ઓવૈસીને અખાડા પરિષદનો જવાબઃ હવે કાશી અને મથુરાને મુક્ત કરાવવાનો વારો

PC: news18.com

અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ પર રામ મંદિરના પાયાને લઈને AIMIM સાંસદ અસદુદ્દીન ઓવૈસીના નિવેદન પર સાધુ-સંતોની સર્વોચ્ચ સંસ્થા અખીલ ભારતીય અખાડા પરિષદે પલટવાર કર્યો છે. અખિલ ભારતીય પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરીએ કહ્યું છે કે, ઓવૈસીએ એ સમજવું જોઈએ કે પાકિસ્તાન મુસ્લિમ બહુસંખ્યક હોવાના કારણે જો મુસ્લિમ રાષ્ટ્ર હોઈ શકે તો, ભારત હિન્દુ બહુસંખ્યક હોવા છતા હિન્દુ રાષ્ટ્ર કેમ નહીં હોઈ શકે. વાસ્તવમાં ભારત હિન્દુ રાષ્ટ્ર જ છે, જ્યાં બધા ધર્મોનું પુરું સન્માન છે. બીજા ધર્મોને માનનારાઓનું પણ અમે સનાતન સન્માન કરીએ છીએ, તેમને ગળે મળીએ છીએ અને તેમના પ્રત્યે આસ્થા પણ રાખીએ છીએ. અખાડા પરિષદના અધ્યક્ષે કહ્યું છે કે, જ્યારે કોઈ અમારા ધર્મને લલકારે છે અને અપશબ્દ બોલે છે તો અમે તેનો સારી રીતે સામનો કરવા માટે પણ તૈયાર રહીએ છીએ. હિન્દુઓએ સેંકડો વર્ષ સુધી રાહ જોઈ.

અખિલ ભારતીય પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરીએ કહ્યું કે, રામ મંદિરનું નિર્માણ સંવિધાનમાં રહીને સુપ્રીમ કોર્ટના નિર્ણયના આધારે જ કરવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોર્ટનો નિર્ણય આવવા અને રામ મંદિરના નિર્માણ માટે બનાવવામાં આવેલા ટ્રસ્ટના બોલાવવા પર જ અયોધ્યા જઈને રામ મંદિરનું ભૂમિ પૂજન અને પાયો નાંખ્યો છે. મંદિર માટે હિન્દુઓએ સેંકડો વર્ષો સુધી રાહ જોઈ અને કોર્ટના નિર્ણયની પણ રાહ જોઈ છે. મહંત નરેન્દ્ર ગિરીએ કહ્યું કે, સંત-મહાત્માઓ માટે 5 ઓગસ્ટનો દિવસ સ્વર્ણિમ દિવસ છે. જે રીતે દેશમાં 15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસ અને 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસનો પર્વ મનાવવામાં આવે છે, એ જ રીતે સાધુ-સંતો હવે દર વર્ષે 5 ઓગસ્ટને ભગવાન શ્રીરામના આઝાદી દિવસના રૂપમાં ઉજવશે.

અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરીએ કહ્યું કે, અયોધ્યા રામ જન્મભૂમિની લડાઈ હવે પુરી થઈ ગઈ છે હવે, કાશી અને મથુરાને મુક્ત કરાવવાનો વારો છે. તેમણે કહ્યું કે, કાશી અને મથુરા હિન્દુઓ માટે કલંક છે તેને હવે દૂર કરવાની જરૂર છે. મહંત નરેન્દ્ર ગિરીએ સાધુ-સંતોને અપીલ કરી છે કે, શાંતિપૂર્ણ રીતે આંદોલન ચલાવીને અને કોર્ટમાં કાયદાકીય લડાઈ લડીને જ કાશી અને મથુરાને પણ અયોધ્યાની જેમ મુક્ત કરાવીશું. આ અવસર પર મહંત નરેન્દ્ર ગિરીએ દેશવાસીઓ અને રામ ભક્તોને મંદિર નિર્માણ માટે દરેક સંભવિત સહયોગ કરવાની અપીલ કરી છે કે તેઓ અયોધ્યા રામ મંદિર માટે દરેક સંભવિત સહયોગ કરે. જેથી, અયોધ્યામાં વહેલામાં વહેલી તકે મંદિર બનીને તૈયાર થઈ શકે. તેમણે કહ્યું કે, અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બનતા 3-4 વર્ષનો સમય લાગી શકે છે, પરંતુ મંદિર નિર્માણ પૂરુ થયા બાદ ફરી એકવાર અયોધ્યામાં આ પ્રકારની ભવ્ય દિવાળી ઉજવવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp