દીપડાના બચ્ચાની પજવણી કરનારની માહિતી આપનારને વન વિભાગ આપશે 25,000નું ઇનામ

PC: youtube.com

જૂનાગઢના ગીર વિસ્તારમાં અવારનવાર સિંહની પજવણીની ઘટનાઓ પ્રકાશમાં આવતી રહે છે અને આ ઘટનાઓને લઇને વન વિભાગે કાર્યવાહી કરીને જવાબદાર લોકો સામે કાર્યવાહી પણ કરી હતી, પરંતુ હવે ગીરના જંગલોમાં દીપડાના બચ્ચાની પજવણી કરવાની ઘટના સામે આવી છે. દીપડા બચ્ચાની પજવણી કરતા કેટલાક ઇસમોના વીડિયો અને ફોટાઓ સોશિયલ મીડિયામાં વાયરલ થતા વન વિભાગ હરકતમાં આવ્યું હતું અને દીપડાના બચ્ચાની પજવણી કરતા લોકોને પકડવાની કાર્યવાહી કરવામાં આવી હતી.

જોકે, વન વિભાગ દ્વારા પહેલીવાર કોઈ વન્ય પ્રાણીઓની પજવણી કરનાર ઇસમોની માહિતી આપનાર લોકોને ઇનામ આપવાની જાહેરાત કરવામાં આવી છે. વન વિભાગે જાહેરાત કરી છે કે, જે પણ દીપડાના બચ્ચાની પજવણી કરતા ઇસમોની માહિતી આપશે તેમને 25,000 રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. ગીર ફોરેસ્ટની ટાસ્ક ફોર્સ દ્વારા આ ઇનામની જાહેરાત કરવામાં આવી છે. વાયરલ થયેલા ફોટાઓમાં દેખાઈ રહ્યું છે કે, બેથી ત્રણ યુવકો કઈ રીતે દીપડાના બચ્ચાની પજવણી કરી રહ્યા છે. દીપડાનું બચ્ચું આ લોકોથી છૂટવાના ઘણા પ્રયાસો કરી રહ્યું છે પણ પજવણી કરતા લોકો દીપડાના બચ્ચાને હેરાન કરતા ફોટાઓ પાડી રહ્યા છે અને વીડિયો ઉતારી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, વન્ય પ્રાણીઓની પજવણી કરવી એ ગુનો કહેવાય છે. છતાં પણ કેટલાક લોકો અવાર-નવાર વન્ય પ્રાણીઓને પજવણી કરતા પકડાય છે અથવા તો તેના વીડિયો વાયરલ થાય છે. આ વાયરલ થયેલા વીડિયોના આધારે જે-તે ઇસમોની વન વિભાગ દ્વારા ધરપકડ કરવામાં આવે છે અને તેમને સજા ફટકારવામાં આવે છે ત્યારે હવે જોવાનું એ રહે છે કે, દીપડાના બચ્ચાની પજવણી કરનારાઓઓ સામે વન વિભાગ દ્વારા કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp