરૂપ તમામ વર્ગને સાચવી લીધા છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી આવી રહી હોવાથી બજેટમાં ગ્રામીણ તેમજ શહેરી વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો છે.

નાણામંત્રીએ કોલ્ડસ્ટોરેજ પરનો વીજકર 20 ટકાથી ઘટાડી 10 ટકા કરવાની દરખાસ્ત રજૂ કરી છે જેની સાથે સાથે ધાર્મિક સ્થાનો પરનો વીજકર હાલના 25 ટકાથી ઘટાડી ગ્રામ્ય વિસ્તારમાં 7.5 ટકા તેમજ શહેરી વિસ્તારમાં 15 ટકા કરવાની દરખાસ્ત મૂકી છે જેના કારણે રાજ્યના 10500 ધાર્મિક સ્થાનોને રાહત મળશે. નાણામંત્રીએ ધર્મશાળાઓ પરનો 25 ટકા વીજકર ઘટાડીને 10 ટકા કરવાની તેમજ વેપારી અને વાણિજ્યિક વર્ગ પરનો વીજકર 25 ટકાથી ઘટાડીને 20 ટકા કરવાની દરખાસ્ત મૂકી છે. નીતિન પટેલે રાજ્યના બજેટમાં 275 કરોડ 27 લાખની પુરાંત રહેવાનો અંદાજ બાંધ્યો છે.

ગુજરાતના આગામી વર્ષના બજેટમાં મહિલાઓના સશક્તિકરણ ઉપર પણ વિશેષ ભાર મૂક્યો છે. જેન્ડર બજેટનું કદ 78418 કરોડ રૂપિયાનું રાખવામાં આવ્યું છે જે ગયા વર્ષ કરતાં 15 હજાર કરોડનો વધારો સૂચવે છે. નાણામંત્રીએ ગુજરાતના વિકાસ માટેની મહત્વની નવી યોજનાઓની પણ જાહેરાત કરી છે. બજેટમાં રાજ્ય સરકારે યાત્રાધામો અને પ્રવાસનોને વિકસાવવા માટે પણ અનેક આયોજન કર્યા છે. જેમા કૃષ્ણનગરી દ્વારકાનો વિકાસ આયોજન કરવામાં આવ્યું છે. દ્વારકામાં કૃષ્ણલીલા દર્શાવતું મ્યુઝિયમ બનાવવા અને યાત્રાળુઓ માટે પ્રાથમિક સુવિધાઓ વધારવાનું આયોજન કરવામાં આવ્યું છે.

બેટ દ્વારકા અને ઓખાને જોડતા અરબી સમુદ્ર ઉપર 4.56 કિલોમીટર લંબાઈના ચારમાર્ગીય સીગ્નેચર બ્રીજની કામગીરી ચાલી રહી છે. આ પ્રોજેક્ટ માટે રૂ. 962 કરોડ ફાળવવામાં આવ્યા છે. ઉપરાંત સોમનાથ અને દ્વારકાની એક જ દિવસમાં મુલાકાત લઇ શકાય તે માટે વિમાન સેવા શરૂ કરવા માટે એક કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

બીજી તરફ વૈશ્વિક ઓળખ મેળવી ચુકેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીની કેવડીયા ખાતે મુલાકાત આવનાર પ્રવાસીઓની વિપુલ સંખ્યાને ધ્યાને લઇને વિવિધ સુવિધાઓ તેમજ આકર્ષણો વિકસાવવામાં આવી રહ્યું છે. આ વિસ્તારના સંતુલિત અને આયોજનબદ્ધ વિકાસ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળની સ્થાપના કરવામાં આવી છે. આ સ્થળે જંગલ સફારીવિશ્વ વનઆરોગ્ય વનએકતા નર્સરીકેક્ટસ ગાર્ડનવેલી ઓફ ફ્લાવર્સન્યુટ્રીશન પાર્કઓકીડેરિયમક્રોકોડાઇલ સેન્ટર વગેરેનું નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. ઉપરાંતમહિલા સ્વસહાય જૂથો મારફતે હર્બલ સાબુ બનાવવારોપાઓની જાળવણી જેવા રોજગારલક્ષી આયોજન કરવામાં આવ્યું છે જેના માટે કુલ 387 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

રાજ્યમાં આવેલા ધાર્મિકઐતિહાસિક અને પૌરાણિક યાત્રાધામો ખાતે યાત્રાળુઓ માટે સુવિધાઓ વિકસાવવાના વિવિધ કામો હાથ ધરવા માટે 147 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. સુરત જિલ્લાના મહુવા તાલુકામાં આવેલ આદિવાસીઓના આસ્થાના ધામ અનાવલકાવેરો - કાવેરી અને ગુપ્ત સરસ્વતી નદીના ત્રિવેણી સંગમ ખાતે વિવિધ સુવિધાઓ પાછળ 10 કરોડનો ખર્ચ કરાશે. જલ જીવન મિશન અંતર્ગત હર ઘર જલના સૂત્ર સાથે વર્ષ 2022 સુધીમાં રાજ્યમાં બાકી રહેલા 17 લાખ ઘરમાં નળ જોડાણ દ્વારા પીવાનું પાણી આપવા સાથે ણ વર્ષમાં ભૂગર્ભ જળ આધારિત વ્યક્તિગત પાણી પૂરવઠા યોજના હેઠળ દરેક ગામને પાણીના સરફેસ સોર્સ આધારિત જૂથ પાણી પૂરવઠા યોજનાના ભાગ તરીકે આવરી લેવાનું આયોજન કરવામાં આવ્યુ છે.

નાણામંત્રીએ સિંચાઈ માટેની સુવિધાઓવિના વ્યાજે પાક ધિરાણપાક વીમોબિયારણખેત ઓજારો અને ખાતરની ખરીદીમાં સહાયપાક- ઉત્પાદનોની ટેકાના ભાવે ખરીદી જેવી અનેક ખેડૂતલક્ષી યોજનાઓ અમલમાં મૂકી છે. ગુજરાતના ખેડૂતોને ઝીરો ટકા વ્યાજ દરે એટલે કે વ્યાજ રહિત પાક ધિરાણ મળે તે માટે 21000 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. ખેડૂતોને દિવસ દરમિયાન પણ વીજ પુરવઠો પૂરો પાડવા માટે સરકારે દિનકર યોજના જાહેર કરી છે. આ યોજના માટે 500 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

ખેડૂતો પાક વીમો લેવા ઈચ્છતા હશે તેમને મદદ કરવા પાક વીમાનું પ્રીમિયમ ભરવા 61,190 કરોડની જોગવાઇ કરવામાં આવી છે તેમજ રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોના વિવિધ પ્રોજેકટ માટે 300 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

ગુજરાતના ખેડૂતો ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે નાણામંત્રીએ નવી યોજનાની જાહેરાત કરી છે. આ યોજના હેઠળ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરનાર ખેડૂતને એક ગાય દીઠ નિભાવ ખર્ચ માસિક 2900 એટલે કે વાર્ષિક 10,800ની સહાય આપવામાં આવશે. પ્રાકૃતિક ખેતી માટે ખેડૂતે ગાયનું છાણિયું ખાતર અને જીવામૃતનો ઉપયોગ કરવાનો રહેશે. જેના કારણે લાંબા ગાળે જમીનની ફળદ્રુપતા વધશે.

લોકોને સ્વાથ્યપ્રદ ઓર્ગેનિક અનાજ અને શાકભાજી મળી રહેશે તેમજ ગૌ સેવાનો લાભ પણ મળશે.

આ ઉપરાંત ભારત સરકાર દ્વારા કિસાન રેલ અને ઉડાન યોજનાની જાહેરાત કરવામાં આવી છે તેના થકી ખેડૂતોને હળવા ભારવાહક વાહનની ખરીદી માટે 250 હજાર થી 275 હજાર સહાય આપવામાં આવશે. જેમાં પ્રથમ તબકકે પાંચ હજાર ખેડૂતોને લાભ આપવા 230 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

ખેડૂતોને તેમના ખેત ઉત્પાદનો રેલવે સ્ટેશન કે એરપોર્ટ સુધી પહોંચાડવા માટે સહાય આપવા માટે 10 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા મિશન હેઠળ ઘઉંચોખાકઠોળબરછટ અનાજકપાસશેરડી તથા તેલીબિયાં પાકોના ઉત્પાદનમાં વૃદ્ધિ માટે 287 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. એટલું  જ નહીં, ગરીબ અને મધ્યમવર્ગને પહેલીવાર 66 લાખ લાભાર્થીઓને તુવેરદાળનું વિતરણ કરવામાં આવશે. આ યોજનામાં પ્રત્યેક લાભાર્થીને વાર્ષિક 12 કિલો તુવરદાળ રાહતદરે આપવામાં આવશે. ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજના હેઠળ 272 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. એગ્રો અને ફૂડ પ્રોસેસીંગ એકમોને સહાય આપવા 234 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. દેશની પ્રથમ એવી ગુજરાત ઓર્ગેનિક એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી હાલોલ ખાતે સ્થાપવા 12 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

રાજ્યમાં નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના હેઠળ 75 વર્ષથી વધુના વૃદ્ધોને 750 રૂપિયાને બદલે 1000ની સહાય ચૂકવવાની જાહેરાત કરી હતી. જ્યારે 80 ટકાથી વધુ માનસિક દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓને માસિક 600 ની જગ્યાએ 1000ની સહાય ચૂકવવામાં આવશે. રાજ્યમાં આવેલા વૃદ્ધાશ્રમોની નિભાવ ગ્રાન્ટ માસિક 1500 રૂપિયાથી વધારી રૂ. 2160 કરવામાં આવશે. આ ઉપરાંત કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ મજબૂત બને અને રાજ્યના યુવાનોને રોજગારી સાથે પોલીસમાં સેવા કરવાની તક મળે તે માટે પોલીસ વિભાગમાં વિવિધ સંવર્ગમાં 11 હજાર નવી ભરતી કરવામાં આવશે.

સમૂહ લગ્નમાં લગ્ન કરનારા અનુસૂચિત- વિચરતી જાતિના યુગલોને 12,000 રૂપિયાની સહાય યોજના જાહેર કરવામાં આવી છે. વિદેશમાં વસતા ગુજરાતના યુવાનો રાજ્યની મુલાકાતે આવતા રહે તે માટે અલગ અલગ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે. માતૃભાષાસંસ્કૃતિ અને ભવ્ય વારસાનો પરિચય મેળવી શકે તે માટે ગુજરાતને જાણો નામની નવી યોજનાની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે માન્યતા ધરાવતા પત્રકારોને કુદરતી અવસાન થવાના કેસમાં 50 હજારનું વિમા કવચ આપવામાં આવતું હતું તે વધારીને એક લાખ રૂપિયા કર્યું છે, જ્યારે અકસ્માત મોતમાં પાંચ લાખનું વિમા કવચ રહેશે.

નાણામંત્રીએ બાંધકામ શ્રમિકો માટે હાઉસિંગ સબસીડી યોજના હેઠળ બેન્કમાંથી લીધેલી લોન ઉપર પાંચ વર્ષ સુધી પ્રતિ વર્ષ 20 હજાર રૂપિયાની વ્યાજ સહાય આપવાની જાહેરાત કરી છે. એ ઉપરાંત મહિલા બાંધકામ શ્રમિકોને બે બાળકો સુધી પ્રસૂતિ સહાય પેટે 27,500 આપવામાં આવશે. શ્રમિકોને આરોગ્ય સુવિધાઓ માટે વધુ 16 આરોગ્ય રથની સુવિધા પૂરી પડાશે. યુ-વીન કાર્ડ ધારકોને પણ શ્રમિક અન્નપૂર્ણ યોજનાનો લાભ આપવામાં આવશે. કામના સ્થળેથી સિટી બસ મારફતે જવા-આવવા માટે મુસાફરી ખર્ચમાં સહાય અપાશે. માર્ગ-મકાનના બજેટમાં નાણામંત્રીએ જણાવ્યું હતું કે સાત વર્ષ કે વધુ સમયથી રિકાર્પેટ ન થયેલા રસ્તાનું રિસરફેસિંગ કરાશે. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના માટે 2500 કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે.

ગુજરાતના નાણામંત્રીએ બજેટમાં ખેડૂતો, પશુપાલકો, નાના માછીમારો, લારીગલ્લાવાળા, ખાંડમંડળીઓ, શહેરી અને ગ્રામ્ય નાગરિકો, અગરિયાના પરિવારો, અનુસૂચિત જાતિ અને જનજાતિના વિદ્યાર્થીઓ, યુગલો, નિરાધાર વૃદ્ધો, આશ્રમશાળાના વિદ્યાર્થીઓ, ગ્રામીણ પરિવારો સહિત કુલ 42 એવી યોજનાઓ જાહેર કરી છે કે જે વ્યક્તિલક્ષી છે. રાજ્ય સરકાર નવસારી, રાજપીપળા અને પોરબંદરમાં નવી મેડીકલ કોલેજ બનાવી રહી છે. આરોગ્ય વિકાસ પાછળ 11243 કરોડની ફાળવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે જેમાં આરોગ્ય કેન્દ્રોને વધારે મજબૂત બનાવાશે.

નર્મદા યોજના હેઠળ કચ્છને 1 મિલિયન એકર ફીટ પાણી પહોંચાડવા માટે 1084 કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે. રાજ્યના શહેરી વિકાસને વધુ સમૃદ્ધ બનાવવા બજેટમાં 13440 કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે. રાજ્ય સરકારે શિક્ષણના વિકાસ માટે 31955 કરોડ રૂપિયાની ફાળવણી કરવાનું ધાર્યું છે જેમાં સરકારી સ્કૂલોની ગુણવત્તા સુધારવાની બાબત પર વધારે ભાર મૂકવામાં આવ્યો છે, જ્યારે કોલેજમાં પ્રવેશતા 3 લાખ વિદ્યાર્થીઓને ટેબલેટ આપવા માટે 200 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.

 
 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp