જેતપુરમાં જુગારના આરોપીએ 3 લાખ આપવાની ના પાડતા PIએ જુઓ શું હાલ કર્યો

PC: youtube.com

રાજ્યમાં પોલીસ તેમના અધિકારોનો દુરુપયોગ કરતી હોય તેવા કિસ્સાઓ અવાર નવાર સામે આવ્યા છે. થોડા દિવસો પહેલા રાજકોટ ગ્રામ્યમાં એક PSI દ્વારા અનુસૂચિત જાતિના ત્રણ લોકોને ઢોર માર માર્યાનો કિસ્સો સામે આવ્યો હતો અને સમગ્ર મામલે PSIને સસ્પેન્ડ કરવાની માંગ ઊઠી હતી ત્યારે આવો જ એક કિસ્સો ફરી જેતપુરમાં સામે આવ્યો છે. જેતપુરમાં પોલીસે એક મકાનમાં દરોડો પાડીને 6 જુગારીઓને પકડ્યા હતા અને જેમાં એક જુગારીને 50થી 60 પટ્ટાના ફટકા શરીર પર માર્યા હોવાના આક્ષેપ ભોગ બનનારના પુત્ર દ્વારા કરવામાં આવ્યા છે. હાલ ઇજાગ્રસ્ત થયેલા વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

રિપોર્ટ અનુસાર જેતપુર પોલીસને બાતમી મળી હતી કે, જેતપુરમાં લેઉવા પટેલ સમાજની બાજુમાં આવેલા એક મકાનમાં કેટલાક કિસ્સામાં જુગાર રમી રહ્યા છે. જેથી રૂરલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જેતપુર લેઉવા પટેલ સમાજ પાસે આવેલા જીતેન્દ્ર સોમાણીના મકાનમાં સોમવારે દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડામાં છ જેટલા જુગારીઓને પોલીસે જુગાર રમતા પકડી પાડયા હતા. તમામ આરોપીઓ પાસેથી પોલીસે 1.38 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. 6 જુગારીઓમાં પોલીસે 70 વર્ષના લલિત અઢિયા નામના વ્યક્તિને 50થી 60 ફટાફટ માર્યા હોવાનો આક્ષેપ લલિત અઢિયાના પુત્રએ કર્યો છે.

લલિત અઢિયાના પુત્રએ જણાવ્યું હતું કે, મારા પિતા તેમના મિત્રોની સાથે જુગાર રમતા હતા ત્યારે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ તમામને જેતપુર પોલીસને સોંપવામાં આવ્યા હતા. જેતપુર પોલીસ સ્ટેશનમાં PI કરમુરેએ આ લોકોને છોડવાના નથી મારવાના છે તેવું જણાવ્યું હતું. છૂટવુ હોય તો પૈસા આપીને વહીવટ કરવો પડશે તેવું જણાવ્યું હતું. જેથી મારા પિતાની સાથે રહેલા અન્ય લોકો એ બીકમાં 2.80 લાખ રૂપિયા આપી દીધા હતા અને પછી 3 લાખ રૂપિયા પહોંચાડવાના હતા, તેના કારણે મારા પિતાનું બ્લડ પ્રેશર વધી ગયું હતું.

પિતાની તબિયત ખરાબ થયા પછી પોલીસ સ્ટેશનથી મને ફોન કરીને બોલાવવામાં આવ્યો હતો અને મેડિકલમાંથી બ્લડપ્રેશરની દવા લઈ આવવાનું કહ્યું. રાત્રે કોઈ મેડિકલ ખુલ્લુ ન હોવાના કારણે હું ફરીથી પોલીસ સ્ટેશને ગયો ત્યારે મને સિવિલ હોસ્પિટલમાંથી દવા લાવવાનું કહ્યું અને હું જ્યારે સિવિલ હોસ્પિટલમાં દવા લેવા માટે ગયો ત્યારે દર્દીને તપાસ્યા વગર ડૉક્ટરે દવા આપવાની ના પાડી હતી.

હોસ્પિટલમાંથી ડૉક્ટરે દવા ન આપતા ફરીથી હું પાછો પોલીસ સ્ટેશનમાં ગયો હતો પરંતુ PI ન હતા અને અન્ય પોલીસે કહ્યુ કે, સાહેબ આવે પછી તારા પિતાને સિવિલ હોસ્પિટલમાં લઈ જજે. જ્યારે PI કરમુરે આવ્યા ત્યારે તેમણે મને કહ્યું કે, કોને સિવિલમાં જવું છે તેની દવા મારી પાસે છે. આટલું કહી તેમને પોતાનો બેલ્ટ કાઢી મારા પિતાને 50થી 60 ફટકા માર્યા હતા. આ ઉપરાંત મારા પિતાને પેટના ભાગે લાત પણ મારી હતી અને તેના કારણે મારા પિતાના કાનમાંથી લોહી નીકળવા માંડ્યું હતું. જેથી તેમને સારવાર માટે ગોંડલમાં ખસેડવામાં આવ્યા છે.

આ સમગ્ર ઘટનાને પગલે લલિત અઢિયાએ જણાવ્યું હતું કે, મારા કાન પર 30 જેટલા બેલ્ટના ફટકા માર્યા છે. મારી ઉંમર પોલીસ ઇન્સ્પેક્ટરના પિતાની ઉંમરની છે અને મને કાનમાં સંભળાતું નથી. આ ઉપરાંત એક હાથમાં ફ્રેકચર થઇ ગયું છે. પોલીસે બંને સાથળ અને પીઠના ભાગે ખૂબ જ માર માર્યો છે અને પેટમાં પાટું માર્યું છે. આવા પોલીસ કરતા તો રાક્ષસ સારા હોય. અમે 3 લાખ આપવાની ના પાડતા પોલીસે ઢોર માર મારવાનું ચાલુ કર્યું હતું અને માર મારતા હું બેભાન થઈ ગયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp