હજીરા-ઘોઘા રો-રો ફેરી: અદાણી સામે એસ્સારની હાર, ભાવ તફાવત જોઇ આશ્ચર્ય થશે

PC: khabarchhe.com

સુરતમાં હજીરા ખાતે રો-રો ફેરી સર્વિસ માટે જેટી લીઝ પર આપવાની બીડમાં અદાણી હજીરા પોર્ટ પ્રાઇવેટ લિમિટેડની જીત થઇ છે. અદાણીએ જે બોલી લગાવી હતી તેમાં એક રૂપિયાનો ફરક જોવા મળ્યો હતો તેથી આ કામગીરી અદાણીને આપવામાં આવી છે. એક રૂપિયાની સૌથી ઓછી બોલી આ કંપનીએ લગાવી હતી.

દહેજ-ઘોઘાની રો-રો ફેરી સર્વિસ નિષ્ફળ જતાં કેન્દ્ર સરકારે આ સર્વિસ પોતાના હસ્તગત કરીને તે કામગીરી હવે દિનદયાલ પોર્ટ ટ્રસ્ટ (કંડલા પોર્ટ ટ્રસ્ટ)ને સોંપી દીધી છે. ભારત સરકાર વતી જેટી લીઝ પર લેવા ટેન્ડર મેળવવાનું થતું હતું જેના માટે ટેન્ડર ખોલવામાં આવ્યા હતા.

ગુજરાત મેરીટાઇમ બોર્ડ આ રો-રો ફેરી સર્વિસ ચલાવવામાં નિષ્ફળ રહ્યું છે અને કરોડો રૂપિયાનો ખર્ચ કરી નાંખ્યો છે. દિનદયાલ પોર્ટ તરફથી એવું નક્કી કરવામાં આવ્યું હતું કે જેટી ધરાવતી જે કંપનીઓ હોય તેમની પાસેથી ટેન્ડર મંગાવવામાં આવે. ટેન્ડર જ્યારે ખુલ્યાં ત્યારે અદાણીનો ભાવ બીજી કંપનીઓની સરખામણીએ એક રૂપિયો ઓછો હતો તેથી દિનદયાલ પોર્ટે અદાણીની જેટી વાપરવાનું નક્કી કર્યું છે.

રો-રો ફેરી સર્વિસ માટે જેટી લીઝ પર આપવા માટે બે જ કંપનીઓ મેદાનમાં હતી જે પૈકી એક કંપની અદાણી પોર્ટ હતી અને બીજી કંપની એસ્સાર પોર્ટ હતી. હવે દિનદયાલ પોર્ટ ટ્રસ્ટ અદાણીની જેટીનો ઉપયોગ રો-રો ફેરી સર્વિસના ટર્મિનલ માટે કરશે.

કેન્દ્રીય શિપીંગ મંત્રી મનસુખ માડવિયાએ કહ્યું હતું કે નવું ટર્મિનલ હજીરા અને ઘોઘા વચ્ચે રો-રો ફેરી સર્વિસ સેવાઓ પ્રદાન કરશે. હાલ આ ફેરી સર્વિસ ડ્રેજીંગના મુદ્દાઓ ઉપસ્થિત થતાં સ્થગિત કરી દેવામાં આવી છે. ગયા મે મહિનામાં હજીરાના નવા ટર્મિનલ માટે દિનદયાલ પોર્ટ ટ્રસ્ટે ટેન્ડર બહાર પાડ્યું હતું. આ જેટી રો-રો ફેરી સર્વિસ માટે હવે વોટરફ્રન્ટ અને બેકઅપ એરિયા પ્રદાન કરશે.

અદાણી અને એસ્સાર કંપનીઓ  કે જેમણે બોલીમાં ભાગ લીધો હતો તેમની પાસે હજીરામાં ટર્મિનલ છે જેનો ઉપયોગ રો-રો ફેરી સર્વિસના સંચાલન માટે થઇ શકે છે. હજીરામાં 5.5 મીટર પાણીની ઉંડાઇ જાળવવી પડશે તો જ રો-રો ફેરી સર્વિસ શરૂ થઇ શકશે. કંપનીએ લીઝ પર સંપૂર્ણ કાર્યાત્મક સુવિધાઓ પણ આપવી પડશે.

ટર્મિનલ ઉપરાંત અદાણી ગ્રુપે 200 યાત્રીકો માટે પ્રતિક્ષા અને બેઠકની વ્યવસ્થા કરવી પડશે. યાત્રીઓ માટે એક્સ-રે સ્કેનર, સામાન, વોશરૂમ, 50 ટ્રકો અને 100 કારને સમાવતું પાર્કિંગ, બુકીંગ કાઉન્ટર તેમજ આપાતકાલિન સેવાઓ જેવી સુવિધાઓ આપવાની રહેશે. જો સુવિધામાં કોઇ અડચણ આવશે તો પ્રતિદિન 10 લાખ રૂપિયા વસૂલ કરવામાં આવશે તેવી ટેન્ડરમાં શરત રાખવામાં આવેલી છે.

ગુજરાત મેરીટાઇમ બોર્ડના અધિકારીએ જણાવ્યું હતું કે દહેજ અને ઘોઘા વચ્ચેના રો-રો ફેરી પ્રોજેક્ટને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખુલ્લો મૂક્યો હતો પરંતુ ડ્રેજીંગના અભાવે તે સ્થગિત કરવામાં આવ્યો છે. જીએમબીએ ડ્રેજીંગમાં છેલ્લા નાણાંકીય વર્ષમાં 100 કરોડથી વધુ રકમનો ખર્ચ કર્યો છે.

 
 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp