નેશનલ બામ્બુ મિશન અંતર્ગત સુરત જિલ્લાના વિસડાલીયા ક્લસ્ટરનો સમાવેશ

PC: khabarchhe.com

ભારત સરકારના કેન્દ્રીય કૃષિ, સહયોગ અને કિસાન કલ્યાણ મંત્રાલય દ્વારા નેશનલ બામ્બુ મિશન અંતર્ગત સમગ્ર રાષ્ટ્રમાંથી કુલ નવ કલસ્ટરનું વીડિયો કોન્ફરન્સ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતુ. જે પૈકી ગુજરાત રાજ્યના સુરત જિલ્લાના, સુરત વન વિભાગ હેઠળ કાર્યરત માંડવી ખાતેના વિસડાલીયા કલસ્ટરનો સમાવેશ કરવામાં આવ્યો છે.

રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી પામેલા નવ કલસ્ટર પૈકી સુરતથી 60 કિ.મી.ના અંતરે કીમ ઝંખવાવ રોડ પર આવેલું વિસડાલીયા કલસ્ટરનો સમાવેશ એ ગુજરાત માટે ગૌરવપૂર્ણ બાબત છે. આ કલસ્ટર દ્વારા વન વિભાગે વિવિધ રોજગારલક્ષી આજીવિકા વૃદ્ધિનું આયોજન કરી સ્થાનિક આદિવાસી તેમજ કોટવાળિયા કુટુંબોને રોજગારી તેમજ સર્વાંગી વિકાસના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે.

સુરતના નાયબ વનસંરક્ષક પુનિત નૈયરે સ્થાનિક આદિજાતિ યુવાનો, કલાકારો અને બામ્બુકલામાં નિપુણ મહિલાઓના આર્થિક ઉત્થાનને વધુ વેગ મળશે એવો વિશ્વાસ વ્યક્ત કરી વિસડાલીયા કલસ્ટરનો નેશનલ બામ્બુ મિશનમાં સમાવેશ થયો એ સુરત જિલ્લા માટે આનંદની ક્ષણ હોવાનું જણાવ્યું હતું. તેમણે વાંસકલામાં પ્રતિભાવાન સ્થાનિક યુવાનો અને મહિલાઓને પગભર બનાવવાની નેમ વ્યક્ત કરી હતી.

વિસડાલીયા કલસ્ટરના હેડ વિનીત પ્રભાકરે જણાવ્યું હતું કે, આ કલસ્ટર દ્વારા 100થી 150 વ્યક્તિઓને સીધી રોજગારી તેમજ 350થી 400 વ્યક્તિઓને પરોક્ષ રોજગારી મળે છે, ખાસ કરીને અહીં પ્રત્યક્ષ રોજગારી મેળવનાર અડધોઅડધ મહિલાઓનો સમાવેશ થાય છે, જે આર્થિક સશક્તિકરણનું માધ્યમ અને તેમના પરિવાર માટે આશીર્વાદરૂપ બાબત છે. રોજગાર પ્રવૃત્તિ સાથે જોડાયેલા કલાકારો, આદિજાતિ બહેનો અને સ્થાનિક યુવાનોને તાલીમબદ્ધ કરવામાં આવે છે. આશરે 32 ગામના બામ્બુ કલાકારોને આ ક્લસ્ટર થકી રોજગારી પ્રાપ્ત થાય છે. જેમાં દિલ્હી, મુંબઇ અમદાવાદ, ગાંધીનગર જેવા સ્થળેથી ઓર્ડર આવે છે. એક સમયે બામ્બુ કલાકારો દિવસના રૂ.120 રોજગારી પ્રાપ્ત કરતા હતા, જે આજે રૂ.300/- રોજગારી મેળવે છે. બામ્બુકલા કલાકારોને શીખવાડવામાં આવે છે, ત્યાર પછી બજારમાં ઇન્ટરિયર ડિઝાઈનર અથવા પ્રોફેશનલ લોકો થકી પણ તેમને રોજગાર પ્રાપ્ત થાય છે. રાષ્ટ્રીય સ્તરે આ ક્લસ્ટરની નોંધ લેવાતા અહીંના બામ્બુ કલાકારોના આત્મવિશ્વાસમાં વધારો થયો છે.

આ કલસ્ટરમાં આજીવિકા માટે વાંસ ફર્નિચર બનાવટ યુનિટ, બેકરી યુનિટ, મશરૂમ ઉત્પાદન યુનિટ, ઓર્ગેનિક મસાલા યુનિટ, પારંપરિક ભોજનની વન કેન્ટીન વગેરે પ્રવૃત્તિઓ વન વિભાગના સફળ પ્રયાસો થકી ચાલે છે. ભવિષ્યમાં આ પ્રવૃત્તિઓના વિસ્તૃતીકરણ તેમજ માળખાકીય સુવિધાઓ વધારીને યુનિટ વધુ સુદ્રઢ બને તેમજ વધુમાં વધુ સ્થાનિક લોકોને રોજગારીની તકો વધારવા માટે પ્રયત્નો હાથ ધરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp