26th January selfie contest

રાહુલ ગાંધી સુરત કોર્ટમાં, આગામી સુનાવણી 10 ડિસેમ્બરે થશે પણ...

PC: ANI

મોદી અટકને લઇને ટીપ્પણી કરવાના કેસમાં કોંગ્રેસના પૂર્વઅધ્યક્ષ રાહુલ ગાંધી આજે સુરતની કોર્ટમાં હાજરી આપવા પહોંચ્યા છે. લોકસભાની ચૂંટણી સમયે કર્ણાટકમાં એક સભા સંબોધતા રાહુલ ગાંધીએ ટીપ્પણી કરી હતી કે, બધા ચોર લોકોની અટક મોદી કેમ હોય છે. રાહુલ ગાંધીના આ નીવેદનના કારણે સમસ્ત મોઢ મોદી સમાજ દ્વારા સુરતનો કોર્ટમાં માનહાનીની અરજી કરવામાં આવી હતી. આ અરજીમાં ચીફ જ્યુડીશીયલ મેજિસ્ટ્રેટ બી. એચ. કાપડીયાએ મે 2019માં સમન્સ જારી કર્યું હતું. ભારતીય ફોજધારાની 499 અને 500ની કલમ હેઠળ આ કેસ નોંધાયો હતો. જૂલાઈમાં થયેલી સુનાવણીમાં કોર્ટે રાહુલ ગાંધીને કોર્ટમાં હાજર થવા મામલે મુક્તિ આપી હતી. રાહુલ ગાંધીના કેસની આગામી સુનાવણી 10 ડિસેમ્બરના રોજ થશે, પરંતુ તેમાં રાહુલ ગાંધી હાજર નહીં રહે તો ચાલશે.

આજે જયારે કોર્ટમાં હાજરી આપવા માટે રાહુલ સુરત આવ્યા તે પહેલા કોંગ્રેસ દ્વારા અલગ અલગ પાંચ જગ્યા પર રાહુલ ગાંધીનું સ્વગાત કરવામાં આવ્યું હતું. રાહુલ ગાંધી કોર્ટમાં આવવાના કારણે સુરતની કોર્ટ બહાર પણ ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

રાહુલ ગાંધીના કોર્ટમાં આવ્યા પહેલા કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, સંપૂર્ણ ગેર માર્ગે દોરીને માત્રને માત્ર ખોટી વાતો કરવા ટેવાયેલી ભાજપનું નેતા મંડળ અને ભાજપની આ પ્રવૃત્તિ છે. રાહુલ ગાંધીની આખી સ્પીચ સાંભળવામાં આવે, તો નીરવ મોદીને કહેવામાં આવે, લલિત મોદીને કહેવામાં આવે તો શું આ સભ્યો છે. એ લોકોએ ચોરી કરી છે અને લૂંટ કરીને દેશની બહાર ગયા છે અને આમના વિશે કઈ કહેવાય તો તેને આખા સમાજ સાથે જોડી દેવામાં આવે છે.

હું માનું છું કે, આખા સમાજનું અપમાન કર્યું હોય, તો આ ભારતીય જનતા પાર્ટીએ ખોટી રજૂઆતો કરીને કર્યું છે. આખી સ્પીચ માત્ર ખોટા લોકો અને ચોર લોકોના નામજોગ કહેવામાં આવી છે. ભૂતકાળમાં વર્તમાન ભાજપના વડાપ્રધાન અને ભાજપના નેતાઓએ હલકી કક્ષાની સભ્ય સમાજમાં બોલાય નહીં તેવા શબ્દો બોલીને કોગ્રેસની ટીકા કરી છે. તે સમયે કોંગ્રેસ પાર્ટી સત્તામાં હતી પરંતુ કોંગ્રેસે કેસ કરીને કોઈને દબાવવા કે, ડરાવવાનો પ્રયાસ ન હોતો કર્યો. મારે આજે ભાજપના નેતાઓને કહેવું છે કે, આ કોંગ્રેસ પાર્ટી છે અને આ પાર્ટીના નેતાઓ અંગ્રેજોથી પણ નહોતા ડર્યા.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp