હાર્ટ એટેક આવ્યો છતા આરામ કરવાના બદલે મામલતદાર ફરજ પર પરત આવ્યા

PC: youtube.com

કોરોના વાયરસના હાહાકારના કારણે તંત્ર ખડે પગે રહીને કામગીરી કરી રહ્યું છે. કોરોનાથી લોકોને સુરક્ષિત રાખવા માટે પોલીસ અને વહીવટી તંત્રના અધિકારીઓ દિવસ-રાત એક કરીને સમય જોયા વગર પોતાની ફરજ નિભાવી રહ્યા છે. એવા પણ કિસ્સાઓ સામે આવ્યા છે કે, સૌરાષ્ટ્રથી 400 કીલોમીટર દૂર ફરજ બજાવતા પોલીસકર્મી તેના બાળકના જન્મની ખુશી પણ પરિવારની સાથે નથી માનવી શકતા. સુરતમાં એક સફાઇ કરતી મહિલાને નવ માસનો ગર્ભ હોવા છતા પણ તેઓ પોતાના પરિવારની ચિંતા કર્યા વગર લોકોની સુરક્ષા માટે શહેરની સફાઈ કરી રહ્યા છે. ત્યારે આજે એક એવા અધિકારીની વાત કરવી છે કે, જેમને હાર્ટ એટેક આવ્યો અને તેમણે હોસ્પિટલના ચાર દિવસની સારવાર લીધા પછી અને દસ દિવસના બદલે પાંચ દિવસનો આરામ કરીને પોતાની ફરજને પ્રાધાન્ય આપીને ફરજ પર પરત આવીને ફરીથી પોતાની કામગીરી સંભાળી હતી.

રિપોર્ટ અનુસાર બોટાદના જિલ્લાના રાણપુર ગામના ઇન્ચાર્જ મામલતદાર અલ્કેશ ભટ્ટને 23 માર્ચના રોજ હાર્ટ એટેક આવતા તેમણે સારવાર માટે ભાવનગરની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં ડૉક્ટરની તપાસબાદ ઇન્ચાર્જ મામલતદારને 90% બ્લોકેજ હોવાનું જાણવા મળ્યું હતું. ડૉક્ટરે મામલતદારની સારવાર કર્યાબાદ 28 માર્ચના રોજ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. હોસ્પિટલમાંથી ઇન્ચાર્જ મામલતદારને દસ દિવસનો આરામ કરવાની સૂચના આપવામાં આવી હતી. અલ્કેશ ભટ્ટે ઘરમાં પાંચ દિવસનો આરામ કર્યો હતો અને ત્યારબાદ તેમણે પોતાની તબિયત સ્વસ્થ લાગતાં તેઓ દસ દિવસના આરામ કરવાના બદલે પાંચ દિવસના આરામ કરીને ફરજ પર પરત આવ્યા હતા.

ઉલ્લેખનિય છે કે, વેરાવળ સિટી પોલીસમાં ફરજ બજાવતા ભુપતસિંહ પરમારનો અકસ્માત થતા તેમને હાથના ભાગે ફેક્ચર થયું હતું. હોસ્પિટલમાં ડૉક્ટરોએ તેમની સારવાર કર્યા બાદ દોઢ મહિનાનો આરામ કરવાનું કહ્યું હતું પરંતુ ભૂપતસિંહ આરામ કરવાના બદલે કોરોના વાયરસની પરિસ્થિતિમાં પ્રજાના હિતને ધ્યાનમાં રાખીને પોતાની ફરજ નિભાવવાનું પસંદ કર્યું હતું તેથી તેઓ અકસ્માતના બીજા દિવસે પોતાના કામ પર પરત આવ્યા હતા અને ખડેપગે રહીને કાર્યનિષ્ઠાથી પોતાની ફરજ નિભાવી રહ્યા હતા. ભરતસિંહ પરમારની પોતાના કાર્ય પ્રત્યે નિષ્ઠા જોઈને SP સહિતના અધિકારીઓએ તેમને ફૂલ આપીને સન્માનિત કર્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp