પાટણના મુસ્લિમ દંપતીએ રામ મંદિર માટે આટલા રૂપિયાનું દાન આપ્યું

PC: youtube.com

અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે દેશમાં અલગ-અલગ જગ્યા પરથી સામાન્ય જનતા, બિઝનેશ મેન અને સાધુ-સંતો દાન આપી રહ્યા છે. ત્યારે ગુજરાતના પાટણના એક મુસ્લિમ દંપતીએ પણ રામ મંદિરના નિર્માણ માટે દાન આપ્યું છે. આ મુસ્લિમ દંપતી ડૉક્ટર છે અને તેમનું નામ ડૉક્ટર હમીદ મનસૂરી અને મુમતાઝ મનસૂરી છે. આ પાટણના આ ડૉક્ટર મુસ્લિમ દંપતીએ 1.51 લાખ રૂપિયાનું દાન રામ મંદિરના નિર્માણ માટે આપીને સદભાવના અને એકતાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

આ બાબતે ડૉક્ટર હમીદ મનસૂરીએ જણાવ્યું હતું કે, આપણા દેશમાં અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થઇ રહ્યું છે અને અયોધ્યામાં મંદિર બનાવવાની કામગીરી પણ શરૂ થઇ ગઈ છે. બધા લોકોએ સાથે મળીને સંસ્કૃતિને સાચવવા માટે આ આપણા બધા માટે ગૌરવ લેવા જેવી વાત છે.

આપણે બધા લોકો જેટલો સહયોગ આપીએ તે ખૂબ સારી વસ્તુ છે. અમે આજથી એક વર્ષ પહેલા અયોધ્યા ગયા હતા. ત્યારે મેં અને મારી પત્નીએ દર્શન કરીને નક્કી કર્યું હતું કે, જ્યારે પણ રામ મંદિરનું નિર્માણ થશે ત્યારે અમે અમારી શક્તિ અનુસાર દાન આપીશું. એટલે આજે જ્યારે ટ્રસ્ટના મિત્રો અમારી પાસે આવ્યા અને રામ મંદિર બાબતે દાનની વાત કરી એટલે અમે અમારાથી જે બનતું હતું તેટલું દાન આપ્યું છે.

આ માટે અઢળક નાણાનો પ્રવાહ વહી રહ્યો છે. છતાં પણ હું ભારતીયોને એક સંદેશો આપું છું કે, બધા લોકો નાત-જાતનો ભેદભાવ મૂકીને પરમાત્મા એક જ છે અમે તેમના મંદિરનું નિર્માણ થઇ રહ્યું હોય ત્યારે આ કામ બધાએ સાથે મળીને ઉપાડી લેવું જોઈએ. જેથી આપણે દુનિયાને કહી શકીએ કે, ભારતમાં જેટલી એકતા છે તેટલી એકતા ક્યાય નથી.

ડૉક્ટર હમીદ મનસૂરીના પત્ની મુમતાઝે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, હું ભારતીય છું તેનો મને ગર્વ છે. રામ જન્મ ભૂમિ પર મંદિરનું નિર્માણ ખૂબ ભવ્ય રીતે થાય તે મારી ઈચ્છા છે. અમે અયોધ્યા ગયા અને ત્યાં ભગવાન સામે માથું ટેકવ્યું ત્યારે અમે પતિ-પત્નીએ નક્કી કર્યું મંદિર બનવું જોઈએ. જે સમયે કોઈ મંદિર માટે ફાળો લેવા ત્યારે આપણાથી જેટલો ફાળો એકઠો થાય તે ફાળો આપવાનો છે. અમારી ઈચ્છા પહેલાથી ભવ્ય રામ મંદિરનું નિર્માણ થાય તેવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp