કોરોનાના ક્રિટિકલ દર્દીઓ માટે સુરતમાં ઊભી થઇ નવી જીવલેણ મુશ્કેલી

PC: Khabarchhe.com

(રાજા શેખ) .કોરોનાના ક્રિટિકલ દર્દીને આપવામાં આવતા ટોસિલિઝૂમબ ઈન્જેક્શનનો અભાવ હોવાનું સામે આવી રહ્યુ છે. સુરતમાં ક્રિટિકલ દર્દીને અપાતા ઈન્જેક્શનની અછત જોવા મળી રહી છે. ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ માટે આ ઈન્જેક્શન સિવિલ હોસ્પિટલથી જ પ્રિસ્ક્રિપ્શન લખી મંગાવી શકાય છે પરંતુ સિવિલમાં દર્દીના સગાઓએ રજળપાટ કરવી પડે છે અને રેસિડન્ટ મેડીકલ ઓફિસર તેમજ સુપરિન્ટેન્ડન્ટ જવાબ ન આપતા હોવાનો અને ફોન પણ ન લેતા હોવાની ફરિયાદ ઉઠી છે. આરોગ્ય મંત્રી કુમાર કાનાણીનો પણ તેઓ ફોન ન ઉપાડતા હોવાની કબૂલાતનો પણ એક ઓડિયો સામે આવ્યો છે. સમાજ સેવક ધર્મેશ ગામીએ રજળપાટ કરતા દર્દીઓની રજળપાટ માટે સિવિલથી લઈ આરોગ્ય મંત્રી અને ઉપમુખ્યમંત્રી સુધી કોલ કર્યાં પણ છેવટે મદદ ન મળી.

  • સિવિલમાં દાદ ન મળતા એક દર્દીએ તો મુંબઈથી મંગાવ્યું ઈન્જેક્શન

આ અંગે સમાજ સેવક ધર્મેશ ગામીએ કહ્યું હતું કે, રાત્રે આઈએનએસ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા બે દર્દીઓના સગાઓનો તેમના પર ફોન આવ્યો હતો અને સિવિલ હોસ્પિટલમાં ટોસિલિઝૂમબ ઈન્જેક્શન તેઓ લેવા જતા ત્યાં કોઈ દાદ ન આપતું હોવાની રાવ કરી હતી. ગામીએ સિવિલ સુપરિન્ટેન્ડન્ટ પ્રીતી કાપડિયાને આ મામલે કોલ કરતા તેમણે આરએમઓ જ આ માટે કામ કરતા હોવાનું કહી હાથ ખંખેરી દીધા હતા. આરએમઓ કોઈનો કોલ લેતા ન હતા. જેથી, ગામીએ આરોગ્યમંત્રી કુમાર કાનાણીને કોલ કર્યો તો તેઓએ હું વાત કરી કહું એવો જવાબ આપ્યો.

થોડીવાર બાદ ફરી તેઓને કોલ કરતા સિવિલ સુપરિન્ટેન્ડેન્ટ કાપડિયા નો રિપ્લાય થતા હોવાનું તેમણે જણાવ્યું. જેથી, ગામીએ ઉપમુખ્યમંત્રી નીતિનભાઈને કોલ કર્યો તો તેમણે કહ્યું કે, સુરતની સ્થિતિ અંગે તેઓ વાકેફ નથી. આમ ભારે રજળપાટ બાદ પણ આ ખૂબ જ જરૂરી ઈન્જેક્શન ન મળ્યા. દર્દીના સગાએ (સારવાર હેઠળ હોવાથી અમે ઓળખ આપતા નથી) અમને કહ્યું કે, ટોસિલિઝૂમબ ઈન્જેક્શનનું પ્રિસ્ક્રિપ્શન અમને આઈએનએસ હોસ્પિટલમાંથી લખી આપ્યુ હતું. જેથી, અમે તે લેવા સિવિલ હોસ્પિટલ ગયા પણ ત્રણથી ચાર કલાક મહેનત કર્યા બાદ અને તમામ જવાબદાર, રાજકીય આગેવાનો, આરોગ્યમંત્રી સુધી ફોન કર્યા છતા અમને મદદ ન મળી. અમારા દર્દી ક્રિટિકલ હોવાથી અમે મુંબઈ સંબંધીને સંપર્ક કર્યો અને ત્યાંથી તે ઈન્જેક્શન મળી જતા તેઓ રાતભર ટ્રાવેલિંગ કરી સુરત આવીને અમને તે ઈન્જેક્શન આપી ગયા. બે ઈન્જેક્શનની જરૂરિયાત અમે મુંબઈથી પુરી કરી.

વિપક્ષ પાસે અનેક ફરિયાદો , અછતની ધારાસભ્યની કબૂલાત

આ મામલે મીડીયાને નગર સેવક અસ્લમ સાઈકલવાળાએ કહ્યું હતુ કે સિવિલમાંથી આ ઈન્જેક્શન અપાતા ન હોવાની મારી સમક્ષ 25 જેટલી ફરિયાદ આવી છે. જો અછત હોય તો તે જાહેર કરવી જોઈએ અને વ્યવસ્થા ઊભી કરવી જોઈએ જેથી, લોકોએ ભટકવું ન પડે. સિવિલમાંથી જવાબ ન મળે તે ખોટી રીત છે.

આ મામલે ધારાસભ્ય હર્ષ સંઘવીએ મીડીયાને કહ્યું કે, ચોક્કસ જ જથ્થો ઓછો છે અને દેશભરમાં તે સમસ્યા છે. મને જ્યાંથી ફરિયાદો આવી છે તે દર્દીઓનું લિસ્ટ આપવામાં આવે તો હું ચોક્કસ જ તેમને મદદ કરવાની કોશિશ કરીશ. મીડીયામાં મુદ્દો ઉછળ્યા બાદ સાંસદો અને ધારાસભ્યોએ પણ સુરત આવેલા મુખ્યમંત્રી સમક્ષ આ વાત મુકી હતી ત્યારે તેમણે પણ કહ્યું હતુ કે વિદેશથી જથ્થો આવતો હોવાથી હાલ સમસ્યા છે. જે ઝડપથી પૂરી થાય તે માટે પ્રયાસ કરાય રહ્યાં છે. રૂપિયાથી પણ બહાર સ્ટોક મળી રહે તેવી રજૂઆત કેન્દ્રમાં કરાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp