અમદાવાદમાં ઘેર બેઠા કોરોના ટ્રીટમેન્ટ, બોગસ ડૉક્ટર ટોળીએ 1.50 લાખ પડાવ્યા, મોત

PC: amarujala.com

ગુજરાતમાં કોરોના સંક્રમણના જેટલા કેસો થાય છે તે પૈકીના 80 ટકા કેસોમાં ઘરમાં ક્વોરન્ટાઇન થઇને સારવાર આપવામાં આવતી હોય છે. આ દર્દીઓ કે જેઓ ઘરે ગાઇડન્સ લઇને સારવાર કરતાં હોય છે તેમણે ચેતી જવું જોઇએ, કારણ કે કોરોનાકાળમાં લૂંટારૂ ટોળકી સક્રિય બની છે અને દર્દી સાથે ચેડાં કરી લાખો રૂપિયા પડાવી રહી છે.

કોઇપણ ડોક્ટરનું પ્રિક્શિપ્સન લેતાં પહેલાં હજાર વખત વિચાર કરવો જોઇએ. પરિચિત ડોક્ટર સિવાય કોઇની પાસે રૂપિયા આપીને સારવાર કરાવવી એ મૂર્ખામી ભર્યું પહલું છે. અમદાવાદમાં એક એવો કિસ્સો બન્યો છે કે જેમાં બોગસ ડોક્ટરોની ટોળીએ એક મહિલા પાસેથી 1.50 લાખ રૂપિયા પડાવ્યા છે. આટલો ખર્ચ તો સામાન્ય હોસ્પિટલમાં દાખલ થાવ ત્યારે પણ થતો નથી.

અમદાવાદના અમરાઇવાડી વિસ્તારમાં ઘરે સારવાર આપવાના બહાને બોગસ ડોક્ટર અને તેની ટોળકીએ દર્દી પાસેથી લાખો રૂપિયા પડાવ્યા છે. ખોખરા વિસ્તારમાં રહેતી મહિલાના પતિ શાહીબાગમાં પ્રિન્ટીંગ પ્રેસમાં નોકરી કરે છે. પતિને કોરોના લક્ષણ જણાતા સિટી સ્કેન કરાવવામાં આવ્યો હતો જેમાં તેમનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો.

કોરોના પોઝિટીવ દર્દીએ હોમ આઇસોલેશનમાં રહીને સારવાર કરવાનું નક્કી કર્યું હતું. પાડોશીના કહેવા પ્રમાણે મહિલાએ પતિની સારવાર માટે ડોક્ટર ઘરે બોલાવ્યા હતા. આ ટોળકી કોરોના દર્દીના પરિવારજનો પાસેથી એક દિવસના 10 હજાર રૂપિયા પડાવતી હતી. ડોક્ટર સાથે એક નર્સ પણ આવીને પતિને બાટલા ચઢાવતી હતી અને દવા આપતી હતી. બીજી તરફ ડોક્ટરની સાથે અન્ય એક વ્યક્તિ પણ વિઝીટ માટે આવતો હતો. આ સારવાર 15 દિવસ સુધી ચાલી હતી.

આ પરિવારે સારવારના ખર્ચ પેટે આ ડોક્ટર ટોળીને 1.50 લાખ રૂપિયા ચૂકવી દીધા હતા પરંતુ પતિની તબિયત લથડતાં પત્નીને શંકા ગઇ હતી. તેણીએ ડોક્ટરને પૂછ્યું કે તમે કઇ હોસ્પિટલમાંથી આવો છો અને તમારી પાસે કઇ ડીગ્રી છે ત્યારે ડોક્ટરે કોઇ જવાબ આપ્યો ન હતો. પતિની તબિયત વધારે બગડતાં તેમને 108 મારફતે સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમ્યાન તેમનું મોત થયું હતું. આ કેસમાં સારવાર કરી રહેલા ડોક્ટર, નર્સ અને અન્ય વક્તિને પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યા હતા. તપાસમાં ડોક્ટર બોગસ નિકળ્યો હતો.

ક્વોરન્ટાઇન થતાં પરિવારો માટે ચેતવણીરૂપ આ કિસ્સો છે. સામાન્ય રીતે ફેમિલિ ડોક્ટર કોરોના દર્દીને જ્યારે ઘરે સારવાર આપે છે ત્યારે તે તેની નિયત ફી એક વખત લેતા હોય છે. દવાઓ તો બહારથી લખી આપે છે. માત્ર કન્સલ્ટન્સી કરવાની નિયત ફી જે 200 થી 1000 રૂપિયા હોય છે તે લેતા હોય છે અને દર્દીઓને ઘરે કન્સલ્ટ કરીને સ્વસ્થ કરી દેતા હોય છે. આ કિસ્સામાં નર્સ મહિલા હજી ફરાર છે તેની શોધખોળ ચાલી રહી છે.

પોલીસ ફરિયાદ પછી જાણવા મળ્યું કે નર્સ તરીકે સેવા આપતી મહિલા વટવામાં ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરે છે. અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં આ ડોક્ટર ટોળકી સામે ફરિયાદ નોંધવામાં આવી છે. આ કિસ્સામાં નર્સ મહિલા હજી ફરાર છે તેની શોધખોળ ચાલી રહી છે. 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp