કોરોના ઈન્ફેક્શનના મામલા 10 ગણા વધુ હોવાની આશંકાઃ WHO

PC: standard.com

એક તરફ જ્યાં દુનિયામાં કોરોના વાયરસના મામલામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ આંકડાને લઈને એક મહત્ત્વની જાણકારી આપી છે. WHOનું કહેવું છે કે, હજુ સુધી ઈન્ફેક્શનના જેટલા મામલા વિશે જાણકારી છે, હકીકતમાં તેના કરતા 10 ગણા વધુ મામલા હોઈ શકે છે. જણાવી દઈએ કે, અત્યારસુધી આખી દુનિયામાં 10 કરોડ 10 લાખ 85 હજાર 304 લોકોને કોરોના ઈન્ફેક્શન થઈ ચુક્યુ છે, જેમાંથી 61 લાખ 75 હજાર 566 લોકો સાજા થઈ ચુક્યા છે.

WHOના ચીફ સાયન્ટિસ્ટ સૌમ્યા સ્વામિનાથનનું કહેવું છે કે, કોઈ સમુદાયમાં કેટલા લોકોને ઈન્ફેક્શન થયું છે, તે ખબર નથી. એટલી માહિતી છે કે, જે લોકો વધુ બીમાર પડે છે, તે ટેસ્ટ કરાવે છે અને તેમાંથી પોઝિટિવ લોકો વિશે માહિતી મળે છે. તેમણે જણાવ્યું કે, સામાન્યરીતે ઈન્ફેક્શનનો શિકાર થયેલા લોકોનો આંકડો એવા લોકોની સરખામણીમાં 10 ગણો છે, જેમને સારવાર બાદ કેસ તરીકે ગણવામાં આવે છે. સ્વામિનાથને જણાવ્યું કે, ઈન્ફેક્શનનો મૃત્યુદર ઓછો છે અને સરેરાશ 0.6 ટકા છે.

દુનિયાભરમાં કોરોનાથી અત્યારસુધીમાં 5 લાખ 828 લોકોના મોત થઈ ચુક્યા છે. સૌથી વધુ મામલા અમેરિકામાં છે, જ્યાં 28 લાખ 37 હજાર 612 ઈન્ફેક્શનના મામલાઓમાંથી 1 લાખ 31 હજાર 503 લોકોના મોત થઈ ચુક્યા છે. અહીં હજુ પણ દરરોજ ઝડપથી મામલા સામે આવી રહ્યા છે અને મોતનો આંકડો પણ વધતો જઈ રહ્યો છે. ત્યાં 11 લાખ 91 હજાર 838 લોકો સાજા થઈ ચુક્યા છે.

આ અગાઉ WHOના ચીફ ટ્રેડોસ એડહનૉમ ગિબ્રયેસોસે કહ્યું હતું કે, જો દુનિયાભરની સરકારો યોગ્ય નીતિઓનું પાલન નહીં કરશે તો આ વાયરસ હજુ વધુ લોકોને સંક્રમિત કરી શકે છે. થોડાં દિવસ પહેલા જ WHOના ચીફે દુનિયાભરના નેતાઓને રાજકારણ ન કરવાની ચેતવણી આપી હતી. તેમણે કહ્યું કે, રાષ્ટ્રીય એકતામાં ઉણપ, વૈશ્વિક એકજૂથતામાં ઉણપ અને વહેંચાયેલી દુનિયા કોરોના વાયરસ ફેલાવાની સ્પીડને વધારી શકે છે. જો તેને રોકવામાં ન આવ્યો તો હજુ સૌથી ખરાબ સમય આવવાનો બાકી છે.

દુનિયાના ઘણા દેશ અને તેમના ઘણા હેલ્થ અને રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ કોરોના વાયરસ વેક્સિનની શોધ કરી રહ્યા છે. દરમિયાન WHOના જણાવ્યા અનુસાર, ઓક્સફોર્ડ યુનિવર્સિટી જે વેક્સિન પર કામ કરી રહી છે, તે કોરોના વાયરસની સારવારની રેસમાં સૌથી આગળ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp