લો બોલો કુંભ મેળાના નામ પર રેલવેએ ભાડામાં ત્રણ ગણો વધારો કરી દીધો

PC: zeenews.india.com

કુંભમેળાની શરૂઆત પહેલાં જે  ટ્રેનો રૂટિન ચાલતી હતી તેવી ટ્રેનોના નંબરની આગળ રેલવેએ માત્ર ઝીરો ઉમેરીને શ્રધ્ધાળુઓના ગજવા ખાલી કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. રેલવેએ 18 ટ્રેનોના જૂના નંબરોની આગળ ઝીરો લગાવીને કુંભ સ્પેશિયલ ટ્રેનનું નામ આપી દીધુ છે, ખરેખર તો આ ટ્રેનો પહેલાથી ચાલી જ રહી છે. કુંભ સ્પેશિલ ટ્રેનનું નામ આપીને રેલવે શ્રધ્ધાળુંઓ પાસેથી ત્રણ ગણું ભાડું વસુલતી હોવાનું જાણવા મળ્યું છે.

 કુંભમેળાની શરૂઆત 14  જાન્યુઆરીથી થઇ ચુકી છે અને એપ્રિલ મહિના સુધી ચાલશે, આ વખતે કુંભ મેળો હરિદ્રારમાં થવાનો છે.  કુંભ મેળા પહેલાં ચાલતી  હરિદ્રારથી મુરાદાબાદની 18 ટ્રેનોને રેલવેએ કુંભ સ્પેશિયલ નામ આપીને ફરી શરૂ કરી છે. કોરોના કાળમાં  જે ટ્રેનોના ભાડા સામાન્ય હતા તેમાં રેલવેએ ત્રણ ગણું ભાડું વધારી દીધું છે. રેલવેએ કારીગરી એવી કરી છે કે ટ્રેનોના જૂના નંબરોની આગળ માત્ર ઝીરો ઉમેરી દીધો છે અને સ્પેશિયલ ટ્રેનનું નામ આપી દીધું છે.

હરિદ્વારથી મુરાદાબાદ જવા માટે ઉપાસના એકસપ્રેસ ટ્રેનનું સ્લીપરનું ભાડું 170 રૂપિયા હતું  જે સ્પેશિયલ કુંભ ટ્રેનના નામે 415 રૂપિયા કરી દેવામાં આવ્યું છે. એની સાથે ફર્સ્ટ અને સેકન્ડ એસીના ભાડામાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે. ટ્રેનોના ભાડાં વધવાને કારણે યાત્રીઓ હવે બસમાં ધસારો કરી રહ્યા છે.

 આ ટ્રેનના નંબર બદલીને ભાડાં ત્રણ ગણાં કરી દેવાયા

02369 કુંભ એકસપ્રેસ સ્લીપર પહેલાં 170, હવે 415

03009 દૂન એકસપ્રેસ સ્લીપર પહેલા 170, હવે 355

05005 ગંગા-રાપ્તી સ્લીપર પહેલાં 140, હવે 385

03010 યોગનગરી હાવડા પહેલાં 170, હવે 385

02327 ઉપાસના  સુપર ફાસ્ટ પહેલાં 170, હવે 415

કુંભમેળાના પવિત્ર શાહી સ્નાન માટે દેશભરમાંથી લાખો શ્રધ્ધાળુઓ જતા હોય છે. કોરોના મહામારી વચ્ચે પણ દેશના આધ્યાત્મિક રાજધાની ગણાતા હરિદ્રારમાં કરોડો રૂપિયાના ખર્ચે કુંભ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આમ તો કુંભ મેળાનું આયોજન  બાર વર્ષ પછી થતું હોય છે, પરંતું આવતા વર્ષે ગુરુ કુંભ રાશિમાં નહીં હોવાને કારણે એક વર્ષ પહેલાં  એટલે કે 11મા વર્ષે કુંભ મેળાનું આયોજન કરી દેવામાં આવ્યું છે. કુંભ મેળામાં સામાન્ય લોકો અને  મોટી સંખ્યામાં સાધુઓ પણ શાહી સ્નાન મોટા એકઠાં થતા હોય છે.

 

 

 

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp