માંગરોળમાં 45 કરોડના વિકાસકામોને રાજ્ય સરકારે મંજૂરી આપી છે: ગણપતસિંહ વસાવા

PC: Khabarchhe.com

વન, આદિજાતિ વિકાસ, મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ગણપતસિંહ વસાવાના હસ્તે માંગરોળ તાલુકાના વિવિધ ગામોમાં રૂ.6.36 કરોડના ખર્ચે વિવિધ વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરાયું હતું. તેમણે માંગરોળ તાલુકાના કંટવાવ ગામે રૂ.47 લાખના ખર્ચે CM ગ્રામ સડક યોજના હેઠળ સ્ટેટ હાઈવેને જોડતાં રિસર્ફેસિંગ થયેલાં એપ્રોચ રોડ, રૂ. 56 લાખના ખર્ચે આંબાવાડી-ખાડીપાર રોડ, રૂ.47 લાખના ખર્ચે ભીલવાડા-પાણીઆમલી રોડ, રૂ.58 લાખના ખર્ચે મોટીફળી-પાણીઆમલી રોડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જ્યારે કોસાડી ગામે કિમ નદી પાસે રૂ.4.28 કરોડના ખર્ચે આદિવાસી ફળીયામાં 580 મીટર લંબાઈની પુરસંરક્ષણ દિવાલનું તેમણે ખાતમુહૂર્ત કર્યું હતું.

આ કાર્યક્રમમાં ગણપતસિંહ વસાવાએ જણાવ્યું હતું કે, વર્તમાન સરકારે નાના અને અંતરિયાળ ગામોમાં પણ અનેકવિધ વિકાસકામોની સાથોસાથ પાકા રોડ રસ્તાની સુવિધા ઉભી કરી છે. ભુતકાળની સરકારમાં વિકાસકામોના નામે માત્ર હેન્ડ પમ્પ અને પાણીના ટેન્કર આપવામાં આવતા હતાં. આજે રાજ્ય સરકારે શિક્ષણ, સ્વાસ્થ્ય, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કૃષિ અને પશુપાલન જેવા અનેક ક્ષેત્રોમાં કરોડો રૂપિયાના વિકાસકામો ઝડપભેર સાકાર કર્યા છે. રાજ્ય સરકારે વિકાસની યાત્રાને આગળ વધારતા માંગરોળ વિધાનસભા વિસ્તારમાં વધુ રૂ.45 કરોડના વિકાસકામોને મંજૂરી આપી હોવાનું તેમણે ગર્વથી જણાવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું કે, રૂ.570 કરોડની ગોરધા વડ કાકરાપાર ઉદ્દવહન સિંચાઈ યોજના સાકાર થતાં આદિવાસી ખેડૂતોના જીવન સમૃદ્ધિસભર બનશે. આ વિસ્તારના આસપાસના 28 ગામોમાં પાણી પહોંચતા ખેડૂતો ખુશખુશાલ છે. માંગરોળ અને ઉમરપાડા તાલુકામાં આવનારા દિવસોમાં રૂ.45 કરોડના વધુ વિકાસકામો માટે રાજ્ય સરકારની મંજૂરી મળી ગઈ હોવાનું જણાવી આદિજાતિ વિસ્તારમાં પ્રત્યેક કિલોમીટરના વિસ્તારમાં વિકાસકામોની વણઝાર ચાલી રહી છે એમ જણાવી તેમણે આદિવાસી વિસ્તારોમાં રાજ્ય સરકારની વિકાસની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

આ વેળાએ તેમણે ગોરધા વડ કાકરાપાર ઉદ્દવહન સિંચાઈ યોજના હેઠળ લવેટ ગામે સિંચાઈનું પાણી આવી પહોંચતા તાપી મૈયાના નીરના વધામણા કર્યા હતા. આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ જગદીશ ગામીત, અગ્રણી દિલીપસિંહ રાઠોડ, ચંદનબેન ગામીત સહિત સરપંચો, ગ્રામજનો, અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp