અમદાવાદમાં 3 દિવસ પહેલા ગુમ થયેલી 7 વર્ષની ખુશીની હત્યા કરાયેલી લાશ મળી

PC: dainikbhaskar.com

રાજ્યમાં ક્રાઇમની ઘટનાઓ સતત વધી રહી છે. ત્યારે અમદાવાદમાં 7 વર્ષની બાળકીની કોહવાયેલી હાલતમાં હત્યા કરાયેલી લાશ પોલીસને મળતાં ચકચાર મચી ગયો છે. આ સમગ્ર મામલે મૃતક બાળકીના અપહરણ બાદ તેની હત્યા થઈ હોવા બાબતે બાળકીના પરિવારના કોઈ સભ્યની સંડોવણી હોય તેવી શંકા પણ પોલીસ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. પોલીસે બાળકીની લાશની ઓળખ કરવા માટે તેનો DNA રિપોર્ટ કરાવવાની તજવીજ પણ શરૂ કરી છે. DNA રિપોર્ટ આવ્યા બાદ આ કેસમાં નવા ખુલાસા થશે. DNA રિપોર્ટ આવ્યા બાદ જ જાણવા મળશે કે, આ લાશ અમદાવાદમાં ત્રણ દિવસ પહેલા ગુમ થયેલી સાત વર્ષની બાળકી ખુશી રાઠોડની છે કે, પછી અન્ય કોઈ બીજી બાળકીની છે.

રિપોર્ટ અનુસાર અમદાવાદના ગોતા હાઉસિંગમાં રહેતા એક શ્રમજીવી પરિવારની સાત વર્ષની બાળકી ખુશી રાઠોડ 13 સપ્ટેમ્બરના રોજ એકા-એક ગુમ થઇ ગઇ હતી. પરિવારના સભ્યોને ખુશીની કોઇ ભાળ ન મળતાં તેમને તાત્કાલિક સ્થાનિક પોલીસમાં આ બાબતે ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે બાળકીના માતા-પિતાની ફરિયાદ લઈને બાળકીની શોધખોળ શરૂ કરી હતી. પોલીસે પ્રાથમિક તપાસમાં અપહરણનો ગુનો દાખલ કરીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસે બાળકીને શોધવા માટે લાઉડ સ્પીકરનો પણ ઉપયોગ કર્યો હતો. શનિવારે બાળકીની ભાળ ન મળતાં બીજા દિવસે પોલીસે શહેરમાં લાગેલા CCTV કેમેરાના ફૂટેજની તપાસ શરૂ કરી હતી પરંતુ તેમાં પણ પોલીસને બાળકીની શોધખોળ કરવામાં નિષ્ફળતા મળી હતી.

સાત વર્ષની બાળકી ગુમ થયાના ત્રણ દિવસ પછી પોલીસને રિંગ રોડ પર આવેલા ઓગણજ ટોલનાકા પાસે ખુલ્લી જગ્યામાંથી એક બાળકીની દુર્ગંધ મારતી લાશ મળી આવી હતી. સોલા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઘટના સ્થળ પર પહોંચી બાળકીની લાશને કબજે કરી તેની ઓળખ માટે DNA રિપોર્ટ કરાવ્યો છે.

એવી પણ માહિતી મળી રહી છે કે, સાત વર્ષની ખુશી રાઠોડ ગુમ થયા બાદ પોલીસે તેમના એક પરિચિતની અટકાયત કરીને તેની પૂછપરછ કરતા બાળકીની લાશ ઓગણજ ટોલનાકા પાસે આવેલી ખુલ્લી જગ્યામાં હોવાનો ખુલાસો થયો હતો. જેના આધારે પોલીસ બાળકીની લાશ સુધી પહોંચી હતી. પોલીસને એવી પણ આશંકા છે કે, બાળકીની હત્યા પાછળ તેમના પરિવારજનોની સંડોવણી હોય શકે છે. પોલીસને લાશ મળી છે તે લાશ પર તીક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા કરવામાં આવી હોય તેવું સ્પષ્ટપણે દેખાઇ રહયું છે. બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું કે, કેમ તે બાબતે બાળકીના મૃતદેહનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ નવા ખુલાસો થશે.

સમગ્ર મામલે DCP ઝોન-1 ડૉક્ટર રવિન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, કોહવાયેલી લાશ મળી છે અને આ લાશ ખુશીની લાશ છે કે, કે કેમ તે DNA રિપોર્ટ આવ્યા બાદ જ ખ્યાલ આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp