PM મોદીને ટીકા કરતા લોકો નથી ગમતા, આ વાત પૂરી રીતે સાચી નથી!

PC: dnaindia.com

ગુજરાતમાં અને દિલ્હીમાં ભાજપનું રાજકારણ બદલાયું છે. પાર્ટીના વિશ્વાસુ કાર્યકર્તાઓને હોદ્દા આપવાની જગ્યાએ વિરોધીઓને પ્રેમથી ઉચ્ચ આસને બેસાડી દેવામાં આવતાં તેઓ ટીકા કરતાં અટકી ગયા છે. આવા કિસ્સાઓ ગુજરાતમાં બન્યા છે અને દિલ્હીમાં પણ બનતા રહ્યાં છે.

રશિયાના ઝારના મહામંત્રીએ એક દિવસ પોતાના સચિવને બોલાવીને સૂચના આપી કહ્યું કે- જે લેખકો પોતાના લેખમાં મારી આલોચના કરે છે તેમની યાદી બનાવી લાવો... આદેશ પ્રમાણે સચિવે 100 લેખકોની યાદી બનાવી અને રજૂ કરી ત્યારે મહામંત્રીએ કહ્યું કે- હવે સૌથી કઠોર આલોચના કરી હોય તેને મારી સામે રજૂ કરો...

સચિવને એમ કે આ લેખકને સજા થશે, પરંતુ મહામંત્રીએ તેને બોલાવીને કાર્યાલયમાં ઉચ્ચપદે નિયુક્ત કરી દીધા. સચિવે આમ કરવાનું કારણ પૂછ્યું તો મહામંત્રીએ કહ્યું કે- સૌથી કઠોર આલોચક જ આપણો સાચો હિતેચ્છુ હોય છે, કારણ કે ખુશામત કરનારા તો આપણા માર્ગમાં અવરોધરૂપ બને છે. આપણા પ્રાઇમ મિનિસ્ટર પણ આલોચકોને સૌથી ઉંચી પદવીએ બેસાડે છે.

બસ આ જ રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના નેતાઓ કામ કરી રહ્યાં છે. ભૂતકાળમાં તેમના જે આલોચકો હતા તેઓને મોદીએ શાસનમાં આવ્યા પછી ઉચ્ચપદ આપ્યાં છે. કોંગ્રેસે મોદીની આ સ્ટાઇલમાંથી બોધપાઠ લેવો જોઇએ. મોદીના આલોચકોમાં સ્મૃતિ ઇરાનીનું નામ સૌથી ઉપર હતું આજે તેઓ કેન્દ્રીય કેબિનેટમાં પ્રધાન છે. કોંગ્રેસના એવા કેટલાય નેતાઓ છે કે જેમને કોંગ્રેસમાંથી રાજીનામું અપાવીને ભાજપમાં સમાવી લેવામાં આવ્યા છે. આ નેતાઓ પહેલાં આક્ષેપો અને ટીકાઓ કરતા હતા પરંતુ હવે ગુણગાન ગાઇ રહ્યાં છે.

ગુજરાતમાં ગોરધન ઝડફિયાએ શપથવિધિ સમયે જ શપથ લેવાનો ઇન્કાર કરી દીધો હતો અને નવી પાર્ટી બનાવી હતી. આજે ઝડફિયા રાષ્ટ્રીય ભાજપમાં અગ્રસ્થાને છે. આવા સંખ્યાબંધ ઉદાહરણો ગુજરાતે અને દિલ્હીએ જોયાં છે. ગુજરાતમાં નરહરિ અમીન અને વિઠ્ઠલ રાદડિયા જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે તેમણે કોઇપણ ચૂંટણીમાં ભાજપ અને નરેન્દ્ર મોદી સામે આક્ષેપો જ કર્યા હતા. હવે કોંગ્રેસના આ વિરોધીઓ ભાજપને સારા લાગ્યા છે.

2017ની વિધાનસભામાં ચૂંટણીમાં નરેન્દ્ર મોદીને ભરપેટ ગાળો આપનારા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યો કુંવરજી બાવળિયા, હકુભા જાડેજા અને જવાહર ચાવડાને મોદી તેમજ ભાજપ સારૂં લાગ્યું છે. કોંગ્રેસના નખશીખ કાર્યકર્તાઓના રૂપમાંથી ઉભરી રહેલા આ ત્રણેય પક્ષપલ્ટુ નેતાઓને મોદીના કામો સારાં લાગે છે કારણ કે તેઓ રૂપાણી સરકારમાં કેબિનેટ મંત્રીના પદ ભોગવી રહ્યાં છે.

ભાજપમાં હવે શિસ્ત, સિદ્ધાંતો અને પાર્ટી વીથ ધ ડિફરન્સને વિદાય આપી દેવામાં આવી છે, એવી ટીકા થાય છે પરંતુ રાજકારણ નેતાઓના હિસાબે બદલાતું હોય છે. પૂર્વ નેતાઓએ જે નીતિ અપનાવી તે પછીના નેતાઓ પણ અપનાવે તે જરૂરી નથી હોતું. કોંગ્રેસ મુક્ત ગુજરાત બનાવવાના કોલ દેનારા હવે કોંગ્રેસને ભાજપયુક્ત બનાવી રહ્યાં છે. એટલે જ રાજનીતિમાં કહેવાય છે કે- મોટા વિરોધીને મોટું પદ આપીને મિત્ર બનાવી દો, તેનો રોષ આપોઆપ શાંત થઇ જશે અને તે તમારા ગુણગાન ગાવા લાગશે. ભાજપની દિશા જોતાં એવું લાગે છે કે તેણે રશિયન રાજનીતિના પાઠ બરાબર ભણ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp