વલસાડમાં બે પરિવાર બન્યા એક બીજાના દુશ્મન, થઈ હિંસક મારામારી, જુઓ ફોટા

PC: youtube.com

રાજ્યમાં ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે કેટલીક જગ્યાઓ પર જૂથ અથડામણ તો કેટલીક જગ્યાઓ પર હત્યા, ચોરી, લૂંટફાટ અને મારામારી જેવા કિસ્સાઓ સામે આવે છે. ત્યારે વલસાડમાં બે પરિવારની વૃદ્ધ મહિલાઓ અને બાળકો સહિતના તમામ સભ્યો એકબીજા સાથે લાકડા જેવા હથિયારો લઈને મારામારી પર ઉતરી આવ્યા હોવાની ઘટના સામે આવી છે.

આ ઘટનામાં ચાર મહિલાઓને શરીરના અન્ય ભાગો પર અને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. તો બીજી તરફ ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પોલીસે સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આ ઘટનાનો વીડિયો અને ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.

રિપોર્ટ અનુસાર વલસાડમાં અલગ-અલગ વિસ્તારોમાં રસ્તાની બંને બાજુએ લારી-ગલ્લા અને પાથરણાવાળાઓ પોતાનો અડ્ડો જમાવીને બેસેલા જોવા મળે છે. ત્યારે વલસાડના ધરમપુર રોડ પર રેલવે પોલીસના હદ વિસ્તારમાં ઝુંપડા બાંધીને રહેતા અને ફૂલ-ઝાડ, માટલા અને કુંડાનું વેચાણ કરતા બે પરિવાર વચ્ચે નાની એવી વાતને લઈને મારામારીના દૃશ્યો સર્જાયા હતા.

આ મારામારીની ઘટનામાં બંને પરિવારના વૃદ્ધ, મહિલાઓ અને બાળકો સહિત પરિવારના તમામ સભ્યો લાકડા જેવા હથિયારો લઈને એક બીજા પર તૂટી પડ્યા હતા.

બંને પરિવારો વચ્ચે એટલી કેટલી ક્રૂરતાથી મારામારી થઈ હતી કે, ઘટનામાં ચાર મહિલાઓને શરીરના ભાગો પર અને માથાના ભાગે ગંભીર ઇજા થવા પામી હતી. ઇજાગ્રસ્ત થયેલી મહિલાઓના નામ પૂનમ શાહ, મૂર્તિ શાહ વાંસતી શાહ અને ગિરિજાદેવિ શાહ છે.

બે પરિવાર વચ્ચે થયેલી મારામારીની ઘટનાને લઇને આસપાસના સ્થાનિક લોકો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. આ ઘટનામાં પુરુષોએ પણ મહિલાઓને લાકડી વડે માર માર્યો હોવાનું સામે આવ્યું હતું અને લોકોએ 108ની મદદથી ઈજાગ્રસ્ત થયેલી ચાર મહિલાઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી હતી.

તો બીજી તરફ સમગ્ર ઘટનાની જાણ વલસાડ રેલવે પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે ઘટના સ્થળની પ્રાથમિક તપાસ બાદ સમગ્ર મામલે ઇજાગ્રસ્ત મહિલાઓના નિવેદન લેવાની તજવીજ હાથ ધરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp