રાજકોટના 77 વર્ષના વૃદ્ધે પોલીસ કમિશનર પાસે કરી ઈચ્છા મૃત્યુની માગ, જાણો કારણ

PC: youtube.com

રાજકોટમાં રહેતા એક 77 વર્ષના વૃદ્ધે ગૃહ સચિવ અને પોલીસ કમિશનરને આવેદન આપીને ઈચ્છા મૃત્યુની માગ કરી હતી. ઈચ્છા મૃત્યુની માગ કરવાનું કારણ એવું છે કે, રાજકોટમાં આવેલા તેમના ગેરેજ પર કેટલાક ઇસમોએ કબજો કરી લીધો હતો અને ત્યારબાદ ગેરેજને હટાવી દેવામાં આવ્યું હતું. આ બાબતે તેમણે પોલીસ સ્ટેશનમાં પણ અનેક વખત રજૂઆત કરી પરંતુ તેમના પ્રશ્નનોનો કોઈ નિકાલ ન આવતા અંતે વૃદ્ધે ઈચ્છા મૃત્યુની માગ કરી હતી.

એક રિપોર્ટ અનુસાર, રાજકોટના 150 ફૂટ રીંગ રોડ પર આવેલા શ્રીજીનગરમાં વિભાગ 2માં રહેતા 77 વર્ષના કિશોરભાઈ ગોહિલ 36 વર્ષથી હાથીખાના મેઇન રોડ પર 1100 વારની જગ્યા ભાડે રાખીને ફોર-વ્હિલરનું ગેરેજ ચલાવતાં હતા. બે વર્ષ પહેલા તેમને હાર્ટની તકલીફ થતા તેમણે ઓપરેશન કરાવ્યું હતું. ઓપરેશન પછી શરીરમાં અશક્તિ રહેવાના કારણે તેઓ આંખેથી બરાબર જોઈ શકતા નહોતા અને બરાબર ચાલી પણ શકતા નહોતા, તેથી તેઓ પોતાનું ગેરેજ બંધ રાખતા હતા. ઓપરેશનના બે વર્ષ પછી કિશોરભાઈની તબિયત સારી થતા તેઓ 22 જુલાઈના રોજ પોતાના ગેરેજ પર આંટો મારવા માટે ગયા હતા.

કિશોરભાઈએ ગેરેજ પર જઈને જોયું તો તેમને આઘાત લાગ્યો હતો કારણ કે, તેમણે જે જગ્યા પર ગેરેજ બનાવ્યું હતું, તે જગ્યા પર ગેરેજ હતું નહીં અને ખાલી મેદાન જોવા મળ્યું હતું. આ બાબત અંગે જ્યારે કિશોરભાઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા માટે ગયા હતા ત્યારે પોલીસે તેમને તે જગ્યા પર ગેરેજ હોવાના પુરાવાઓ લઇને આવા માટેનું કહ્યું હતું. આમ પોલીસમાં વારંવાર અરજી કરવાથી પણ કોઈ કાર્યવાહી ન થતા તેમણે ગૃહ સચિવને ઉદ્દેશીને કરેલી અરજીમાં અને પોલીસ કમિશનરને આપવામાં આવેલા આવેદનમાં ઈચ્છા મૃત્યુની માગ કરી હતી.

કિશોરભાઈએ જણાવ્યું હતું કે, મારું ગેરેજ તે જગ્યા પર રહ્યું નથી અને ગેરેજમાં રહેલો લાખો રૂપિયાનો સામાન અને મશીનરી પણ ગાયબ છે. મારી કમનસીબી એ છે કે, હું બધા પુરાવાઓ મારા ગેરેજમાં રાખતો હતો, પરંતુ હવે ગેરેજ જ નથી તો પુરાવાઓ ક્યાંથી લાવું. મારા કસ્ટમરને પણ ખબર છે કે, મારું ગેરેજ તે જગ્યા પર હતું કારણ કે, તેઓ મારી પાસે તેમની કાર રીપેરીંગ કરાવવા માટે આવતા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp