ગુજરાતમાં લોકડાઉન થવાના ભયે વાપી-વલસાડની કંપનીના શ્રમિકો કરી રહ્યા છે હિજરત

PC: divyabhaskar.co.in

રાજ્યમાં ફરીથી કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે રાજ્ય સરકાર દ્વારા ચાર મહાનગરોમાં રાત્રી કર્ફ્યૂ લાગુ કર્યો છે. તેથી ફરીથી લોકડાઉન આવશે તેવી ભીતિને કારણે શ્રમિકો સ્થળાંતર કરી રહ્યા છે. મહત્ત્વની વાત છે કે, દેશમાં કોરોનાનું સંક્રમણ ઓછું કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા માર્ચ 2020માં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. જેથી દેશમાં બસ અને ટ્રેન જેવી તમામ સુવિધાઓ બંધ કરવામાં આવી હતી અને શ્રમિકોને પગપાળા પોતાના વતન જવાનો વારો આવ્યો હતો. ત્યારે હવે અનલોકમાં ધંધા-ઉદ્યોગને છૂટછાટ આપવામાં આવતા શ્રમિકો પોતાના વતનથી પરત ફર્યા છે પરંતુ દિવાળી બાદ કોરોનાનું સંક્રમણ વધતા ફરી લોકડાઉન થશે તેવી ચર્ચાઓ શરૂ થઇ રહી છે. જેના કારણે વલસાડ અને વાપીમાં કામ કરતા શ્રમિકો પોતાના વતન તરફ હિજરત કરતા જોવા મળ્યા છે.

વાપી અને દમણની કામ કંપનીઓમાં કામ કરતા રાજસ્થાન, બિહાર, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશના શ્રમિકો ખાનગી લક્ઝરી બસોમાં વતન જવા માટે નેશનલ હાઈ-વે પર પહોંચ્યા હતા. વર્તમાન સમયમાં ટ્રેનની ટિકિટ નહીં મળતા શ્રમિકોને ખાનગી બસોમાં જવાનો વારો આવ્યો છે પરંતુ ખાનગી બસો દ્વારા શ્રમિકોની મજબૂરીનો લાભ ઉઠાવીને તેમની પાસેથી વધારે ભાડું લેવામાં આવી રહ્યુ છે. મહત્ત્વની વાત છે કે, માર્ચ 2020માં આપવામાં આવેલા લોકડાઉનમાં વલસાડ-વાપીથી 70% શ્રમિકો હિજરત કરીને વતન ગયા હતા અને હાલ લોકડાઉનની ચર્ચા વહેતી થતા ફરીથી શ્રમિકો હિજરત કરી રહ્યા છે.

વતન તરફ હિજરત કરી રહેલા રાજસ્થાનના ભીલવાડાના મોહન રાજપૂતે જણાવ્યું હતું કે, અનલોક થતા બે મહિના પહેલા વાપીની કંપનીમાં કામ કરવા માટે આવ્યો હતો. પરંતુ હવે ફરીથી લોકડાઉન થવાનું છે તેવી માહિતી મળી રહી છે. એટલે હું પરિવારની સાથે પરત રાજસ્થાન જઈ રહ્યો છું. કારણ કે, લોકડાઉન થાય તો વતનમાં જવા માટે ખૂબ મુશ્કેલી થાય એટલે અગાઉથી મારા વતનમાં પરિવારની સાથે જવાનો નિર્ણય કર્યો છે.

બિહારના પટનામાં રહેતા અનિલ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. એટલા માટે ફરીથી લોકડાઉન થવાની સંભાવના છે અને એટલા માટે હું મારા વતનમાં જઈ રહ્યો છું. મારા વતનમાં હનુમાનજીના ભંડારોનો કાર્યક્રમ પણ છે અને ટ્રેનની ટિકિટ મળતી નથી. એટલા માટે લક્ઝરી બસનો સહારો લઈને હું મારા વતન જઈ રહ્યો છું. હું દમણની કંપનીમાં કામ કરું છું અને થોડા સમય પહેલાં જ વતનથી આ કંપનીમાં કામ કરવા માટે આવ્યો છું.

રાજસ્થાનના ગંગાપુરમાં રહેતા અને વાપીની કંપનીમાં કામ કરતા પ્રભુ પુરોહિતે જણાવ્યું હતું કે,અનલોકમાં અઢી મહિના પહેલાં હું વાપીમાં કામ કરવા માટે આવ્યો હતો પરંતુ હવે ફરીથી લોકડાઉન થશે એવી વાતો થઇ રહી છે. પરિવારને કોઇ પણ પ્રકારની તકલીફ ન પડે એટલા માટે અમે પરિવારની સાથે લક્ઝરી બસમાં જઈ રહ્યા છીએ. ખાનગી લક્ઝરી બસમાં પણ ડબલ ભાવ લેવામાં આવી રહ્યા છે પરંતુ અમારે પહેલા પરિવારના સભ્યોને સુરક્ષિત વતન પહોંચાડવા છે.

ઉત્તરપ્રદેશના અલાહાબાદમાં રહેતા કરુણા શંકરે કહ્યું હતું કે, મારા વતનમાં લગ્ન પ્રસંગ હોવાને કારણે હું લગ્નમાં જઈ રહ્યો છું પરંતુ ટ્રેનની ટિકિટ મળી રહી નથી એટલા માટે લક્ઝરી બસમાં જવું પડી રહ્યું છે. ગુજરાતમાં કોરોનાના કેસ વધી રહ્યા છે એટલે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે તો જઈ રહ્યો છું પણ હવે વતનમાં વધારે રોકાણ કરીશ.

જો કે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે કહ્યું હતું કે, રાત્રિ કર્ફ્યૂ સિવાય અમે કોઇ કર્ફ્યૂ અત્યાર લગાવ્યો નથી. સરકારે એમ પણ કહ્યુ હતું કે, લોકડાઉન અંગે પણ કોઇ વિચારણા નથી થઇ રહી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp