અત્યાર સુધીની સૌથી મોટી તસ્કરી, બેટરીમાં છૂપાવીને દુબઈથી લાવ્યું 32 કિલો સોનું

PC: indiatv.in

સમયાંતરે વિદેશથી ગેરકાયેદસર રીતે દેશમાં લાવવામાં આવતું સોનું ઝડપાય છે. ચોરીને સોનું લાવનાર પણ આ માટે કેટલાય પ્રકારના પેંતરા અજમાવતા હોય છે. આવો જ એક કિસ્સો રાજસ્થાનના પાટનગર જયપુરમાંથી સામે આવ્યો છે. જ્યારે જયપુર એરપોર્ટ પરથી અધિકારીઓએ 32 કિલોનું સોનું ઝડપી પાડ્યું છે. ચોંકાવનારી વાત એ છે કે, આ સોનું ઈમરજન્સી લાઈટ માટેની બેટરીમાં છુપાવીને લાવવામાં આવ્યું હતું.

આ સોનાની કિંમત રૂ. 16 કરોડ હોવાનું માનવામાં આવી રહ્યું છે. કિંમતના હિસાબથી જયપુરની આ અત્યાર સુધીની સૌથી મોટી સોનાની દાણચોરી હોવાનું માનવામાં આવી રહ્યું છે. રિપોર્ટ અનુસાર કસ્ટમ વિભાગે આ સોનાની મોટી દાણચોરીનો પર્દાફાશ કર્યો છે. સુત્રોમાંથી મળતી જાણકારી અનુસાર આ ચોરી માટે એક મોટું કાવતરૂ ઘડવામાં આવ્યું હતું. આ સોનું દુબઈથી ભારત લાવવામાં આવ્યું હતું. આ માટે ચોરે ત્રણ ફ્લાઈટની મદદ લીધી હતી. કસ્ટમ વિભાગે 14 વ્યક્તિઓની ધરપકડ કરી છે. અધિકારીઓ તપાસ કરી રહ્યા છે કે, આટલી મોટી સંખ્યામાં સોનું કોણે મંગાવ્યું હતું. આ અંગે પણ તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

હાલ ઈન્ટરનેશનલ ફ્લાઈટ બંધ છે તેથી જયપુર સુધી આ સોનું કેવી રીતે પહોંચ્યું એની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. કસ્ટમ વિભાગ આ કેસમાં કેટલાક લોકોની પૂછપરછ કરી રહ્યો છે. પરંતુ, તસ્કરી માટે જે આઈડિયાનો ઉપયોગ કરવામાં આવ્યો એની સમગ્ર જયપુરમાં ચર્ચા થઈ રહી છે. જયપુર વહેલી સવારે એરપોર્ટ પર ખાસ વૉચ ગોઠવવામાં આવી હતી ત્યારે આ સોનું ઝડપાયું હતું. કસ્ટમ વિભાગે શંકાસ્પદ 12 લોકોની પૂછપરછ કરી હતી. આ ઘટના પાછળ સપ્લાયર્સ કોણ છે એની પણ તપાસ ચાલું છે. આ પહેલા ઈન્દોરના અહલ્યાબાઈ હોલ્કર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર મિક્સર ગ્રાઈન્ડરના પાર્ટમાં છુપાવીને દુબઈથી સોનું ભારત લાવવામાં આવ્યું હતું. ગ્રાઈન્ડરના નીચેના ભાગમાં આ સોનું છુપાવવામાં આવ્યું હતું. ફેબ્રુઆરી મહિનામાં આ ઘટના બની હતી. જ્યારે ઈન્દોર-દુબઈની ફ્લાઈટ શરૂ થતા ત્રીજી વખત સોનાની દાણચોરી પકડાઈ હતી. કસ્ટમના અધિકારીઓએ 3 કરોડ રૂપિયાનું સોનું જપ્ત કર્યું હતું. એર ઈન્ડિયાની ફ્લાઈટમાં આ સોનું લાવવામાં આવ્યું હતું. એરપોર્ટ પર ચેકિંગ દરમિયાન આ વસ્તુ મળી આવતા ટીમ દોડતી થઈ ગઈ હતી. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp