65 વર્ષની ઉંમરે બીજા લગ્ન કરશે હરીશ સાલ્વે, જાણો કોણ છે તેમની ભાવિ પત્ની

PC: Pledge Times

પૂર્વ સોલિસિટર જનરલ હરીશ સાલ્વે આવતા અઠવાડિયે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. હરીશ સાલ્વે દેશના જાણીતા વકીલ અને બ્રિટનમાં ક્વીન્સ કાઉન્સિલર છે. 65 વર્ષીય હરીશ સાલ્વેએ ગયા મહિને જ પોતાના 38 વર્ષીય વૈવાહિક જીવનને તિલાંજલિ આપીને પોતાની પત્ની મીનાક્ષી સાલ્વે સાથે છૂટાછેડા લઈને કાયદાકીય રીતે અલગ થઈ ગયા હતા. હરીશ સાલ્વે અને મિનાક્ષીની બે દીકરીઓ પણ છે. હરીશ સાલ્વે પોતાની મિત્ર કેરોલિન બ્રોસર્ડ સાથે 28 ઓક્ટોબરના રોજ લંડનની એક ચર્ચમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. બંનેના આ બીજા લગ્ન છે. હરીશ સાલ્વે પણ ધર્મ બદલીને હવે ઈસાઈ બની ચૂક્યા છે. પોતાની થનારી પત્ની કેરોલિન બ્રોસર્ડ સાથે તે છેલ્લા બે વર્ષથી નિયમિત ઉત્તરી લંડનમાં ચર્ચમાં જાય છે.

હરીશ સાલ્વે અને કેરોલિન બંનેના આ બીજા લગ્ન છે. વ્યવસાયે એક્ટર કેરોલિન બ્રોસર્ડ 56 વર્ષની છે અને તેને એક દીકરી છે. હરીશ સાલ્વેની કેરોલિન બ્રોસર્ડ સાથે મુલાકાત આર્ટ એગ્ઝિબિશનમા થઈ હતી. બંને વચ્ચેની મુલાકાત ધીરે ધીરે ઊંડી થતી ગઈ. વકીલ હરીશ સાલ્વે છૂટાછેડા બાદ બાળકોથી દૂર રહ્યા પછી પણ કેરોલિને તેમને ભાવાત્મક રૂપે સંભાળ્યા. બંને વચ્ચે અન્ડરસ્ટેન્ડિંગ થઈ અને વાત આગળ જિંદગી એક સાથે વિતાવવા સુધી આવી પહોંચી. ચીફ જસ્ટિસ શરદ અરવિંદ બોબડે અને હરીશ સાલ્વે બંનેનો અભ્યાસ એક જ શાળામાં થયો છે. બંને નાગપુર શહેરમાં અભ્યાસ કરતાં હતા.

વર્ષ 1976માં સાલ્વે દિલ્હી ગયા અને અરવિંદ બોબડે મુંબઈ હાઈ કોર્ટ. બાદમાં અરવિંદ બોબડે હાઈ કોર્ટના જજ બની ગયા અને સાલ્વે સીનિયર એડવોકેટ અને પછી સોલિસિટર જનરલ બની ગયા. હરીશ સાલ્વે શરૂઆતથી જ પોતાની પ્રતિભાના કારણે જાણીતા વકીલ રહ્યા છે. આજ કારણથી ભારત સરકારે સોલિસિટર જનરલ તરીકે તેમને નિમણૂક કર્યા હતા. સાલ્વે કુલભૂષણ જાધવ સહિત આંતરરાષ્ટ્રીય કેસોમાં ભારત સરકારનો કેસ લડીને દેશને ગૌરવાન્વીત કરી ચૂક્યા છે. ભારત સરકારના વિદેશ મંત્રી દિવંગત સુષમા સ્વરાજના આગ્રહ પર તેમણે આ કેસની સુનાવાણી માટે માત્ર એક રૂપિયાની ફી લીધી હતી. દેશ દુનિયામાં જાણીતા અને નામી ઉદ્યોગપતિઓ અને કંપનીઓ વોડાફોન, રિલાયન્સ, મુકેશ અંબાણી, રતન ટાટા જેવા મોટા નામો માટે કાયદાકીય બાબતોની કોર્ટમાં રજૂઆત પણ હરીશ સાલ્વેએ જ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp