'ચારણે ચોરે આવીને હાકલ મારી કે- ક્ષત્રી લાગે ખોટ, ગઢથી જાતાં ગાવડી...'

PC: Khabarchhe.com

સૌરાષ્ટ્રને ઓતરાદે કિનારે ટીકર નામનું, છસો વરસનું જૂનું ગામ છે. એ ગામનીયે ઉત્તરે મરડક નામની એક ધાર, બરાબર બેઠેલા ઊંટનો આકાર ધરીને પડેલી છે. એ ધારથી ત્રણ ગાઉ આઘે, ઉત્તરમાં, ઝાળ નામનાં પાંચ ઝાડનાં ઝુંડની વચ્ચે એક મીઠા પાણીને વીરડો છે, એક પુરુષનો પાળિયો છે, ને એક સતીના પંજાની ખાંભી છે. આસપાસ ધગધગતી રેતીનું રણ પડયું છે.'ચૌદ ચૌદ ગાઉ સુધી મીઠા પાણીનું એકેય ટીપું નથી મળતું કે નથી કોઈ વિસામો લેવાની છાંયડી, દિવસને વખતે કોઈ મુસાફર એ રણમાં ચાલતો નથી. ચાલે, તો ચોકીવાળાઓ એની પાસે પૂરું પાણી છે કે નહિ તેની ખાતરી કર્યા પછી જ જવા આપે છે, રાતે ચાલેલા વટેમાર્ગુ સવારને પહોરે રણને સામે કાંઠે એક ધર્મશાળાએ પહોંચીને વિસામો લે છે. એને 'વર્ણવા પીરની જગ્યા' કહે છે.

આ વર્ણવો પરમાર કોણ હતો ? પચીસ વર્ષનો એક ક્ષત્રી જુવાન : હજુ તો દસૈયા નહાતે હતેા. અંગ ઉપરથી અતલસના પોશાક હજુ ઊતર્યા નહોતા. હાથમાં હજુ મીંઢળ હીંચકતું હતું. પ્રેમીની આંખના પાંચ પલકારા જેવી પાંચ જ રાત હજુ તો માણી હતી. આખો દિવસ એને ઘેરીને ક્ષત્રી-ડાયરો એના સંયમની ચોકી કરતા, અને ત્યાર પછી તો એ કંકુની ટશર જેવા રાતા ઢોલિયામાં, સવા મણ રૂની એ તળાઈમાં, સમુદ્રફીણ સરખા એ ધોળા એાછાડમાં ગોરી રજપૂતાણીની છાતી ઉપર પડયાં પડયાં રાત્રિના ત્રણ પહોર તો કોણ જાણે કેટલા વેગથી વીતી જતા; રાત્રિથી જાણે એ ક્ષત્રીબેલડીનાં સુખ નહોતાં સહેવાતાં, નહોતાં જોવાતાં.

આજ છઠ્ઠા દિવસનું સવાર હતું. રાત આડા કેટલા પળ રહ્યા છે તે ગણ્યા કરતી રજપૂતાણી એની મેડી ઉપરથી કમાડની તરડ સાંસરવી, ડેલીએ બેઠેલા બંદીવાન સ્વામીને જોયા કરતી, પણ વર્ણવાનું માથું તેા એ બીડેલી બારી સામે શી રીતે ઊંચુ થઈ શકે ? ઉઘાડી સમશેરો સરખી કેટલીયે આંખો એના ઉપર પહેરો ભરતી હતી. એ તે હતાં ક્ષત્રીનાં પરણેતર!

ત્યાં તો ગામમાં ચીસ પડી. ઘરેઘર વાછરુ રોવા લાગ્યાં. બૂંગિયો ઢોલ ગાજ્યો; અને ચારણે ચોરે આવીને હાકલ મારી કે :

ક્ષત્રી લાગે ખોટ, ગઢથી જાતાં ગાવડી,

દેખી વર્ણવા દોડ, મત લજાવ્યે માવડી !

ગામનું ધણ ભેળીને મિયાણા ભાગતા હતા. ભાલો લઈને વર્ણવો ચોરેથી જ ઘોડે પલાણ્યો, મિયાણાની ગોળીએાનો મે'વરસતો હતો. તેમાં થઈને વર્ણવો પહોંચ્યો. બીજા રજપૂતોને પાછળ મેલીને દોડ્યા આવતા આ મીંઢળબંધા વરરાજાને જોતાં તો મિયાણાને પણ થયું કે 'વાહ રજપૂત !' એ અસુરોને પણ પોતાની સ્ત્રીઓની મીઠી સોડ સાંભરી આવી. જુદ્ધ કર્યા વિના જ આખું ધણ વર્ણવાને પાછું સોંપ્યું ન કહ્યું : “જા બાપ, તારી પરણેતર વાટ જોતી હશે.”

સહુને પોતપોતાનાં પશુ પહોંચી ગયાં. પણ સુતારની બાયડી પોતાના રાતાં છોકરાંને કેડે વળગાડીને કકળતી આવી : “એ બાપુ વર્ણવા ! બધાંયનાં ઢોર લાવ્યો, ને એક મારી બોડી ગા જ રહી ગઈ? મીરાં ગભરુડી જ શું છાશું વિના ટળવળશે ?”

વર્ણવો ફરી વાર ચડ્યો. “બહેન, તારી બોડી વિના પાછો નહિ આવું.” કહેતો ઊપડ્યો. પણ બેાડી ક્યાંથી મળે ? મિયાણાએાએ ખાવાને માટે કાપી નાખી હતી. ગૌમાતાનું રુધિર ભાળીને વર્ણવો મરણિયો બન્યો. આખા રણમાં રમખાણ જાગ્યું. કંઠ સામા કાંઠા સુધી શત્રુઓને તગડ્યા પછી ત્યાં વર્ણવાનું મસ્તક પડયું; ત્યાર પછી ધડ લડ્યું. મિયાણા નાસી છૂટયા. ધડ પાછું વળ્યું. હાથમાં તલવાર ને માથે ઊછળતી રુધિરની ધાર; મરડકની ધારથી ત્રણ ગાઉ ઉપર ધડ પડયું.

રણમાં ગયેલો પતિ જો જીવતો હોય તો એની તરસ ટાળવા ને મર્યો હોય તે મોંમાં જળ મેલવા, પેલી મેડીએ બેસીને વાટ જોતી રજપૂતાણી પણ મંગળ ચૂંદડીએ, માથે ગંગાજળને ઘડે મૂકીને રણમાં આવી. સ્વામીનું શબ જોયું, પણ માથું ન મળે.

એણે ત્યાં ને ત્યાં ઘડો પછાડયો. ધડની સાથે જ બળી મરી.

હાંકી ધેન હજાર, સુણી આજુદ્ધ સજાયો,

કર ગ્રહિપો કબ્બાન, અહુચળ ખાગ ઉઠાયો.

વરણવ સરવર ઝાળ, રણ મહીં જુદ્ધ રચાયો.

પણ પડતે પરમાર, પાટ ઇંદ્રાપર પાયે.

જળપાત્ર લે જમના તણું, મૂકી પાણ હંદા મથે.

એ દિન નીર અમૃત ભર્યું, હિંદવાણી નાર પોતે હથે.

જે ઠેકાણે સતીએ ઘડો પછાડ્યો તે ઠેકાણે શિલાની અંદર આજે અખૂટ મીઠા જળનો વીરડો બની ગયો છે. લાખેા તરસ્યા જીવો એ એનાં જળ પીધેલાં હશે, અને કરોડો હજુ પીશે. આસપાસ ત્રણ દિશે ચૌદ ગાઉમાં બીજે ક્યાંય પાણી નથી, ગામ પણ નથી. 

[૨] 

વસિયો, વણમાં વર્ણવો, દીનો મરતાં દેન,

પાણ થઈ પરમારનું , ધાવે મસ્તક ધેન.

વર્ણવો તો રણમાં મર્યો, એના શરીરને બાળી નાખવામાં આવ્યું, પણ એનું માથું તો પથ્થરનું બનીને ગાયનું દૂધ ધાવતું હતું.

રણને સામે કાંઠે, આડેસર ગામની અને ધ્રાંગધ્રાની વચ્ચે વર્ણવાનું માથું પડયું હતું, પણ એ કયાં પડયું તે કોણ જાણે ? આડેસરની એક ગાય રોજ સાંજે જ્યારે ઘેર જાય ત્યારે એના આંચળમાં દૂધ ન મળે ! ગાયનો ધણી ગોવાળને રાજ ઠપકો આપે કે : “કોઈક મારી ગાયને દોહી લે છે.”

એક દિવસ સાંજ પડી. આખું ધણ ગામ ભણી ચાલવા માંડયું. રસ્તામાં એક ઠેકાણે આખા ધણમાંથી એ જ ગાય નોખી તરી ગઈ ને બીજી દિશામાં ચાલતી થઈ. ભરવાડને કૌતુક થયું. ધણને રેઢું મૂકીને એ ગાયની પાછળ ચાલ્યો. આઘે એક ઝાડની નીચે ગાય થંભી ગઈ, ચારે પગ પટાળા કરીને ઊભી રહી. એનાં ચારે આંચળમાંથી ખળળ ખળળ દૂધની ધાર ચાલી, અને જમીનમાં પાંદડાંના ગંજ નીચેથી ઘટાક ! ઘટાક ! ઘટાક કરતું કોઈ એ દૂધ પીતું હોય એવો અવાજ આવ્યો. આખું આઉ ખાલી કરીને ગાય ગામ તરફ ચાલી ગઈ. ભરવાડ પાંદડાં ઉખેળીને જુએ

ત્યાં તો પથ્થરનું એક રૂપાળું મસ્તક દીઠું. એ મસ્તકનું દૂધે ભર્યું મોં દીઠું !

તે દિવસથી એ મસ્તકને ઠેકાણે વર્ણવાપીરની જગ્યા બંધાયેલી છે.

આજ કોઈ વાર કોઈ ગાફિલ પ્રવાસી એ રણમાં ભૂલા પડે છે. પાણી વિના એને ગળે શોષ પડે છે, જીવવાની આશા છોડીને વર્ણવાનું નામ સ્મરે છે, ત્યારે કોણ જાણે ક્યાંથી કોઈ તેજસ્વી ઘોડેસવાર, એક હાથમાં ભાલું ને બીજા હાથમાં મીઠા પાણીની મશક લઈને મારતે ઘોડે હાજર થાય છે, અને બેશુદ્ધ બની ગયેલા મુસાફરને મોંએ પાણી સીંચે છે, એવી વાતો ઘણાને મોઢેથી સંભળાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp