આપણું આરોગ્ય બગડવા પાછળનું આ પણ એક મોટું કારણ છે

PC: foodnetwork.com

ગુજરાતના ભાલ પ્રાંતમાં ઘઉંની એક પ્રજાતિ છે-ભાલિયા ઘઉં. એમાં વધુ પ્રોટિન અને કેરોટિન જોવા મળે છે તેથી દલિયા અને પાસ્તા બનાવવા માટે ખૂબજ જાણીતા છે. ઘઉંની વેરાઈટી જિયોગ્રાફિકલ આઈડેન્ટિફિકેશનના રુપમાં રજિસ્ટર કરવામાં આવી છે.

ગુજરાતમાં બન્ની ઘાસમાં હાઈ ન્યૂટ્રિશન હોય છે. જેના લીધે ત્યાંની ભેંસ વધુ દૂધ આપે છે. હવે આ ઘાસની વિશેષતાઓને વેલ્યુ એડ કરીને સમગ્ર દેશમાં તેનો પ્રસાર કરી શકાય એમ છે.

ગુજરાતની જાફરાબાદી ભેંસોની ઓળખ ઈન્ટરનેશનલ ટ્રાન્સ-બાઉન્ડ્રી બ્રીડના રુપે કરવામાં આવે છે. એ જ રીતે ભારતની જ ઓંગોલ, ગિર અને કાંકરેજ જેવી ગાયોની જાતિઓ લેટિન અમેરિકન દેશોને ત્યાંના પ્રજનન સુધાર કાર્યક્રમ માટે ઉપલબ્ધ કરાવાઈ હતી.

એક સમયે આપણા ખેડૂતો પોતાને અને પોતાના પશુઓને આખું વર્ષ ઉપરાંત જે ધાન્ય જોઈએ તે ખેતરમાં ઉગાડી લેતા હતા. બધાજ ખેડૂતો પરિવારના પોષણમાં સ્વાયત્ત હતા. વડીલો પાસેથી મળેલું નક્કર જ્ઞાન હતું. ડહાપણ ઘસાતું ચાલ્યું છે. રોકડિયા પાક અને ધનવાન બનવામાં પરંપરાગત બિયારણ નાશ પામી રહ્યાં છે. ઓછા પાણી અને ઓછા ખાતરે વધુ ઉપજ આપતા હાઈબ્રીડ બિયારણ ઉગાડવામાં આવી રહ્યાં છે. ગુણવત્તા નહીં પણ ઉતારો હવે મહત્વનો બની ગયો છે. 

ડાંગરમાં વૈવિધ્ય :-

થોડા સમય પહેલા માણસા તાલુકાના અમરાપુરની ગ્રામભારતીએ ધાન્યની પરંપરાગત જાતોની રાજ્યમાં દેશી - મોજણી અને નોંધણીનો 'કૃષિ વિવિધતા સંશોધન પ્રોજેક્ટ' હાથ ધર્યો હતો. તેમની ડાંગરની મોજણી પ્રમાણે -

દાહોદ જિલ્લામાં વરી, કાળાબાદલ, નવારા, ધણા, કાજલ, બરૂ, કોલંબો, હિંદડી, જેડજીરા, પંખી, ઢીમણી, કોલમ, મસુરી, ગુજરાત, શીતી, વગેરે જેવી જાતો છે.
ડાંગ જિલ્લામાં જયા, કુટિયા, રત્ના, તુળશીયા, કાકુડી, સરબતી, વગેરે જાતો છે. પંચમહાલ જિલ્લામાં કાજોળ, જેડ, ઓરણ, હાઇટી, સુખવેલ, ઢેબરી, ગોળાહાર, ડાભળાહાર, સુતરહાર, શ્રાવણિયા, હાઠી, ઠુમડી, કાળી આશીયાળી, ટુકડી, શિવપુરી, જીરાહાર, સાઠી, કાળી, પાથારિયું, ભાઢોળિયા, ધાણાહાર વગેરે જાતો છે.

ખેડા જિલ્લામાં ઢેબરી, કંકુહાર, સાંઠી, જીરાહાર અને વલસાડ જિલ્લામાં ટાયકુન, બમ્બેક, રચણ, કુડા, કૂટે, સુખવેલ તેમજ સાબરકાંઠા જિલ્લામાં રાતી, સૂતર, ઓકલો જાતો છે. નવસારીના વાંસદામાં જીરીયું, સુરતના વ્યારામાં સુગંધીદાર સ્વાદિષ્ટ કિરલે અને ધોળકામાં બાસમતીનો પાક લેવાય છે.

ચોખાની દરેક જાતની એક આગવી ખાસિયત છે. ઓકલો જાતની ડાંગર સાવ ઓછા પાણીએ પાકે છે, તો જાડી જાતની ડાંગર પકવવા પુષ્કળ પાણી જોઈએ. કોઈ ડાંગર એકરે 100 મણ થાય છે. કીરલે જાત 14 મણ થાય છે. પંચમહાલના શહેરા વિસ્તારમાં થતાં હાઠી (સાઠી) ચોખા 60 દિવસમાં પાકે છે, નવારા 90 દિવસે પાકે. કડાણા વિસ્તારમાં થતી જાત નવારાનો દાણો કાળો અને લાલ પૂંછડીવાળો રંગબેરંગી છે. ફતેપુરા વિસ્તારમાં થતાં પંખી ચોખામાં બાજુ પાંખો હોય છે.
હાલમાં આ જાતો ઉગાડવામાં આવે છે. કેટલીય જાતો નામશેષ થઈ ગઈ છે.



શાક અને અનાજની વેરાયટીનો ભંડાર

બંટી, નાગલી, હોમલી, કાંગ, કુરી, કોદરા, બાવટો, રાજગરો, સામો, મગ, અડદ જેવા ધાન્યની અનેક જાતો થતી.

ઉપવાસમાં ખવાતું બટેટા જેવું કાંદાગોળું, શાક બનાવીને ખવાતી કાનખડી, વાના રોગી માટે અતિ ઉપયોગી એવી વાલાકડી, વરી, ખરસાણી, શાક બનાવીને ખવાતા દોડકા, રાજમા, કુડીદ, મઠ, કળથી, કળોત, અળવી, અસારીયા, શક્કરિયા, પાંદડાંની ભાજી બનાવવામાં વપરાતું આળુ, કાળીજીરી, બાફીને ખવાતા રવા, ગોપચા, હવરો, બીજનો લાડવામાં અને પાંદડાંનો ભાજીમાં ઉપયોગ થાય તેવી માટાની ભાજી, વરઈ, ખીચડી બનાવવા વપરાતો રાડો, રોટલા બનાવવા વપરાતા જવ, દવા માટે ઉપયોગી એવી ગીલોળી છે. બીજી આવી અનેક જાતો છે, જે ખેડૂતો ઉગાડે છે.

એક ખેતર પાક અનેક

ગુજરાતમાં ખેડૂતો એક ખેતરમાં અનેક જાતના પાક લેતા ત્યારે ઓછો કે વધારે વરસાદ કે હવામાન ફેરફાર થાય તો એક પાક નિષ્ફળ રહે તો બીજો પાક થતો હતો. હવે એક જ જાતનો પાક આખા ખેતરમાં લેવામાં આવે છે. જે નિષ્ફળ જાય તો બધું જ ગુમાવવું પડે છે. હિમાલયની 'બારાનાજા' પદ્ધતિમાં એક ખેતરમાં 12 ધાન્ય વાવવામાં આવે છે.
રાજસ્થાનમાં 7 ધાન પદ્ધતિ છે. દક્ષિણ ભારતમાં 'પન્નન્દુ પંટાલુ'  પદ્ધતિમાં ધાન્યને કઠોળ અને તેલીબિયાં સાથે ભેળવીને વાવેતર કરાય છે.

આ ધાન્યોમાં પોષક સારા પ્રમાણમાં પોષક તત્વો છે. કુપોષણ દૂર કરે છે. ગરમી-ઠંડી-વરસાદ વધે ઘટે તો ઘઉં, મગફળી, બાજરો, મકાઈ નાશ પામી શકે પણ બંટી, નાગલી, હોમલી, કાંગ, કુરી, કોદરા, બાવટો, રાજગરો, સામો, મગ, અડદ જેવા બરછટ અનાજ કે તૃણ ધાન્યને હવામાન કે વાતાવરણની ઓછી અસર થાય છે.

વિવિધ અનાજ, વિવિધ હવામાન :-

નાગલીનો પાક ખારાશવાળી જમીનમાં સારો લઈ શકાય છે. સામાનો પાક પણ ઓછી ફળદ્રુપ જમીનમાં સારું ઉત્પાદન આપે છે. મોટા ભાગના બરછટ ધાન્યમાં જૈવિક વિવિધતા જોવા મળે છે. તેમાં ઘઉં-ચોખા કરતાં વધુ ખનીજ તત્વો છે. કેટલાકમાં તો ચોખા કરતાં 50 ગણાં વધુ રેસા છે. નાગલીમાં ચોખા કરતાં 30 ગણું વધારે કેલ્શિયમ છે. કાંગ અને કુરીમાં લોહતત્વ ચોખા કરતાં ઘણું વધારે છે. બીટા કેરોટિન ચોખામાં નથી, પણ આ ધાન્યોમાં ભરપૂર છે.

ધાન્ય બદલાયા, ધન વધ્યું આરોગ્ય કથળ્યું

હરિયાળી ક્રાંતિથી ચોખા અને ઘઉંના ઉત્પાદન વધારી શકી. ચોખાનું ઉત્પાદન 125 ટકા વધ્યું, ઘઉંનું ઉત્પાદન 285 ટકા વધ્યું છે. અનાજની તંગી દૂર આ બે ધાન્યથી થઈ છે. પણ પોષક એવા બીજા ધાન્ય ઘટી ગયા છે. 1956માં આપણા ખોરાકમાં 40 ટકા હિસ્સો અવનવા ધાન્યનો હતો જે, 2006માં ઘટીને 21 ટકા થઈ ગયો છે. આજે રોકડિયો પાક આ ધાન્યોની જગ્યા પચાવી રહ્યા છે. ખેડૂતો અને વેપારીઓ 10 પાક ઉગાડીને આર્થિક સલામત અને સમૃદ્ધ થયા હોઈ શકે પણ ધાન્ય વિવિધતામાં પ્રજા કંગાળ બની છે.  

સંશોધન

અમદાવાદની 'સોસાયટી ફોર રિસર્ચ એન્ડ ઇનિશિયેટીવ્સ ફોર સસ્ટેનેબલ ટેકનોલોજીસ એન્ડ ઇન્સ્ટિટ્યૂટ્સ' (સૃષ્ટિ) સંસ્થાએ પંચમહાલનાં ગામડાંઓમાં લુપ્ત થઈ ગયેલી અને લુપ્ત થવા જઈ રહેલી ધાન્યની જાતો પર સંશોધન કર્યું છે. સૃષ્ટિના સેક્રેટરી રમેશ પટેલ કહે છે કે, 'હાઈબ્રિડ બિયારણ આવવાથી આપણી ઘણી મુળ જાતો નામશેષ થઈ રહી છે. મકાઈની તો ઓરિજિનલ જાત જ નથી રહી. આપણે આપણા મૂળ ધાન્યની જાત પાછી લાવવી પડશે. બિયારણ સાચવવા બેંક હોવી જરૂરી છે. વૈવિધ્ય અનાજ કે ધાન્ય શરીરની સાથે અંતરમનને પોષણ પૂરું પાડે છે. એ ગુમાવીને આપણે ઘણું ગુમાવી રહ્યા છીએ.

મધ્યાહન્ન ભોજન

ઉત્પાદનથી તદ્દન વિપરીત બાજરીની દેશી જાતોનો સોથ વળી ગયો સાથે જ તેનો ઉત્પાદન વિસ્તાર 40 ટકા જેટલો ઘટી ગયો છે. અનાજ પેદા કરતો વિસ્તાર ઘટી રહ્યો છે. કોમર્શિયલ પાક વધી રહ્યો છે. ગુજરાતમાં મગફળી, કપાસ, જીરૂં, વરિયાળી, શેરડી પાક પાછળ વધું ધ્યાન છે. તેથી બીજા પરંપરાગત બિયારણ નાશ પામ્યા છે. 50 જાતના અનાજ અને 50 જાતના કઠોળને સસ્તા અનાજની દુકાન, આંગણ વાડી અને મધ્યહન્ના ભોજન યોજનામાં લાવી દેવામાં આવે તો તેનું ઉત્પાદન વધી શકે અને બાળકોને પોષણ મળી શકે તેમ છે.

ગુજરાત બીજ નિગમ બઘાં મળીને 20થી વધું અનાજ – કઠોળનું વેચાણ કરતું નથી. આવું જ બીજ બનાવતી કંપનીઓનું છે. જેઓ 20 વેરાયટીથી વધું અનેજ-કઠોળના બિયારણો બનાવી શકે તેમ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp