સુરતની સ્મીમેર હોસ્પિટલ ઓક્સિજન લાઈન બંધ થતા 2 દર્દીના મોત થવાનો પરિવારનો આરોપ

PC: careerindia.com

કોરોનાની મહામારી વચ્ચે સુરતની સિવિલ અને સ્મીમેર હોસ્પિટલ કોઈને કોઈ વિવાદમાં સપડાઈ ચૂકી છે. ત્યારે હવે ફરી એક વખત સુરતની સ્મીમેર હોસ્પિટલ વિવાદમાં સપડાઈ છે. સ્મીમેર હોસ્પિટલમાં ઓક્સિજનની લાઈન બંધ થવાના કારણે બે દર્દીઓના મોત થયા હોવાનો કિસ્સો સામે આવ્યો છે.

રિપોર્ટ અનુસાર સુરતની સ્મીમેર હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઇ રહેલા લીંબાભાઈ કાકડીયા અને નરસિંહભાઈ માંગરોળીયા નામના બે દર્દીનું સારવાર દરમિયાન અવશાન થઇ હતું. બંને દર્દીના પરિવારના સભ્યોએ તંત્ર પર આક્ષેપ કર્યો હતો કે, વેન્ટીલેટર પર દર્દીને રાખવામાં આવ્યા હતા અને ત્યારબાદ ઓક્સિજનની સપ્લાય બંધ થવાના કારણે દર્દીઓના મૃત્યુ થયા છે. બંને દર્દીના પરિવારના સભ્યોએ સ્મીમેર હોસ્પિટલના સ્ટાફ પર ગેરવર્તન કરવાના અને સારવાર કરવામાં બેદરકારી રાખવામાં આવતી હોવાના આક્ષેપો કર્યા હતા.

લીંબાભાઈ નામના દર્દીના પુત્ર અજયે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, મારા પિતા લીંબાભાઈ કાકડીયાને ગઈ કાલે સ્મીમેર હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં દાખલ થયા પછી તેમની તબિયત સુધારા પર હતી. તેમને બપોરના સમયે ખીચડી ખાધી અને ત્યારબાદ ઓક્સિજન પર રાખવામાં આવ્યા હતા. ઓક્સિજન માસ્ક ચઢાવ્યા પછી પિતાએ મને કહ્યું કે, અંદરથી હવા આવતી નથી. તેથી હું ડૉક્ટરની પાસે ફરિયાદ કરવા માટે ગયો. તે સમયે ડૉક્ટર મને ખિજાયા અને પછી તેમને મને જવા માટે કહ્યું હતું. ડૉકટર આવ્યા ન હોતા અને મારા પિતાની તબિયત વધારે ખરાબ થઇ હતી. ત્યારબાદ હું ડૉક્ટરની પાસે જઈને ખિજાયો હતો. એટલે ડૉક્ટર મારા પિતાની તપાસ કરવા માટે આવ્યા અને તેમને ઓક્સિજનની નળી તપાસીને કહ્યું કે, આ નળીમાં ઉપરથી સ્પ્લાય બંધ થઇ ગઈ છે. ત્યારબાદ ડૉક્ટર કોઈને ફોન કરીને ચાલ્યા ગયા એટલે હું ફરીથી ડૉક્ટરની પાસે ગયો. પછી ડૉક્ટર ઓક્સિજનની બોટલ લઇને આવ્યા પણ ઓક્સિજન મળ્યું નહીં. ત્યાબાદ મારા પિતાને પમ્પિંગ કર્યું પરંતુ કોઈ રિસ્પોન્સ ન મળ્યો અને પિતાને મૃત જાહેર કર્યા હતા.

અમારી બાજુના બેડ પર પણ જે દર્દી હતા તેમને પણ આ જ પ્રકારની તકલીફ હતી અને તેમનું પણ મોત થયું છે. ત્યારબાદ મારા પિતા અને બાજુના બેડ પર રહેલા દર્દીની બોડીને બાજુ-બાજુમાં રાખી દીધી અને અમને બહાર જવા માટે કહ્યું હતું. ત્યારે મેં ડૉક્ટર બોડીને ઢાંકવાનું કહ્યું ત્યારે તેમને મને એકતા ગ્રુપ વાળા આવશે તેવો જવાબ આપ્યો હતો.

મૃતક નરસિંહભાઈ માંગરોળીયાના પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે, ડૉક્ટરને કહેવા જઈએ તો બરાબર જવાબ ન આપે અને ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરે છે. અમારા પરિવારના સભ્યને બરાબર સારવાર મળી નથી. બ્લડપ્રેસર લો થવાના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમનો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો અને હાલ મૃત્યુબાદ પણ એક રિપોર્ટ કરવામાં આવ્યો હતો. અહિયાના લોકોનું વર્તન ખૂબ જ ખરાબ છે. ચાર પાંચ વખત પૂછવામાં આવે ત્યારે એક વાર જ જવાબ મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp