કચ્છમાં શોધાયેલી આ ખારેક જોઇને તમને આશ્ચર્ય થશે, બે રંગોવાળી આ જાત વધુ મીઠી છે

PC: khabarchhe.com

 કચ્છમાં નવા જ પ્રકારની ખારેક જોવા મળી છે. સામાન્ય રીતે ખારેક પીળી કે લાલ હોય છે. પણ આ ખારેક અડધી લાલ અને અડધી પીળી છે. તેની મીઠાશ બીજી ખારેક કરતાં ઘણી સારી છે. કૃષિ વિભાગને આ અંગે જાણ કરવામાં આવી છે. કચ્છના નાગરિક રામજી વેલાણીએ જાહેર કર્યું છે કે, આજે કચ્છી મેવો દેશી ખારેકનું અપવાદ રુપ, રુપકડું અને નવાં જ સ્વરૂપનું ફળ જોવા મળ્યું. જે ઘણું સુંદર છે.

દેશી ખારેક બજારમાં રૂ.200થી રૂ.2000 સુધીના ભાવે વેંચાય છે. ભેજ ખારેકનો દુશ્મન છે, રૂ.350 કરોડનો કારોબાર થાય છે. સરકાર રૂ.2500 કિંમત ગણીને ટિસ્યુકલ્ચરના એક રોપા પર 1250 રૂપિયા સબસિડી આપે છે.

મૂળ ઇરાકની પીળા રંગની `બારહી' તરીકે ઓળખાતી મીઠી મધુરી ખારેક સૌથી વધુ વખણાય છે. કચ્છમાં બારહી ખારેકના એક લાખ વૃક્ષ છે, પરંતુ કચ્છમાં મોડેથી પાકતી હોવાથી આ પીળી ખારેકની મોસમ પ્રમાણમાં ટૂંકાગાળાની રહે છે. સૌરાષ્ટ્રમાં બારહી 10-15 દિવસ વહેલી પાકે છે. કચ્છની બજારમાં એક અઠવાડિયા કે 10 દિવસ પછી આવશે.

કચ્છમાં 18 હજાર હેક્ટર એટલે કે 45 હજાર એકરમાં ખારેકનું વાવેતર કરાયું છે. ત્યારે ખારેકનું વેચાણ કરતા વેપારીઓના અંદાજ મુજબ પોણા બે લાખ મેટ્રીક ટન જેટલું ઉત્પાદન થવાની શક્યતા છે અને કચ્છી મેવા તરીકે જાણીતી ખારેક આશરે સાડા ત્રણસો કરોડનો કારોબાર કરી આપશે.

ખારેક કે ખજૂર 5000 વર્ષથી કર્કવૃત્ત પર થાય છે. ફળોને ખલેલા તરીકે ઓળખવામાં આવે છે. આપણા ભારત દેશમાં ખારેકની ખેતી વેપારી ધોરણે માત્ર કચ્છમાં થાય છે. કચ્છમાં ખારેકનાં ૨૦ લાખ ઝાડ હોવાનો અંદાજ છે. કચ્છમાં 500 વર્ષથી ખારેકની ખેતી થાય છે. કચ્છનું ‘કલ્પવૃક્ષ’ છે. ખારેકના પાનમાંથી સાદડી, સાવરણી, છાબડી, દોરડા અને રમકડાં તેમજ આભૂષણો જેવા કે એરીંગ અને વેણી બનાવી શકાય છે. પાન અને થડનો છાપરા  બનાવવામાં તેમજ અછતના વર્ષોમાં જાનવરોના ચારા તરીકે પણ  ઉપયોગ થાય છે. ઝાડના થડમાંથી રસ કાઢી નીરો બનાવાય છે.

ખારેક એ દ્વિગૃહી અને એકદળી શાખા વગરનું ઓછા પાણીએ 20 મીટર સુધી ઊંચું થતું ઝાડ છે. 70 વર્ષ સુધી ફળ આપે છે. ખલાલ અવસ્થાએ ફળ લાલ, પીળા કે મિશ્ર રંગ ધારણ કરે છે. ફળના વિકાસ માટે ગરમીના 3000 યુનિટથી વધુ જરૂરિયાત છે. જૂન-જુલાઈ મહિનામાં તૈયાર થાય છે. આરબ દેશોમાં આ અવસ્થા કચ્છ કરતા 15-30 દિવસ મોડી હોય છે.  

ખારેકની વિવિધ જાતો

મધ્ય પૂર્વનાં દેશો, આફ્રિકા અને કેલિફોર્નિયા સાથે 40 જાતો ભારતમાં લાવવામાં આવી છે. જેમાં કચ્છ માટે બારહી, હલાવી, ખદરાવી, સામરાન, ઝાહીદી, મેડજુલ, જગલુલ અને ખલાસ જાતો છે.

બારહીઃ ઈરાકની જાત દુનિયામાં શ્રેષ્ઠ છે. કદ ગોળ અને રંગ પીળો છે. 120 કિલોગ્રામ ઉત્પાદન આપે છે. કચ્છમાં 8 વર્ષમાં આ જાતના ટીસ્યૂકલ્ચરથી તૈયાર કરવામાં આવેલા રોપાઓનું મોટા પાયે વાવેતર કરવામાં આવેલું છે.

હલાવીઃ ઈરાકની વહેલી ફળ આપતી અને રંગ પીળો છે. આ જાતની ખજૂર તેમજ સૂકી ખારેક સારી બને છે. ફળ ઉત્પાદન સરેરાશ 100-150 કિલોગ્રામ છે.

ખદ્રાવીઃ ઝાડ નીચા ફળ નાનાથી મધ્યમ કદનાં પીળા રંગના હોય છે. ખજૂર સારી બને છે. 50 કિલો ઉત્પાદન છે.

મેડજુલઃ મોરેક્કોની પ્રખ્યાત જાત છે. મોડી પાક્તી, ફળ મોટા, લાંબા અને ભરાવદાર છે. ફળ પીળા રંગનાં છે, ખજૂર સારી થાય છે.

ઝાહીદીઃ ઈરાકની તાજા ફળ મધ્યમ કદના, પીળા રંગનાં અને સ્વાદમાં તૂરા અને ખજૂર સારી થાય છે. આપણે ત્યાં બજારમાં મળતી ખજૂર મોટા ભાગે આ જાતની આવે છે.

ડેગલેટનુરઃ અલ્જીરીયાની પ્રખ્યાત જાત છે. અમેરીકામાં આ જાતનું વાવેતર વધારે થાય છે. ફળ કદમાં લાંબા, આકર્ષક અને લાલ રંગના હોય છે. ખજૂર સારી થાય છે.

 

કચ્છમાં ખારેકનું બીજ દ્વારા વાવેતર થતું હોવાથી દરેક ઝાડની આગવી લાક્ષણિક્તા છે. દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના ખારેક સંશોધન કેન્દ્રએ ૨૨૫ ઝાડ પસંદ કરીને 100-300 કિલો ઉત્પાદન આપે તેવી જાત છે. કચ્છમાં સારી જાતોને સોપારો, ત્રોફો, ગુળચટી, યાકુબી વગેરે નામથી ઓળખવામાં આવે છે. કચ્છમાં યાકુબી જાતનું વ્યવસ્થિત વાવેતર મુદરામાં થાય છે.

 
 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp