સુરતમાં ઓનલાઈન ધંધો ઠપ થતા વેપારીએ ઓફિસમાં ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

PC: news18.com

રાજ્યમાં કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે પરંતુ કોરોના સંક્રમણને કાબુમાં લેવા માટે કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. લોકડાઉનના કારણે મોટાભાગના ધંધા-ઉદ્યોગ બે મહિના જેટલો સમય બંધ રહ્યા હતા. ધંધાઓ બંધ થતાં લોકોને આર્થિક સંકડામણનો સામનો કરવો પડ્યો હતો. આર્થિક સંકડામણના કારણે વેપારી અને શ્રમિકોએ આપઘાત કર્યા હોવાના કિસ્સા અવાર નવાર સામે આવી રહ્યા છે. ત્યારે સુરતમાં વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક વેપારીનો ઓનલાઇન બિઝનેસ કોરોનાની મહામારી વચ્ચે ઠપ થઇ જતાં વેપારીએ આર્થિક સંકડામણમાં આવીને પોતાની જ ઓફિસમાં ગળેફાંસો ખાઇને આપઘાત કર્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી સમગ્ર મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી.

રિપોર્ટ અનુસાર સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલ રોયલ રેસિડેન્સીમાં 26 વર્ષનો તરુણ ગુંદરણીયા નામનો યુવક પરિવારની સાથે રહેતો હતો. તરુણ ગુંદરણીયા સુરત મોટા વરાછા વિસ્તારના લજામણી ચોક નજીક આવેલા એક શોપિંગમાં ઓનલાઇનનો વેપાર કરતો હતો. આ ધંધો પણ તેને એક મિત્ર સાથે ભાગીદારીમાં શરૂ કર્યો હતો પરંતુ કોરોનાની મહામારી વચ્ચે તેનો ઓનલાઇનનો બિઝનેસ ઠપ થઈ ગયો હતો. જેથી તે વેપાર નહીં ચાલતા સતત માનસિક તણાવમાં રહેતો હતો અને પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ થઈ ગયું હોવાના કારણે તરુણે પોતાની ઓફિસમાં જ ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હતો.

તરુણે પોતાની દુકાનમાં ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાની જાણ પાડોશી દુકાનદારને થતાં તેમણે સમગ્ર ઘટનાની જાણ તરુણના પરિવારજનો અને પોલીસને કરી હતી. તેથી પરિવારના સભ્યો અને પોલીસ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. તરુણે ગળેફાંસો ખાઇને આપઘાત કર્યો હોવાથી પરિવારના સભ્યોમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો. તો બીજી તરફ પોલીસે તરુણના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. મહત્ત્વની વાત છે કે, કોરોનાની મહામારી વચ્ચે આપવામાં આવેલા લોકડાઉનમાં તરુણે જરૂરિયાતમંદ લોકોની મદદ કરી હતી પરંતુ લોકોને મદદ કરનાર યુવકનો ધંધો ઠપ થઇ જતાં તેને માનસિક તણાવમાં આવી આપઘાત કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp