પહેલા સરદાર પાસેથી આદિવાસીઓને હટાવ્યા હવે ગાંધી પાસેથી હરિજનો દૂર થશે

PC: indiathedestiny.com

દેશના રાજકીય પક્ષોમાં ટાંટિયાખેંચ છે તેના કરતા પણ વધુ  ટાંટિયાખેંચ દેશમાં પોતાને ગાંધી વિચારધારાને વરેલા હોવાનો દાવો કરતા લોકો અને સંસ્થાઓ વચ્ચે છે. તેઓ દાવો કરે છે કે તેમને મન ગાંધી જ સર્વસ્વ છે. પણ હકીકતમાં તેઓ ગાંધીના વિચાર કરતા જોજનો દૂર છે. આપણા દેશમાં વિકાસના નામે જે કંઈ થઈ રહ્યુ છે તેમાં માણસની કોઈ કિમંત જ નથી, તેવું લાગી રહ્યુ છે. વિદેશના આંઘળા અનુકરણમાં આપણે આપણા મુળીયા ગુમાવી રહ્યા છીએ. આપણે જે સરદાર અને ગાંધીની વાત કરી રહ્યા છીએ ખરેખર આપણે તેમને સમજી શકયા જ નથી તેવી લાગી રહ્યુ છે. સરદાર પટેલનું જયારે અવસાન થયુ ત્યારે જે સરદારના ખાતામાં 250 રૂપિયા અને મિલ્કતમાં એક થાળી-વાટકી અને ટીફીન હતું. તે સરદારના નામે ઉભા થયેલા ભવ્ય સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામે હજારો આદિવાસીઓને કેવડીયા કોલોનીથી હટાવી તેમને વિસ્થાપિત કરી દેવામાં આવ્યા હતા.

વિકાસમાં તો ભોગ આપવા પડે તેવી દલીલ કરનારનો વિકાસ માટે ઘરના કંપાઉન્ડની દિવાલ તુટે ત્યારે ભોગ કોને કહેવાય તેની ખબર પડે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પછી હવે સરકારને અમદાવાદમાં આવેલા ગાંધી આશ્રમ ઉપર પ્રેમ ઉભરાયો છે. ગાંધી આશ્રમ આતંરરાષ્ટ્રીય કક્ષાનો બનાવવો છે.સરકાર પોતાનો હેતુ સાફ છે તેવો દાવો કરતા કહે છે 1917માં ગાંધીજીએ આશ્રમ બનાવ્યો તેવી મૂળ સ્થિતિમાં આશ્રમ બનાવવાનો છે.

કારણ સમયના ચક્રની સાથે આશ્રમની વચ્ચેથી એક રસ્તો પસાર થઈ ગયો છે. આશ્રમ 1917ની સ્થિતિમાં આવે તેના કરતા ઉત્તમ કોઈ બાબત હોઈ શકે નહીં પરંતુ કોચરબ આશ્રમ છોડી સાબરમતી આશ્રમ બનાવવાનો ગાંધીએ નિર્ણય કર્યો તેની પાછળ મુખ્ય કારણ હરિજનો હતા. ગાંધી પોતાની સાથે હરિજનોને વસાવવા માગતા હતા અને તેમણે આશ્રમની સામે જ તેમના માટે વસાહત ઉભી કરી.

પરંતુ આ આખા મામલામાં સરકાર તો પછી આવી પણ ગાંધી આશ્રમના જે કોઈ ટ્રસ્ટીઓ આવ્યા તેમને મન સામે રહેલા આશ્રમવાસી કાયમ માટે શરીર અને મનથી અછૂત રહ્યા. વર્ષોથી આશ્રમવાસીઓ અને આ આશ્રમ વચ્ચે ઘર્ષણ થયા કરે છે. આશ્રમનો વિકાસ થાય અને હરિજનોને આશ્રમ છોડવો પડે તેમાં શુ વાંધો છે, તેવું ખુદ આશ્રમ અને ગાંધીવાદીઓ માને છે. પણ હરિજનો વગર તમે ગાંધીના આશ્રમની કલ્પના જ કેવી રીતે કરી શકો. બીજી દલીલ એવી છે કે ગાંધી આશ્રમની વસાહત છોડવામાં આવે તો સરકાર તેમને પોતાની માલિકીના મકાન આપવા તૈયાર છે. તો સામે પક્ષે દલીલ એવી છે કે જો સરકાર અને આશ્રમ અમને મકાન જ આપવા માગે છે તો આશ્રમના મૂળ મકાન મૂળ સ્થિતિમાં જળવાઈ રહે અને આશ્રમવાસીઓ જ તેના માલિક થઈ જાય તે દિશામાં કેમ વિચાર થતો નથી. મૂળ વાત એ છે કે ગાંધી સિવાય કોઈએ ખરા અર્થમાં હરિજનોને પોતાના ગણ્યા નથી.

ગાંધી આશ્રમની સ્થિતિ પણ અભિમન્યુના કોઠા જેવી છે. તેમાં અલગ અલગ ટ્રસ્ટો ચાલે છે અને તેઓ તમામ પોતાનું સામ્રાજય હોય તે રીતે વર્તી રહ્યા છે. ગાંધીના વાત કરનાર ટ્રસ્ટીઓને બીજા ટ્રસ્ટ સાથે બાપે માર્યા વેર છે. કોઈ એક મંચ ઉપર તેવો બેસવા તૈયાર નથી. ગાંધી આશ્રમનો વિચાર કરવો હોય તો વિવિધ  ટ્રસ્ટોની કરોડોની જમીન ખુલ્લી પડી છે તે સરકારને આપવાને બદલે હરિજનોને હટાવવામાં સરકાર અને ટ્રસ્ટનો સામૂહિક ઈરાદો છે. આ મામલે તમામ ટ્રસ્ટો એક થઈ ગયા છે. બીજી તરફ ગાંધી આશ્રમ, ગાંધી આશ્રમ જ રહે તે માટે કોઈ પણ પક્ષની સરકાર હોય તેમણે દૂર રહેવુ જોઈએ. ગાંધી -સરદાર અને આંબેડકરનું સરકારીકરણ થવુ જોઈ નહીં. કારણ આપણે સરકારીકરણની અનેક અસરો જોઈ છે. આઈઆઈએમ અને એનઆઈડી જેવી સંસ્થાઓનું કામ અને નામ એટલા માટે જ ઉત્તમ છે કારણ તેમાં સરકારનો હિસ્સો નથી. તેવી જ રીતે ગાંધી આશ્રમને સરકારે બક્ષી દેવો જોઈએ.

છેલ્લાં કેટલાય દિવસોથી ગાંધી આશ્રમની વસાહત ખાલી કરાવવાનો અને આશ્રમનું સરકારી કરણ કરવાનો તમાશો ચાલી રહ્યો છે. આશ્રમના ટ્રસ્ટીઓની એવી કઇ મજબુરી છે કે તેઓ સરકાર સામે ખોંંખારી બોલી શકે તેમ નથી. અમે તમારો હિસ્સો થવા માગતા નથી. આશ્રમની ડરપોક નેતાગીરી ઘુટણીયે પડી ગઈ છે. જયારે ગુજરાત અને દેશની ગાંધી સ્ંસ્થાઓ આ મુદ્દે ચુપચાપ તમાશો જુવે છે. તેઓ માને છે કે આગ તો આશ્રમમાં લાગી છે પણ આ આગ તમારા ઘર સુધી કયારે પહોંચશે તેની તમને ખબર પડશે નહીં. પહેલા આશ્રમ અને પછી ગુજરાત વિધ્યાપીઠ સરકારનો હિસ્સો બની જશે. ક્રમશ બધી સંસ્થાઓમાં સરકાર હશે. સરકાર તો આવતી જતી રહે છે. વાત અહિયા માત્ર ભાજપની નથી પણ કોઈ પણ પક્ષની સરકાર હોય તેમને આ મામલાથી દુર રાખવા ગાંધી સંસ્થાઓએ બોલવુ પડશે.

ગાંધીની વાત કરનારને કાયરતા પરવડે નહીં. ગુમાવવાની તૈયારી સાથે બહાર નિકળવુ પડે. કારણ કે સામે સરકાર છે. હવે સરકારને ગાંધી અને સરદાર માટે પ્રેમ ઉભરાયો તેનો આનંદ થવાને બદલે તે ચિતાનો વિષય બની ગઈ છે. નરેન્દ્ર મોદીને ગાંધીમાં રસ પડયો અને અહેમદ પટેલને અમદાવાદના સરદાર પટેલ ટ્રસ્ટમાં રસ પડયો છે. રાજનેતાઓ ખરા અર્થમાં ગાંધી અને સરદારને પ્રેમ કરે તેમાં કોઈને વાંધો નથી. કારણ કે ગાંધી અને સરદાર કોઈની જાગીર નથી. તે તો આપણા સૌના છે. પણ ગાંધી અને સરદારના વિચારને બદલે માત્ર તેમના નામે ઉભી થયેલી મિલ્કતોમાં રસ પડે તે જોખમી નિશાની છે. જે ગાંધી સંસ્થાઓ અત્યારે ગુમાવવાના ડરથી ચુપ છે તેઓ ચુપ રહેશે તો પણ તેમનો ડર સાચો પડવાનો છે. હવે ભાજપ કોંગ્રેસના નેતાઓને ગાંધી અને સરદારના નામની તાકાતની ખબર પડી છે. આશ્રમવાસીઓ છેલ્લાં કેટલાય દિવસોથી આંદોલન ચલાવી રહ્યા છે. એક પણ ગાંધી સ્ંસ્થા અને કોંગ્રેસ સહિતના એક પણ નેતા તેમને શું મદદ કરી શકીએ તેવુ પુછવા ગયા નથી.

(પ્રશાંત દયાળ)
 

 

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp