સુરતમાં ડ્રોન કેમેરામાં ભજીયા પાર્ટી કરતા લોકો દેખાયા, પોલીસે કરી કાર્યવાહી

PC: Khabarchhe.com

દેશમાં કોરોના વાયરસના કારણે 21 દિવસનું લોકડાઉન આપવામાં આવ્યું છે ત્યારે લોકોને કામ વગર ઘરની બહાર નહીં નીકળવાની સલાહ આપવામાં આવી છે. સુરતમાં તો લોકોએ તેમની સોસાયટીની બહાર બોર્ડ લગાવ્યા છે કે, બહારના વ્યક્તિઓએ સોસાયટીની અંદર પ્રવેશ કરવો નહીં. સોસાયટીઓની બહાર આવા બોર્ડ હોવા છતા પણ લોકો સોસાયટીની અંદર આવેલા કોમન પ્લોટમાં અથવા તો સોસાયટીના કમ્પાઉન્ડમાં એકઠા થઈને ગપાટા મારતા અથવા તો પ્રોગ્રામ કરતા જોવા મળતા હતા ત્યારે સોસાયટીઓની અંદર એકઠા થતા લોકો સામે કાર્યવાહી કરવા માટે ગુજરાત પોલીસ દ્વારા એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. પોલીસ સોસાયટીઓ ઉપરથી ડ્રોન કેમેરો ઉડાડીને સોસાયટીમાં એકઠા થતા લોકોની સામે કાર્યવાહી કરી રહી છે. ડ્રોન ઉડાડીને જાહેરનામા ભંગ બદલ પોલીસે લોકોની સામે ગુના પણ દાખલ કર્યા છે. સુરતમાં પણ પોલીસે ડ્રોન કેમેરો ઉડાડીને હાઇરાઈઝના ધાબા પર ભજીયાનો પ્રોગ્રામ કરી રહેલા લોકો સામે ગુનો નોંધીને કાર્યવાહી શરૂ કરી છે.

રિપોર્ટ અનુસાર ઘરની બહાર અને હાઇરાઈઝના ટેરેસ પર એકઠા થતા લોકો સામે કાર્યવાહી કરવા માટે સુરત પોલીસે પણ હવે ડ્રોન કેમેરાની મદદ લીધી છે. સુરતના સરથાણા વિસ્તારમાં આવેલી રાજહંસ સ્વપ્ન હાઇરાઈઝના 11માં માળ પર કેટલાક લોકો એક થઈને ભજીયાનો પ્રોગ્રામ કરી રહ્યા હતા ત્યારે તેમને ખબર નહોતી કે પોલીસનું ડ્રોન 11માં માળ સુધી પહોંચી જશે અને તેમના ભજીયાના પ્રોગ્રામની તમામ ગતિવિધિ પોલીસ જોઈ લેશે. હવામાં ઉડતું પોલીસનું ડ્રોન જોતાની સાથે જ કેટલાક લોકો શાકભાજી કટીંગ કરતા-કરતા ભાગ્યા હતા, તો કેટલાક લોકો તેમના સ્થાને બેઠા રહ્યા હતા. ભજીયાનો પ્રોગ્રામ કરતા લોકોનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયો છે. ભજીયાનો પ્રોગ્રામ કેમેરામાં કેદ થતા પોલીસ તે જગ્યા પર પહોંચી હતી અને તમામ લોકો સામે જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી કરી હતી.

ઉલ્લેખનીય છે કે, લોકડાઉનમાં પોલીસે જાહેરનામા ભંગના 188 કલમ હેઠળ 256 ગુના, 269,270,271 કલમ હેઠળ 866 ગુના, ડ્રોન કેમેરા દ્વાર 79 કેસ નોંધાયા છે અને CCTV સર્વેલન્સ દ્વારા 6 ગુના નોંધ્યા છે. આ ઉપરાંત સાયબર ક્રાઈમ હેઠળ 13 ગુના દાખલ કરી કુલ 1,839 લોકોની અટકાયત કરવામાં આવી છે અને 4,986 જેટલા વાહનોને ડિટેઇન કરવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp